arjun modwadia

Gujarat Tech Development: ગુજરાતને વૈશ્વિક ટેકનોલોજી હબ બનાવવા ₹2,633 કરોડની જોગવાઈ

રાજ્યમાં રૂ. ૧.૨૪ લાખ કરોડના રોકાણ સાથે માઇક્રોન, ટાટા ઇલેક્ટ્રોનિક્સ, સી.જી. સેમિ અને કેયન્સ સેમિકોન જેવી કંપનીઓ કાર્યરત

  • Gujarat Tech Development: ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગો માટે રૂ. ૧૫૦ કરોડ તેમજ ધોલેરા અને સાણંદ ખાતે EMC 2.0ના વિકાસ માટે રૂ. ૫૦ કરોડની જોગવાઇ
  • GCC પોલિસી અંતર્ગત રાજ્યમાં ૨૫૦ નવાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ આકર્ષવા અને ૫૦ હજાર નવી રોજગારી સર્જવાનું લક્ષ્ય
  • વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભામાં પસાર

ગાંધીનગર, 16 માર્ચ: Gujarat Tech Development: વિધાનસભા ગૃહમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગની અંદાજપત્રીય માગણીઓ પર ચર્ચા કરતાં મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત ટેકનોલોજીના વૈશ્વિક નકશા પર અગ્રેસર બનવા આગેકૂચ કરી રહ્યું છે. આ માટે રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે રૂ. ૨,૬૩૩.૭૨ કરોડ ફાળવીને એક મહત્વાકાંક્ષી કદમ ભર્યું છે. તેમણે કહ્યું કે આ બજેટ થકી રાજ્ય સેમિકન્ડક્ટર, સ્પેસ ટેક અને AI જેવી વિવિધ ટેક્નોલોજીના ક્ષેત્રમાં હરણફાળ ભરીને દેશ અને દુનિયામાં આગવું સ્થાન પ્રાપ્ત કરશે. આમ, ગુજરાત વડાપ્રધાનના “વિકસિત ભારત@૨૦૪૭”ના વિઝન સાથે STEM-Science, Technology, Engineering, Maths આધારિત જ્ઞાન સમાજ તરફ પ્રયાણ કરી રહ્યું છે.

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી મોઢવાડિયાએ ગર્વભેર કહ્યું હતું કે સેમિકન્ડક્ટર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧,૧૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, સેમિકન્ડક્ટર નીતિ ૨૦૨૨-૨૭ અંતર્ગત રાજ્યમાં રૂ. ૧,૨૪,૯૩૩ કરોડના રોકાણ સાથે માઇક્રોન, ટાટા ઇલેક્ટ્રોનિક્સ, સી.જી. સેમિનું OSAT અને કેયન્સ સેમિકોન જેવી કંપનીઓ પ્લાન્ટ સ્થાપી રહી છે. જેના પરિણામે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ‘મેડ ઇન ગુજરાત’નો ડંકો સમગ્ર વિશ્વમાં ગૂંજશે.

વધુમાં, મંત્રીએ કહ્યું કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સાણંદ ખાતે કરવા આવેલા માઇક્રોન પ્લાન્ટના ઉદ્ઘાટન બાદ અહીં વ્યાપારી ઉત્પાદન શરૂ પણ થઈ ચૂક્યું છે. ગુજરાત ઈલેક્ટ્રોનિક્સ નીતિ ૨૦૨૨-૨૮ અંતર્ગત સહાય મેળવવા માટે અત્યાર સુધીમાં કુલ ૩૭ ઇલેક્ટ્રોનિક્સ એકમોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જે દ્વારા રાજ્યમાં કૂલ અંદાજિત રૂ. ૫૩,૬૭૧ કરોડનું રોકાણ થવાની સંભાવના છે.

આ નીતિ અંતર્ગત પ્રોત્સાહન પૂરું પાડવા વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં રૂ. ૧૫૦ કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે. તદુપરાંત, આ નીતિ અંતર્ગત રાજ્યમાં કૌશલ્યવર્ધન માટે સેમિકન્ડક્ટર ATMP તાલીમ કેન્દ્ર અને IIT ગાંધીનગર ખાતે ‘સિલિકોન એન્ડ એડવાન્સ્ડ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ હબ’-SAMARTH, સમર્થની સ્થાપના પણ કરવામાં આવી છે.

વધુમાં, ગુજરાત સરકારે અદ્યતન ટેકનોલોજી શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પર કેન્દ્રિત રાજ્યનું પ્રથમ NIELIT સેન્ટર સ્થાપવા માટે અમદાવાદમાં ITI ચાંદખેડા ખાતે જગ્યા ફાળવી છે. રાજ્ય સરકાર, ચિપ-ઇન એક્સ્ટેન્શન સેન્ટર અને VLSI ડિઝાઇનમાં સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના કરવા માટે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ C-DAC, બેંગલુરુ સાથે સહયોગ કરી રહી છે.

આ કેન્દ્ર સેમિકન્ડક્ટર ડિઝાઇન, નવીનતા અને સાહસિકતા માટે રાજ્ય સ્તરીય હબ તરીકે કાર્ય કરશે. આમ, સરકાર સેમિકન્ડક્ટર અને ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં કુશળ માનવબળ તૈયાર કરવા માટે પણ પ્રયાસ કરી રહી છે તેમ મંત્રી ઉમેર્યું હતું. ગુજરાત સ્પેસ ટેક નીતિ ૨૦૨૫-૩૦ અને ઇલેક્ટ્રોનિક્સ હબ વિશે વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે અવકાશ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે રાજ્ય સરકારે ‘ગુજરાત સ્પેસ ટેક નીતિ ૨૦૨૫-૩૦’ જાહેર કરી છે. જે અંતર્ગત રાજ્ય સરકાર આ સેક્ટરમાં ડિઝાઇન, ઉત્પાદન અને સેટેલાઈટ એપ્લીકેશન માટે રોકાણ કરવા ઇચ્છુક ઉદ્યોગોને પ્રોત્સાહન પૂરું પાડશે.

વધુમાં, આ ક્ષેત્રે સ્ટાર્ટ-અપ, ઇનોવેશન અને મેનુફેક્ચરિંગના વિકાસની વિપુલ તકોનું સર્જન થશે. જેના માટે વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં રૂ. ૨૫ કરોડ ફાળવવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા EMC 2.0 સ્કીમ અંતર્ગત ગુજરાતના ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન ખાતે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરીંગ ક્લસ્ટર વિકસાવવા મંજુરી આપવામાં આવી છે તેમજ સાણંદમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરીંગ ક્લસ્ટર વિકસાવવાની અરજી અગ્રિમ તબક્કામાં છે. જ્યારે ધોલેરા અને સાણંદ GIDC ખાતે સેમિકન્ડક્ટર અને ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રોને અનૂરૂપ માળખાગત સુવિધાઓ સુદૃઢ કરવા અર્થે વર્ષ ૨૦૨૬-૨૭ ના બજેટમાં રૂ. ૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

મોઢવાડિયાએ જણાવ્યું કે તાજેતરમાં મહાત્મા મંદિર ખાતે યોજાયેલી ‘સેમિકનેક્ટ કોન્ફરન્સ-૨૦૨૬’માં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત માઇક્રોન ટેક્નોલોજીના ગ્લોબલ CEO, ટાટા ઇલેક્ટ્રોનિક્સના MD, કેયન્સ ટેક્નોલોજીના એક્ઝીક્યિટીવ વાઇસ પ્રેસિડેન્ટ, CG સેમિના પ્રતિનિધિ અને SEMI ઈન્‍ટરનેશનલના CEO પણ ઉપસ્થિત રહ્યા હતાં. જ્યાં રાજ્ય સરકાર દ્વારા હોતાયી ઇલેક્ટ્રોનિકસ, હોરિબા, કિઆન્સ ઇન્ટરનેશનલ, સૂચિ સેમિકોન અને રોમ સેમિકન્ડક્ટર, કેયન્સ ટેકનોલોજી અને સ્પેક્ટ્રા ગેઝ, જેવી વૈશ્વિક કંપનીઓ સાથે મહત્વના MoU કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:- Gujarat LPG Helpline: ગુજરાતમાં LPG અંગે કોઈ અછત નહીં, નાગરિકો માટે હેલ્પલાઇન જાહેર

