rjt

RPF Rajkot Division: આરપીએફ રાજકોટ મંડળનું ઉત્તમ પ્રદર્શન: મુસાફરોની સુરક્ષામાં મોટી સિદ્ધિ

​ RPF Rajkot Division: આરપીએફ રાજકોટ ડિવિઝનનું ઉત્કૃષ્ટ પ્રદર્શન: જાન્યુઆરી માસમાં વિવિધ અભિયાનો હેઠળ મુસાફરોની સુરક્ષા અને સેવામાં નોંધપાત્ર સિદ્ધિઓ

રાજકોટ, 6 ફેબ્રુઆરી: RPF Rajkot Division: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત રેલવે સુરક્ષા દળ (RPF) એ કાયદો અને વ્યવસ્થા જાળવવા, રેલ મુસાફરો તેમજ રેલવે પરિસરની સુરક્ષા સુનિશ્ચિત કરવાની દિશામાં જાન્યુઆરી 2026 દરમિયાન પ્રશંસનીય કામગીરી કરી છે.

​“સેવા હી સંકલ્પ” અભિયાન હેઠળ તારીખ 01 જાન્યુઆરી 2026 થી 31 જાન્યુઆરી 2026 સુધી આરપીએફ દ્વારા આઈજી-સહ-મુખ્ય સુરક્ષા કમિશનર અજય સદાનીના કુશળ નેતૃત્વ અને રાજકોટના ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર કમલેશ્વર સિંહના માર્ગદર્શન હેઠળ પ્રતિબદ્ધતા, તકેદારી અને માનવીય સંવેદનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું છે.

​આ સમયગાળા દરમિયાન આરપીએફ રાજકોટ ડિવિઝન દ્વારા વિવિધ અભિયાનો હેઠળ કરવામાં આવેલી મુખ્ય કામગીરી આ મુજબ છે:

ઓપરેશન અમાનત: આરપીએફ દ્વારા “ઓપરેશન અમાનત” હેઠળ મુસાફરોની સહાયતા કરતા મુસાફરી દરમિયાન સ્ટેશનો અને ટ્રેનોમાં છૂટી ગયેલા 26 મુસાફરોનો અંદાજે ₹2,71,589/- ની કિંમતનો સામાન સુરક્ષિત રીતે તેમના અસલી માલિકોને પરત કરવામાં આવ્યો હતો.

ઓપરેશન નન્હે ફરિશ્તે: આ માનવીય અભિયાન અંતર્ગત 03 ગુમ થયેલા બાળકોને હેમખેમ શોધી કાઢી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.

ઓપરેશન રેલ સુરક્ષા: રેલવે સંપત્તિની ચોરી રોકવા માટે ચલાવવામાં આવેલા અભિયાનમાં 03 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સામે નિયમાનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

ઓપરેશન સમય પાલન: રેલ સંચાલનમાં અવરોધ ઉભી કરતી ગેરકાયદેસર ચેઈન પુલિંગની ઘટનાઓ પર કાર્યવાહી કરતા 49 કેસ નોંધવામાં આવ્યા હતા અને 29 આરોપીઓની ધરપકડ કરી રેલવે અધિનિયમ હેઠળ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

ઓપરેશન ઉપલબ્ધ: રેલવે ટિકિટોના કાળાબજારમાં સંડોવાયેલા 01 વ્યક્તિને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

ઓપરેશન ડિગ્નિટી: આ અભિયાન હેઠળ 01 વિખૂટા પડેલા વ્યક્તિને તેના પરિવાર સાથે મિલન કરાવી માનવીય જવાબદારી નિભાવવામાં આવી હતી.

ઓપરેશન યાત્રી સુરક્ષા: મુસાફરોના સામાનની ચોરીના 02 કિસ્સામાં 02 આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે રેલવે પોલીસ (GRP) ને સોંપવામાં આવ્યા હતા.

ઓપરેશન જીવન રક્ષા: ચાલુ ટ્રેનમાં ચડતી વખતે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાયેલા એક મહિલા મુસાફરને તત્પરતા દાખવી સુરક્ષિત બહાર કાઢી તેમનો જીવ બચાવવામાં આવ્યો હતો.

ઓપરેશન જનજાગરણ: મુસાફરો અને સામાન્ય જનતાને જાગૃત કરવાના હેતુથી રેલવે લાઈન ઓળંગવી નહીં, પથ્થરમારો ન કરવો, નશામુક્તિ, મહિલા સુરક્ષા અને માનવ તસ્કરી જેવા વિષયો પર બેનરો, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, ગ્રામ્ય સ્તરે બેઠકો અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

​આરપીએફ રાજકોટ ડિવિઝન મુસાફરોની સુરક્ષા, સેવા અને વિશ્વાસ જાળવી રાખવા માટે નિરંતર પ્રતિબદ્ધ છે અને ભવિષ્યમાં પણ આ જ સમર્પણ સાથે કાર્યરત રહેશે.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો