Rajkot Rail Division: રાજકોટ રેલ ડિવિઝનમાં ‘સ્વચ્છતા પખવાડિયું – ૨૦૨૫’ સફળતાપૂર્વક સંપન્ન
Rajkot Rail Division: સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને જન-જાગૃતિના ક્ષેત્રે રાજકોટ ડિવિઝને નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી
રાજકોટ, ૧૫ ઓક્ટોબર: Rajkot Rail Division: પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝન દ્વારા “સ્વચ્છતા પખવાડિયું – ૨૦૨૫” ની ઉજવણી ૧ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર ૨૦૨૫ સુધી ખૂબ જ ઉત્સાહ, સમર્પણ અને સહભાગિતા સાથે કરવામાં આવી. રાજકોટ ડિવિઝન રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીણાના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવેલા આ અભિયાનનો ઉદ્દેશ્ય સ્વચ્છતાને જન-આંદોલન તરીકે આગળ વધારવાનો અને મુસાફરોને સ્વચ્છ, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો રહ્યો. આ પખવાડિયા દરમિયાન ડિવિઝનના તમામ વિભાગો, અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોએ સક્રિય ભાગ લીધો અને અનેક થીમ-આધારિત સ્વચ્છતા પ્રવૃત્તિઓનું આયોજન કર્યું.
મુખ્ય પ્રવૃત્તિઓ:
સ્વચ્છતા પખવાડિયા દરમિયાન રાજકોટ ડિવિઝનમાં અનેક થીમ-આધારિત સ્વચ્છતા અભિયાનોનું આયોજન કરવામાં આવ્યું. શરૂઆતમાં ડિવિઝન કાર્યાલય સહિત અનેક સ્ટેશનો પર માસ સ્વચ્છતા શપથ અને જાગૃતિ કાર્યક્રમો યોજાયા, જેમાં હજારો અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોએ ભાગ લીધો. ત્યાર બાદ મહાત્મા ગાંધી જયંતિના અવસરે સમગ્ર ડિવિઝનમાં સંયુક્ત શ્રમદાન અને જન-જાગૃતિ કાર્યક્રમોનું આયોજન થયું.
સ્વચ્છ સ્ટેશન અભિયાન હેઠળ મુખ્ય સ્ટેશનો પર પ્લેટફોર્મ, વેઇટિંગ હોલ, ડ્રેનેજ, ફૂટ-ઓવર બ્રિજ અને હાઇડ્રન્ટ પાઇપની સઘન સફાઈ કરવામાં આવી તેમજ પ્લાસ્ટિક-ફ્રી અભિયાન અંતર્ગત બોટલ ક્રશર મશીનો અને વધારાના ડસ્ટબિન લગાવવામાં આવ્યા.
કોચિંગ ડેપો અને ટ્રેન વોશિંગ લાઇન પર ટ્રેનોના કોચ, શૌચાલય, ગંગવે અને વેસ્ટિબ્યુલની વિશેષ સફાઈ કરવામાં આવી. સૌર ઊર્જા ઉપકરણ જાળવણી હેઠળ ડિવિઝન રેલવે હોસ્પિટલ સહિત વિવિધ સ્ટેશનો પર સૌર ઉપકરણોની તપાસ અને સફાઈ કરવામાં આવી. સ્વચ્છ યાર્ડ અભિયાનમાં વાંકાનેર તથા બજરંગપુરા-બાલરોડ સેક્શન સહિત અનેક યાર્ડોની સફાઈ કરવામાં આવી.
સ્વચ્છ પરિસર અભિયાન અંતર્ગત હાપા, જામનગર, સુરેન્દ્રનગર, ઓખા વગેરે સ્ટેશનો પર ફ્યુમિગેશન, કચરાનું અલગીકરણ, વૃક્ષારોપણ અને લેન્ડસ્કેપિંગ કરવામાં આવ્યું.
સ્વચ્છ આહાર અભિયાનમાં જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી સહિત વિવિધ સ્ટેશનો પરના ફૂડ સ્ટોલ અને ફૂડ પ્લાઝાનું નિરીક્ષણ કરીને ખાદ્ય સ્વચ્છતા અને ગુણવત્તાની તપાસ કરવામાં આવી, જ્યારે પેન્ટ્રી કાર નિરીક્ષણ અભિયાનમાં ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેનોમાં સ્વચ્છતા, ખાદ્ય સુરક્ષા અને સ્ટાફની યોગ્યતાની સમીક્ષા કરવામાં આવી.
આ પણ વાંચો:- Amrut Samvad: રાજકોટ મંડળના મોરબી અને હાપા સ્ટેશનો પર “અમૃત સંવાદ” કાર્યક્રમનું આયોજન
સ્વચ્છ નીર અને પાર્ક કાર્યક્રમ અંતર્ગત જળ સ્ત્રોતો અને ટાંકીઓની સફાઈ, જળ ગુણવત્તાનું પરીક્ષણ તથા જળ સંરક્ષણ અંગે જાગૃતિ અભિયાન યોજાયા. સ્વચ્છ વહીવટ અને પર્યાવરણ દિવસ પર કાર્યાલયો અને કોલોનીઓમાં વૃક્ષારોપણ અને બાગાયત કરવામાં આવી. આ ઉપરાંત, સ્વચ્છ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરીને કર્મચારીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધારવામાં આવી તથા સિંગલ યુઝ પ્લાસ્ટિક નિષેધ અભિયાન હેઠળ તમામ સ્ટેશનો પર ઘોષણાઓ, સેમિનાર અને નિરીક્ષણ કરીને લોકોને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો.
રાજકોટ ડિવિઝનમાં “સ્વચ્છતા પખવાડિયું – ૨૦૨૫”ની સિદ્ધિઓ:
રાજકોટ ડિવિઝને ૧ થી ૧૫ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન ચાલેલા “સ્વચ્છતા પખવાડિયા”માં ૨૧૦ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું, જેમાં ૨૮૦થી વધુ સ્થળો પર સઘન સફાઈ કરવામાં આવી. આ સમયગાળા દરમિયાન લગભગ ૨૦ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો. ડિવિઝનના ૧,૮૦૦થી વધુ અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોએ સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરી. વિશેષ સ્વચ્છતા અભિયાન ૫૩ રેલવે સ્ટેશનો પર ચલાવવામાં આવ્યું અને ૨,૫૦૦થી વધુ સહભાગીઓએ સ્વચ્છતાના શપથ લીધા.
માળખાગત સુવિધાઓની સફાઈમાં ૮,૦૦૦ મીટર લાંબી ગટરોની સફાઈ અને નિકાલ કરવામાં આવ્યો, તથા ૩૫ કાર્યાલય પરિસરોને ‘સ્વચ્છ પરિસર’ અભિયાનમાં સામેલ કરવામાં આવ્યા. આ ઉપરાંત, ૪૫૦ વૃક્ષારોપણ કરવામાં આવ્યું, જે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે ડિવિઝનની પ્રતિબદ્ધતા દર્શાવે છે. અભિયાન હેઠળ કાર્યકારી અને મુસાફર સુવિધાઓ પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. ૧,૪૦૦થી વધુ કર્મચારીઓ અને નાગરિકોના શ્રમદાનથી ૪.૮ કિલોમીટર રેલ ટ્રેકની સફાઈ કરવામાં આવી.
મુસાફરો માટે, ૨૫ ટ્રેનોનું નિરીક્ષણ અને સફાઈ કાર્ય કરવામાં આવ્યું. ‘સ્વચ્છ આહાર’ અને ‘સ્વચ્છ નીર’ અભિયાનો હેઠળ ૪૦ ફૂડ સ્ટોલ અને ૧૦૦ વોટર બૂથોનું નિરીક્ષણ અને સફાઈ સુનિશ્ચિત કરવામાં આવી. જન-જાગૃતિ વધારવા માટે ૬૦૦ એન્ટી-લિટરીંગ સ્ટીકર લગાવવામાં આવ્યા અને ૧૦ વેબિનાર તથા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
ઉપરોક્ત વ્યાપક પ્રયાસો દ્વારા, રાજકોટ ડિવિઝને સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને જન-જાગૃતિની દિશામાં મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી છે, જે તેને “સ્વચ્છ, સુરક્ષિત અને આધુનિક રેલવે” બનાવવાની દિશામાં એક મોટું પગલું છે.
