PM Modi Russia Speech: પ્રધાનમંત્રીએ રશિયામાં ભારતીય સમુદાયને સંબોધન કરતાં કહ્યું….. વાંચો વિગત
PM Modi Russia Speech: પ્રધાનમંત્રીએ પ્રવાસી ભારતીયોનો ઉષ્માસભર આવકાર બદલ આભાર માન્યો હતો અને ભારત અને રશિયા વચ્ચેનાં સંબંધોને ગાઢ બનાવવામાં ભારતીય પ્રદાનની પ્રશંસા કરી હતી.

રશિયા, 09 જુલાઈ: PM Modi Russia Speech: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મોસ્કોમાં આયોજિત એક કાર્યક્રમમાં રશિયામાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરી હતી. સમાજના લોકો દ્વારા તેમનું વિશેષ ઉષ્મા અને સ્નેહથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ સમુદાયને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ પ્રવાસી ભારતીયોનો ઉષ્માસભર આવકાર બદલ આભાર માન્યો હતો અને ભારત અને રશિયા વચ્ચેનાં સંબંધોને ગાઢ બનાવવામાં ભારતીય પ્રદાનની પ્રશંસા કરી હતી. 1.4 અબજ ભારતીયો વતી તેમને શુભેચ્છા પાઠવતી વખતે તેમણે નોંધ્યું હતું કે, આ સમુદાય સાથેની તેમની વાતચીત વિશેષ હતી, કારણ કે તેમના ઐતિહાસિક ત્રીજા કાર્યકાળમાં પ્રવાસી ભારતીયોને તેમનું આ પ્રથમ સંબોધન હતું.
આ પણ વાંચો:- Gandhinagar-Varanasi Express: ગાંધીનગરથી વારાણસી જતા મુસાફરો માટે સારા સમાચાર; વાંચો સંપૂર્ણ સમાચાર
પ્રધાનમંત્રીએ છેલ્લાં 10 વર્ષમાં ભારતમાં થયેલા દેખીતા પરિવર્તન વિશે પણ વાત કરી હતી. તેમણે નોંધ્યું હતું કે, તમામ ભારતીયો માટે આ ગર્વની વાત છે. તેમણે જણાવ્યું હતું કે, તેમના ત્રીજા કાર્યકાળમાં સરકારનો ઉદ્દેશ દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનો હતો. તેમણે ભારતની આર્થિક વૃદ્ધિ વિશે વાત કરી હતી, જે વૈશ્વિક વૃદ્ધિમાં નોંધપાત્ર ટકાવારી ધરાવે છે; તેની ડિજિટલ અને ફિનટેક સફળતા; તેની વિકાસલક્ષી હરિયાળી સિદ્ધિઓ; અને તેના અસરકારક સામાજિક-આર્થિક કાર્યક્રમો જે સામાન્ય લોકોને સશક્ત બનાવે છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતની સફળતા 1.4 અબજ ભારતીયોનાં સમર્પણ, કટિબદ્ધતા અને પ્રદાનને આભારી છે, જેમાંની દરેક વ્યક્તિ અત્યારે ભારતને વિકસિત દેશ બનાવવાનું સ્વપ્ન જુએ છે. તેમણે નોંધ્યું હતું કે, ભારત આબોહવામાં પરિવર્તનને પહોંચી વળવાથી માંડીને સ્થાયી વિકાસનાં લક્ષ્યાંકો પૂર્ણ કરવા સુધીનાં પ્રતિબદ્ધ પ્રયાસો મારફતે વિશ્વબંધુ તરીકે વૈશ્વિક સમૃદ્ધિમાં મહત્ત્વપૂર્ણ પ્રદાન કરી રહ્યું છે. તેમણે વધુમાં નોંધ્યું હતું કે, વૈશ્વિક સમસ્યાઓનું સમાધાન કરવા શાંતિ, સંવાદ અને મુત્સદ્દીગીરી માટે ભારતનાં આહવાનનો પડઘો ઊંચો છે.
પ્રધાનમંત્રીએ ભારતીય સમુદાયને રશિયા સાથે મજબૂત અને ગાઢ ભાગીદારીનું નિર્માણ કરવામાં સક્રિય ભૂમિકા અદા કરવાનું જાળવી રાખવા પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, કઝાન અને એકાટેરિનબર્ગમાં બે નવા ભારતીય વાણિજ્ય દૂતાવાસો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે લોકો વચ્ચેનાં સંબંધોને વધારે વેગ આપશે.
આ જાહેરાતને ભારે તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવી હતી. તેમણે દેશમાં ભારતીય સાંસ્કૃતિક પરંપરાઓનું જતન અને પોષણ કરવા માટે સમુદાયનાં પ્રયાસોની પ્રશંસા કરી હતી તથા રશિયાનાં લોકો સાથે તેની જીવંતતા વહેંચી હતી.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો