somnath

Shiv Bhakt: અષાઢી અમાસ એટલે શ્રાવણ મહિનાનાં પ્રારંભનો સત્તાવાર છડી પોકારતો દિવસ

google news png

ધર્મ ડેસ્ક: Shiv Bhakt: આખરે મારાં જેવા કેટલાંય શિવભક્તોની આતુરતાનો અંત આવી રહ્યો છે. આજે અષાઢી અમાસ અને અષાઢી અમાસ એટલે શ્રાવણ મહિનાનાં પ્રારંભનો સત્તાવાર છડી પોકારતો દિવસ. અષાઢી અમાસનો અંધકાર ઉતરે ને શ્રાવણનો ઉજાસ સમગ્ર વિશ્વમાં રહેલાં તમામ જીવનાં અણુએઅણુમાં વ્યાપે પણ એ પહેલાનો દિવસ પણ એટલો જ વિશેષ. આ દિવસ એટલે અષાઢ વદ અમાસ કે જેને હરિયાળી અમાસ અથવા દિવાસો તરીકે પણ ઓળખવામાં આવે છે.

Shiv Bhakt: vaibhavi Joshi

અમારાં સિડનીનાં સમયાનુંસાર અષાઢી અમાસની તિથિ આજે રાત્રે ૮ઃ૨૦ મિનિટે પ્રારંભ થઈ અને આવતી કાલે રાત્રે ૯ઃ૧૨ મિનિટે સમાપ્ત થશે. દિવાસો એટલે સો પર્વનો વાસો પણ માનવામાં આવે છે. આજનાં દિવાસાનાં દિવસથી લઈને દેવદિવાળી સુધીનાં અંદાજે ૧૦૦ દિવસો થાય છે. આ ૧૦૦ દિવસોમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશોત્સવ, નવરાત્રિ, દશેરા, દિવાળી એમ અનેક તહેવારોની હેલી સર્જાતી હોય છે.

આપણા કૃષિપ્રધાન દેશમાં દિવાસાનું વિશેષ મહત્વ છે. વરસાદ થવાથી ખેતરોમાં લીલો મોલ લહેરાઈ ઊઠ્યો હોય છે અને ધરતીમાતાએ સર્વત્ર હરિયાળીનો શૃંગાર સજ્યો હોય છે. ખેતરોમાં ઊભો પાક લહેરાતો જોઈ આર્થિક સંપન્નતાની આશા સેવતા ખેડૂતો અને અન્ય પ્રજા પણ ઉત્સાહમાં હોય છે. તેથી દિવાસાનાં દિવસે વિશેષ ઉજવણી થતી હોય છે.

એ બાબત અલગ છે કે ઘણી વાર વરસાદ ન થતાં દિવાસાનું પર્વ ફિક્કું બની જાય છે. તેમ છતાં ખેડૂતો ગાય, બળદ જેવાં પશુઓનું પૂજન દિવાસાને દિવસે જ કરે છે. આ દિવસે ખેડૂતો પોતાના હળની પૂજા કરે છે અને ખેડૂત સ્ત્રીઓએ પહેલેથી જે જ્વારા વાવ્યાં હોય છે, તેનું પૂજન કરે છે સાથેસાથે ઘરમાં મિષ્ટાન્ન બનાવવામાં આવે છે. આ મિષ્ટાન્ન દરેક જગ્યાએ અલગઅલગ હોય છે ક્યાંક ખાસ ખીર બનાવાવમાં આવે છે તો ક્યાંક માલપૂઆ બનાવવામાં આવે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં માલપૂઆ બનાવવાની પ્રથા છે.

દિવાસાનાં દિવસ સાથે એવરત-જીવરતનું વ્રત પણ સંકળાયેલું છે. અષાઢ વદ તેરસથી શરૂ થતું આ વ્રત અષાઢી અમાસ એટલે કે દિવાસાનાં દિવસે પૂર્ણ થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે જ્વારાની પૂજા કરીને તેની પાસે દીવો પ્રગટાવે છે. દિવાસાનું જાગરણ અષાઢ મહિનાનાં અંતિમ દિવસ એટલે કે અમાસનાં દિવસે કરવામાં આવે છે જેમાં જયાપાર્વતીનાં વ્રત મુજબ જ જવારાની વાવણી કરાય છે.

કુંવારી અથવા નવપરિણીતાં એવરતનું વ્રત જ્યારે મોટી ઉંમરની મહિલાઓ જીવરતનું વ્રત કરે છે. આમ તો આ બંને વ્રત પરિવારનાં સારાં સ્વાસ્થ્ય અને સમૃધ્ધિ માટે કરાય છે. આપણા શાસ્ત્રોમાં દિવાસાનું મહત્વ એટલા માટે વધુ છે કેમ કે સામાન્ય રીતે કોઈ પણ વ્રતનું જાગરણ ૨૪ કલાક સુધીનું હોય છે પરંતુ એકમાત્ર દિવાસાનું વ્રતનું જાગરણ ૩૬ કલાકનું હોય છે. એટલે દિવાસાનું વ્રત કરનારે સતત ૩૬ કલાક સુધી જાગરણ કરવું પડે છે.

આ પણ વાંચો:- Eco Tourism Centre Devghat: ચોમાસાની ઋતુમાં પ્રકૃતિનું સાંનિધ્ય માણવા માટે ઉમટી પડતા પર્યટકો

દિવાસાનાં દિવસે એક વ્રતની પૂર્ણાહુતિ થતાં બીજા વ્રતની શરૂઆત થાય છે. દિવાસાનાં બીજા દિવસે એટલે કે શ્રાવણનાં પહેલાં દિવસથી દશામાનાં વ્રતની શરૂઆત થાય છે. સ્ત્રીઓ દશામાનો શણાગર, સાંઢણી વગેરે લાવીને દસ દિવસ માતાજીની વિધિપૂર્વક પૂજા-અર્ચના કરે છે. ભકતો અષાઢી અમાસ હોઈ દેવાધિદેવ મહાદેવની પૂજા-અર્ચના કરવાની સાથેસાથે ૧૦ દિવસ સુધી દશામાની પ્રતિમાની ઘરમાં સ્થાપના કરી આસ્થાપૂર્વક ભકિત પણ કરશે.

માન્યતા છે કે દિવાસાનાં દિવસે જુદાં-જુદાં છોડ લગાવવા જોઈએ તો મનોકામના પૂરી થઈ શકે છે. જેમ કે લક્ષ્‍મીકૃપા મેળવવા માટે તુલસી, આમળા, કેળા, બિલ્વપત્રનાં છોડ લગાવવા જોઈએ. સ્વાસ્થય લાભ મેળવવા માટે બ્રાહ્મી, પલાશ, અર્જુન, આમળા, સૂરજમુખી, તુલસીનાં છોડ લગાવી શકાય છે.

જો ભાગ્યનો સાથ ન મળી રહ્યો હોય તો ઘરની આસપાસ અશોક, અર્જુન, નારિયળ , બડ(વટ)નાં છોડ લગાવવા જોઈએ. સંતાન સુખ – મેળવવા માટે પીપળ, નીમ, કદમ્બનો છોડ લગાવવો. જો બુદ્ધિનો વિકાસ ઈચ્છતા હોય તો અષાઢી અમાવસ્યા પર શંખપુષ્પી , પલાશ, બ્રાહ્મી કે તુલસીનાં છોડ લગાવવા જોઈએ. ઘરમાં સુખ સમૃદ્ધિ ઈચ્છો છો તો નીમ, કદમ્બના છોડ લગાવવા જોઈએ વગેરે વગેરે.

Rakhi Sale 2024 ads

આ બધી માન્યતાઓ હકીકતમાં તો પર્યાવરણનાં જતન સાથે સંકળાયેલી છે. આ રીતે જાતજાતનાં છોડ લગાવવાથી આસપાસનું વાતાવરણ હર્યુ ભર્યું રહે અને પર્યાવરણમાં સંતુલિતતા જળવાઈ રહે તે જ આશયથી આ બધું ધાર્મિક માન્યતાઓ સાથે જોડી દેવાયું.

આપણે જે રીતે આપણી જરૂરિયાતો માટે આડેધડ પ્રકૃતિનો સર્વનાશ કરીયે છીએ તો આ રીતે સમયોચિત પ્રકૃતિને પાછું પણ આપી શકાય અને એનું જતન પણ કરી શકાય એવા જ આશયથી આપણા પૂર્વજો એ આ બધું ધર્મ સાથે જોડી દીધું. એટલે જ કદાચ એને હરિયાળી અમાસ પણ કહે છે હરિયાળી અમાસ એટલે પર્યાવરણનું જતન કરવાનું પર્વ.

અમાસનાં દિવસે પિતૃઓનું તર્પણ કરવું પણ શુભ માનવામાં આવે છે. પિતૃઓ અમાસનાં દિવસે ધરતી પર પોતાના પરિજનોને જોવા માટે આવે છે એવી માન્યતા છે. આપણે ત્યાં અમાસનાં મહત્વની સાથે સાથે પીપળાનાં પૂજનનો પણ અનેરો મહિમા અને મહત્વ છે. પૃથ્વીની તમામ વનસ્પતિ માનવ જાત માટે પરમ કલ્યાણકારી છે. પીપળાનું વૃક્ષ પિતૃમોક્ષ માટે પવિત્ર ઉપકારક અને ઉધ્ધારક માનવામા આવે છે. પીપળાનાં વૃક્ષને વિષ્ણુ સ્વરુપ પણ માનવામાં આવે છે. એને વેદવૃક્ષ પણ કહે છે કેમકે એમાં ત્રિદેવનો વાસ છે.

ભગવાન શ્રી કૃષ્ણે ll અશ્વત્થ: સર્વ વૃક્ષાણામ્ ll કહી પીપળાનાં વૃક્ષને પોતાની વિભૂતિનાં રૂપમાં દર્શાવ્યુ છે. પીપળામાં પ્રાણશકિતનો ભંડાર છે. આ ઉર્જા અનિષ્ટ નિવારક અને આયુષ્યવર્ધક છે. એટલે જ સુતરનાં આંટા વડે એની પ્રદક્ષિણા કરી એના માધ્યમ વડે આ શકિત ગ્રહણ કરાય છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *