Historic year of Rajkot Rail Division: રાજકોટ રેલવે ડિવિઝન માટે સિદ્ધિઓથી ભરેલું ઐતિહાસિક વર્ષ
Historic year of Rajkot Rail Division: વાર્ષિક રાઉન્ડ-અપ 2025: રાજકોટ રેલવે ડિવિઝન માટે સિદ્ધિઓથી ભરેલું ઐતિહાસિક વર્ષ
રાજકોટ, 28 ડિસેમ્બર: Historic year of Rajkot Rail Division: કેલેન્ડર વર્ષ 2025 પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝન માટે એક ઐતિહાસિક, પરિવર્તનકારી અને સિદ્ધિઓથી પરિપૂર્ણ વર્ષ તરીકે ઉભરી આવ્યું છે. આ વર્ષ રાષ્ટ્રીય મહત્વના પ્રોજેક્ટ્સ, રેકોર્ડબ્રેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ઉત્કૃષ્ટ ઓપરેશનલ પ્રદર્શન તેમજ મુસાફરોની સુરક્ષા, સેવાની ગુણવત્તા, ડિજિટલ ગવર્નન્સ, આવકમાં વૃદ્ધિ અને ટકાઉ વિકાસ પર કેન્દ્રિત નિરંતર પ્રયાસોનું સશક્ત ઉદાહરણ રહ્યું છે.
સમગ્ર વર્ષ દરમિયાન રાજકોટ ડિવિઝને આધુનિકતા સાથે વિરાસત, વિકાસ સાથે શિસ્ત અને વિસ્તરણ સાથે સુરક્ષાનો સંતુલિત સમન્વય સાધી પોતાની કાર્યક્ષમતાનું અસરકારક પ્રદર્શન કર્યું છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણ અને સુરક્ષા કાર્યો: કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સમાં ક્રાંતિકારી સુધારા
• વર્ષ 2025 દરમિયાન રાજકોટ ડિવિઝને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂતીકરણ અને સુરક્ષા સંવર્ધનની દિશામાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. આ સમયગાળા દરમિયાન 6 રોડ ઓવર બ્રિજ અને 1 રોડ અંડર બ્રિજનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું, તેમજ 11 માનવસહિત લેવલ ક્રોસિંગ ફાટકો નાબૂદ કરવામાં આવ્યા.
• 70 કિમી ડબલ્યુ-બીમ ફેન્સિંગ સ્થાપિત કરવામાં આવી, જેનાથી મુસાફરોની સુરક્ષા અને કામગીરીની કાર્યક્ષમતામાં અભૂતપૂર્વ સુધારો થયો છે.
• રાજકોટ-હાડમતીયા સેક્શન (39 કિમી, ₹377 કરોડ)નું ડબલીંગ કાર્ય, જે રાજકોટ-કાનાલુસ (111 કિમી) ડબલીંગ પ્રોજેક્ટનો ભાગ છે, તે પૂર્ણ કરવામાં આવ્યું છે. આનાથી નેટવર્ક ક્ષમતા અને ઓપરેશનલ લવચીકતામાં નોંધપાત્ર વધારો થયો છે.
• આ પ્રોજેક્ટ અંતર્ગત 15 નવા મોટા પુલ અને 74 નવા નાના પુલનું નિર્માણ પૂર્ણ થયું છે. સાથે જ પડધરી, ચણોલ, હાડમતીયા, લાખાબાવળ, પીપળી અને કાનાલુસ સ્ટેશનો પર નવા પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યા છે.
• અમૃત ભારત સ્ટેશન યોજના (ABSS) અંતર્ગત મોરબી, જામવંથલી, હાપા, કાનાલુસ, મીઠાપુર અને ઓખા સ્ટેશનોના પુનઃવિકાસનું કાર્ય પણ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.
• આ ઉપરાંત, મોરબી સ્ટેશન પર કર્મચારીઓની સુવિધા માટે કમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે.
• 20 લેવલ ક્રોસિંગ ગેટ પર રબરાઇઝ્ડ ફ્લોરિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
100 ટકા વીજળીકરણ: ટકાઉ અને ઊર્જા-કાર્યક્ષમ કામગીરી તરફ મોટી સિદ્ધિ
રાજકોટ ડિવિઝને તેના સમગ્ર બ્રોડ ગેજ નેટવર્કનું 100% વીજળીકરણ (Electrification) હાંસલ કરી લીધું છે. આ સાથે પશ્ચિમ રેલ્વે દેશના સંપૂર્ણ વીજળીકરણ ધરાવતા રેલ નેટવર્ક ક્ષેત્રોમાં મજબૂત રીતે સ્થાપિત થઈ છે, જે પર્યાવરણને અનુકૂળ અને ઊર્જા-કાર્યક્ષમ રેલ કામગીરી પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને વધુ સુદ્રઢ કરે છે.
ઓપરેશનલ શ્રેષ્ઠતા અને સમયપાલનમાં અગ્રેસર પ્રદર્શન
વર્ષ 2025 દરમિયાન રાજકોટ ડિવિઝને મેલ/એક્સપ્રેસ ટ્રેનોમાં આશરે 95% સમયપાલન (Punctuality) નોંધાવીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ સફળતા ભારે ચોમાસુ, ટ્રાફિકનું વધુ દબાણ, તહેવારોની વિશેષ ટ્રેનોનું મોટા પાયે સંચાલન અને સતત ચાલતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યો છતાં પ્રાપ્ત થઈ છે, જે ડિવિઝનના મજબૂત ઓપરેશનલ પ્લાનિંગ અને શિસ્તબદ્ધ નિયંત્રણ વ્યવસ્થાને દર્શાવે છે.
મુસાફર સેવાઓનું વિસ્તરણ અને વધતી માંગનું અસરકારક વ્યવસ્થાપન
નવી નિયમિત રેલ સેવાઓની શરૂઆત તેમજ ઉનાળુ વેકેશન, ગણપતિ, દિવાળી-છઠ અને નાતાલ/નવા વર્ષ જેવા પ્રસંગોએ મોટી સંખ્યામાં સ્પેશિયલ ટ્રેનોના સંચાલનથી મુસાફર કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો થયો છે.
• આ વર્ષે વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ અને રાજકોટ-પોરબંદર વચ્ચે બે લોકલ ટ્રેનોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
• આ ઉપરાંત, ટ્રેનોમાં કામચલાઉ અને કાયમી ધોરણે વધારાના કોચ ઉમેરવામાં આવ્યા હતા, જેથી મુસાફરોને સુરક્ષિત અને સુવિધાજનક મુસાફરી મળી રહે.
ડિજિટલ પરિવર્તન અને સ્માર્ટ ગવર્નન્સ
• રાજકોટ ડિવિઝને 170 હેન્ડ-હેલ્ડ ટર્મિનલ્સ (HHTs) ના ઉપયોગ સાથે 100% ડિજિટલ ટિકિટ ચેકિંગ હાંસલ કર્યું છે.
• ‘રેલ મદદ’ ફરિયાદ નિવારણમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા રાજકોટ ડિવિઝને વર્ષ 2024-25માં પશ્ચિમ રેલ્વેમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું અને ‘Best Performance in Rail Madad’ ની શીલ્ડ મેળવી છે.

ફ્રેટ સેક્ટર: ઉદ્યોગોને નવી ગતિ
3 સપ્ટેમ્બર, 2025 થી મકનસર ફ્રેટ ટર્મિનલથી કન્ટેનર ટ્રેનોનું સંચાલન શરૂ થવાથી મોરબી અને આસપાસના ઉદ્યોગોને નવી રેલ કનેક્ટિવિટી મળી છે.રાજકોટ ડિવિઝનની બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ (BDU) એ મોરબીની સિરામિક ટાઇલ્સનું કન્ટેનર લોડ કરીને એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે, જેનાથી નૂર ખર્ચમાં ઘટાડો થયો છે. મકનસર સ્થિત ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ ગુજરાત સરકાર અને રેલ મંત્રાલયની સંયુક્ત પહેલ છે, જે પીએમ ગતિ શક્તિ નીતિ અંતર્ગત વિકસાવવામાં આવ્યું છે.
આરોગ્ય સેવાઓ અને કર્મચારી કલ્યાણ
ડિવિઝનલ રેલ્વે હોસ્પિટલ, રાજકોટ ભારતીય રેલ્વેની પ્રથમ હોસ્પિટલ બની છે જેને NABL (MELT) માન્યતા મળી છે. આ સાથે રાજકોટની પેથોલોજી લેબોરેટરીઓને પણ NABL માન્યતા આપવામાં આવી છે.
ટકાઉપણું અને ગ્રીન ઇનિશિયેટિવ
• 100% વીજળીકરણ અને સૌર ઊર્જાના ઉપયોગ દ્વારા પશ્ચિમ રેલ્વેએ તેના કાર્બન ફૂટપ્રિન્ટમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે.
• રાજકોટ સ્ટેશનને ISO 14001:2015 પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે જે પર્યાવરણને અનુકૂળ સ્ટેશન મેનેજમેન્ટની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.
• આ ઉપરાંત, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, ભક્તિનગર, વાંકાનેર અને હાપા સ્ટેશનો તેમજ રેલ્વે હોસ્પિટલની કેન્ટીનને “ઈટ રાઈટ” (Eat Right) પ્રમાણપત્ર મળ્યું છે.
100% વીજળીકરણ, સમયપાલનમાં શ્રેષ્ઠતા, રેકોર્ડબ્રેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને ડિજિટલ પરિવર્તન સાથે વર્ષ 2025 પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝન માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થયું છે.