આ ઉપરાંત, ગુજરાતને ટેક્નોલોજી, ફાઇનાન્સ અને ઉદ્યોગ માટે ગ્લોબલ હબ બનાવવા માટે IT/ITeS પોલિસી ૨૦૨૨-૨૭ જાહેર કરવામાં આવી છે. જેનો ઉદ્દેશ ગુજરાતને વૈશ્વિક સ્તરે IT ઉદ્યોગ માટે ‘Destination of Choice’ બનાવવું. જ્યાં નવીન સંશોધન, ડિજિટલ પરિવર્તન અને ટેક્નોલોજી આધારિત ઉદ્યોગોનો વિકાસ કરવાનો છે.

આ પોલિસી માટે રૂ. ૩૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. વધુમાં, ગુજરાતને AI અને ક્વોન્ટમ ટેકનોલોજીમાં અવ્વલ બનાવવા માટે ગુજરાત ફ્યુચર ટેક્નોલોજીસ ઈનિશિયેટિવ-GFTI હેઠળ રૂ. ૩૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

તેમણે ઉમેર્યું કે AI Action Plan મુજબ Capacity Building માટે વિશેષ પ્રાવધાન કરવામાં આવ્યું છે. AI આધારિત તાલીમ અને વર્કશોપ દ્વારા સરકારી અધિકારીઓ અને ટેક્નિકલ સ્ટાફનું અપસ્કિલિંગ કરવામાં આવશે તેમજ સંસ્થાકીય ક્ષમતા વિકાસ દ્વારા AI આધારિત નીતિઓનું અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવામાં આવશે.

GCC પોલિસી અંતર્ગત વિગતો આપતા મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં ૨૫૦ નવા ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ આકર્ષવા અને ૫૦ હજાર નવી રોજગારી સર્જવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી-GTU અને એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ ખાતે એડવાન્સ્ડ 5G યુઝકેસ લેબ સ્થાપવા માટે વર્ષ ૨૦૨૬-૨૭ ના અંદાજપત્રમાં રૂ. ૩૦ લાખની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.

GIL એ ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે NASSCOM અને Microsoft સાથે એમઓયુ કરી AI સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરી છે. આ પહેલનો હેતુ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં AI-based પ્રોજેકટને પ્રોત્સાહન આપવાનો છે. AI-COE ખાતે ૧૮ સ્ટાર્ટ-અપ કાર્યરત છે. તથા અત્યાર સુધીમાં ૩ એઆઈ ઈનોવેશન ચેલેન્જ લોન્ચ કરવામાં આવી છે. જેમા Govt. Sectorના ૧૨ use case અને Private Sector ના ૧૩ use case સામેલ છે.

તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય-MeitY દ્વારા ભાષિની પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ભારતીય નાગરિકોને વિવિધ ભારતીય ભાષાઓમાં માહિતીનું ભાષાંતર કરવામાં સહાયરૂપ થવાનો છે તેમજ સમગ્ર દેશમાં વિવિધ ભાષાઓ બોલનારાઓ વચ્ચે અસરકારક સંદેશાવ્યવહાર સુનિશ્ચિત કરવાનો છે.

વર્તમાન GSWAN ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અપગ્રેડેશન અને મજબૂતીકરણની વાત કરતાં મંત્રીએ કહ્યું કે ગુજરાત સરકારની તમામ ઓફિસોમાં વિશ્વસનીય અને સતત સેવા સુનિશ્ચિત કરવા માટે તે નવીનતમ ટેક્નોલોજી દ્વારા GSWAN ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરવા રૂ. ૧૩૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બાયોટેકનોલોજી ક્ષેત્રે સંશોધનને વેગ આપવા અનેક નવી પહેલની જાહેરાત કરવામાં આવી છે, તેમ જણાવતા મંત્રીએ કહ્યું કે, રાજ્યમાં બાયોટેક્નોલોજીના વિકાસ માટે ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન-GSBTM, ગુજરાત બાયોટેકનોલોજી રીસર્ચ સેન્‍ટર-GBRC, ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી-GBU અને સાવલી ટેકનોલોજી અને બિઝનેશ ઈન્‍ક્યુબેટર-STBI જેવી સંસ્થાઓ કાર્યરત છે.

OB Banner summer

કેન્દ્ર સરકારની BioE3 પોલિસી ઇનોવેશન અને સસ્ટેનેબિલિટી દ્વારા હાઇ-પરફોર્મન્સ બાયોમેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપે છે, જેને સુસંગત રાજ્ય સ્તરે પ્લાનિંગ, કોઓર્ડિનેશન અને રિસોર્સ કન્વર્જન્સ માટે નોડલ એજન્સી તરીકે BioE3 સેલ સ્થાપિત કરવામાં આવશે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત Bioeconomy Hub માટે રૂ. ૫ કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. બ્લૂ બાયોઇકોનોમી વિષે મંત્રીએ કહ્યું કે તટીય રાજ્ય તરીકે ગુજરાત પાસે બ્લૂ બાયોઇકોનોમી ક્ષેત્રમાં વિશાળ સંભાવનાઓ છે. મરીન રિસર્ચ, ઇનોવેશન અને પ્રોડક્ટ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા માટે મરીન બાયોટેકનોલોજી રિસર્ચ એંડ ઇનોવેશન કોરિડોર M-BRIC વિકસાવવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત, ગાંધીનગર ખાતે રૂ. ૩૬૨ કરોડના ખર્ચે કુલ ૧૪ એકરમાં અત્યંત ચેપી વાયરસના સંશોધન માટે દેશની આધુનિક BSL-4 લેબ બનશે, જેનો શિલાન્યાસ તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. સ્પોર્ટ્સ જીનોમિક્સ અન્વયે રમતવીરોની જનીનીક ક્ષમતા ઓળખવા માટે રૂ. ૫.૨૮ કરોડના ખર્ચે નવો પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. મંત્રી મોઢવાડિયાએ કહ્યું કે વિજ્ઞાનનો વ્યાપ વધારવા સાયન્સ સિટી અને રિજીયોનલ સેન્ટર્સમાં અનેક સુવિધાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં સાયન્સ સિટી ખાતે હ્યુમન એન્ડ બાયોસાયન્સ તથા એવિએશન ગેલેરી જેવી નવી સુવિધાઓ માટે રૂ. ૭૬.૩૫ કરોડ ફાળવવામાં આવ્યા છે.

આ સિવાય, પોરબંદર ખાતે નવું રિજિયોનલ સાયન્સ સેન્ટર અને વાવ-થરાદમાં ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર મંજૂર કરવામાં આવ્યું છે. વધુમાં, મહિલાઓને આત્મનિર્ભર બનાવવા રૂ. ૫ કરોડના ખર્ચે વુમન ટેક્નોલોજી સેન્ટરની સ્થાપના પણ કરવામાં આવશે. ડિજિટલ કનેક્ટિવિટી અને ઈ-ગવર્નન્સ વિશે જણાવતા મંત્રીએ કહ્યું કે, ભારતનેટ ફેઝ-૩ અંતર્ગત ૧૪ હજારથી વધુ ગ્રામ પંચાયતોને હાઈસ્પીડ ઈન્ટરનેટથી જોડવા રૂ. ૧૯૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેનાથી અનેક ગ્રામીણ પરિવારોને સરકારી સેવાઓ ખૂબ ઝડપી અને પારદર્શિતા સાથે મળી રહેશે.

રાજ્યમાં વર્ષ ૨૦૦૩થી કાર્યરત ઈન્સ્ટીટયુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થા સમગ્ર ભારતમાં ભૂકંપને લગતું સંશોધન કરનારી એક માત્ર સંસ્થા છે, જેના માટે રૂ. ૨૧.૦૯ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. મંત્રી અર્જુન મોઢવાડિયાએ અંતમાં જણાવ્યું કે, આ બજેટની જોગવાઈઓ ગુજરાતને ટેકનોલોજીના ક્ષેત્રે ‘આત્મનિર્ભર’ બનાવવાની દિશામાં એક મજબૂત કદમ છે. આમ, વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિધાનસભામાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરાઈ હતી.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો