nature

Eco Tourism Centre Devghat: ચોમાસાની ઋતુમાં પ્રકૃતિનું સાંનિધ્ય માણવા માટે ઉમટી પડતા પર્યટકો

  • Eco Tourism Centre Devghat: આદિવાસી સમાજના આરાધ્ય યાહામોગી મોગીમાતા, વિન્યા દેવ અને રાજા પાન્તુનું સ્થાનક આદિવાસી સમાજનું આસ્થાકેન્દ્ર

સુરત, 03 ઓગસ્ટ: Eco Tourism Centre Devghat: સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આવેલું આસ્થા અને પ્રકૃતિના સંગમ સમું ઇકો ટુરિઝમ, ધોધ, ડુંગરો અને વનરાજીની વચ્ચે પ્રકૃતિનું સાંનિધ્ય માણવા માટે પર્યટકોના ધાડે ધાડા ઉમટી પડે છે. એક તરફ પ્રકૃતિ અને બીજી તરફ આદિવાસી સમાજના આરાધ્ય દેવી દેવતા યાહામોગી માતા, વિન્યા દેવ અને રાજા પાન્તુનું સ્થાનક આદિવાસી સમાજના લોકો માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે.

Eco Tourism Centre Devghat

ઉમરપાડા તાલુકાથી પંદર વીસ કિલોમીટરની દુરી પર સાતપુડાની રમણીય ગીરીમાળામાં આવેલું દેવઘાટ ધામના દર્શન અને પ્રકૃતિની રમણિયતાને માણવા માટે દુર દુરથી પર્યટકો ઉમટી પડે છે. દેવઘાટ નદી પરથી પડતો ધોધ પર્યટકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જયારે ઉંચા ઉંચા ડુંગરો અને લીલીછમ વનરાજી પ્રકૃતિના ખોળે રમવા માટે આહવાન કરે છે એમ કહીએ તો ખોટું નથી.

આમ તો દરરોજ અહીં પર્યટકોનો ખાસ્સો ધસારો રહેતો હોય છે પરંતુ શનિ અને રવિવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રકૃતિ પ્રેમીઓ અહીં ઉમટી પડે છે. ઝરમર ઝરમર વરસતા વરસાદમાં પર્યટકો અહીં દેવધાટ ધામના દર્શન કરી ધન્યતા અનુભવે છે. સાથો સાથ પ્રકૃતિએ વેરેલા સૌંદર્યનું રસપાન કરી પ્રકૃતિ સાથે એકાત્મતાનો અનુભવ કરે છે.

આ પણ વાંચો:- Gujarat Police Drive: પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ચલાવેલી સ્પેશિયલ ડ્રાઇવમાં 343 આરોપીની અટકાયત કરાઇ

રાત્રિરોકાણ કરવા માંગતા પર્યટકો માટે વન વિભાગ દ્વારા પરિસરીય ઇકો-ટુરિઝમ સેન્ટર ખાતે રહેવા જમવાની સંદર સગવડ ઉભી કરવામાં આવી છે. અહીં રોકાણ કરવા માંગતા પર્યટકોએ https://devghatecotourism.in/ વેબસાઇડ પર ઓનલાઇન બુંકિંગ કરવું ફરજીયાત છે. આ ઇકો ટુરિઝમ સેન્ટરનું સંચાલન દિવતણ ગ્રામ પ્રવાસન સમિતિ દ્વારા કરવામાં આવે છે.

વડીલો પાસેથી જાણવા મળેલી વિગતો અનુસાર દેવઘાટ ધામનું મુળ નામ “દેવકાંટ” છે. દેવકાંટ પરથી દેવઘાટ નામ પડયું હોવાનું જણાવે છે. આ સ્થળ યાહામોગી માતા, કાલિકા માતા, વિન્યા દેવ અને રાજા પાન્તુનું મુળ સ્થાનક હોવાનું પણ અહીંના લોકો માને છે. આ ઉપરાંત અહીં અહીં બજરંગ બલી અને ભગવાન ભોલેનાથ પણ બિરાજમાન છે.

ઇકો-ટુરિઝમ સમિતિના પ્રમુખ અને દિવતણ ગામના રમેશભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, અહીં આવતા પર્યટકો યાહામોગી માતાના દર્શન કરી જે પણ મનોકામના ધરાવતા હોય એ અવશ્ય પુરી થતી હોવાનું કહી તેમણે મહાશિવરાત્રી અને મકરસંક્રાંતિના પર્વ પર અહીં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડે છે એમ વધુમાં ઉમેર્યું હતું.

Rakhi Sale 2024 ads

ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ થતો હોય ત્યારે નદીમાં સ્નાન કરવું તેમજ ધોધ પાસે જઇ સેલ્ફી લેવી, રિલ્સ બનાવવી, ફોટોગ્રાફી કરવી જોખમી સાબિત થઇ શકે છે. જેથી પર્યટકોએ અહીં તૈનાત પોલીસકર્મીઓની સુચનાનું પાલન કરવું તેમજ સહયોગ આપવો જરૂરી છે. શહેરની ભીડભાળથી દુર પ્રકૃતિની ગોદમાં શાંતિનો અનુભવ કરવા માંગતા પ્રકૃતિપ્રેમીઓ માટે દેવઘાટ એક ઉત્તમ વિકએન્ડ ડેસ્ટીનેશન છે. (આલેખન:- ચીમનલાલ વસાવા)

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *