Governor speech on natural farming

Natural Farming Dialogue: પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર દેશમાં સંવાદ યોજાશે

  • Natural Farming Dialogue: પ્રાકૃતિક ખેતીને સમગ્ર દેશમાં પ્રોત્સાહન આપવા માટે નીતિ આયોગને કાર્ય યોજના તૈયાર કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો નિર્દેશ
  • ચૌધરી ચરણસિંહ હરિયાણા કૃષિ યુનિવર્સિટીમાં ‘પ્રાકૃતિક કૃષિ સંવાદ’ માં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ખેડુતો સાથે સીધી વાત
google news png

ગાંધીનગર, 11 ઓગસ્ટ: Natural Farming Dialogue: આપણે ઉત્પાદન વધારવા માટે ખેતરોમાં અતિશય પ્રમાણમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી રહ્યા છીએ. આથી જમીનની ઉપજાઉ ક્ષમતા ઘટી રહી છે અને કેન્સર, ડાયાબીટીસ અને હૃદયરોગ જેવા રોગોમાં વધારો થઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં જો આપણે આવનારી પેઢીને શુદ્ધ પાણી, આહાર અને હવા પૂરાં પાડવા હશે તો પ્રાકૃતિક ખેતી અપનાવવી પડશે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે રવિવારે ચૌધરી ચરણસિંહ હરિયાણા કૃષિ યુનિવર્સિટીના ઈન્દિરા ગાંધી ઓડિટોરીયમમાં યોજાયેલા પ્રાકૃતિક કૃષિ સંવાદમાં ખેડુતો સાથે વાત કરતાં કહ્યું કે, કેન્દ્ર સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર દેશમાં સંવાદ કાર્યક્રમો આયોજિત કરી રહી છે. આ શૃંખલામાં છેલ્લા ત્રણ દિવસથી હરિયાણાના ખેડૂતો સાથે સંવાદ થઈ રહ્યો છે.

ખેડુતોને ભય છે કે પ્રાકૃતિક ખેતીથી(Natural Farming Dialogue) ઉત્પાદન ઓછું થશે અને નુકસાન જશે, પરંતુ એવું નથી. આજે હરિયાણાના ઘણા ખેડુતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને તેમને તેનો લાભ પણ થઈ રહ્યો છે. એમ કહીને આચાર્ય દેવવ્રતે કહ્યું કે, જ્યાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ વધુ થાય છે ત્યાં કેન્સરના ત્રણ ગણા વધારે કેસો છે. રાજ્યપાલે કહ્યું કે હરિત ક્રાંતિની શરૂઆતમાં જ્યારે સ્વામિનાથનજીએ નાઇટ્રોજન ખાતરના ઉપયોગની વાત કરી હતી, ત્યારે એક હેક્ટર જમીનમાં માત્ર 13 કિલો ખાતર ઉપયોગ કરવાની સલાહ આપી હતી. પરંતુ આજે આપણે અનેક બોરી યુરિયા અને ડીએપી પાકોમાં વાપરી રહ્યા છીએ.

Natural Farming Dialogue Gujarat Governor

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, આજે આપણે ખેત ઉત્પાદનના નામે ઝેર ખાઈ રહ્યા છીએ. આવી સ્થિતિમાં, આવનારી પેઢીના સંરક્ષણ અને સારા આરોગ્ય માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી પડશે. તેમણે પ્રાકૃતિક ખેતી માટે જીવામૃત તૈયાર કરવાની પદ્ધતિ પણ સમજાવી. તેમણે જણાવ્યું કે તેને બનાવવામાં ગાયનું ગોબર, બેસન, ગોળ, અને માટીનો જ ઉપયોગ થાય છે. પ્રાકૃતિક ખેતીના લાભ વિશે સમજાવતાં તેમણે જણાવ્યું કે, જ્યારે ધરતીમાં સૂક્ષ્મ જીવાણુઓ વધે છે, ત્યારે પાકની ઉપજ પણ વધે છે.

તેમણે જણાવ્યું કે, થોડા દિવસો પહેલાં દિલ્હીમાં આયોજિત દેશભરના ગવર્નરોની કોન્ફરન્સ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રાકૃતિક ખેતીને દેશભરમાં પ્રોત્સાહન આપવા માટે નીતિ આયોગને કાર્ય યોજના તૈયાર કરવા માટે સૂચના આપી છે.

Rakhi Sale 2024 ads

આ સમારોહમાં હરિયાણા વિધાનસભાના ઉપાધ્યક્ષ રણબીર ગંગવાને ખેડુતોને કહ્યું કે, ખેતીમાં જંતુનાશકોનો ઓછો ઉપયોગ કરીને ખેતીની ગુણવત્તાને વધારી શકાય છે. રાસાયણિક ખાતરોના અતિશય ઉપયોગને કારણે જમીનની ઉપજાઉ શક્તિમાં ઘટાડો થયો છે. તેમણે ખેડુતોને વિનંતી કરતા કહ્યું કે, પાકના અવશેષોને ન બાળો અને આરોગ્યની સાથે સાથે પર્યાવરણના રક્ષણમાં પણ સહયોગ આપો. પાકના અવશેષો બાળવાથી જમીનની ઉપજાઉ શક્તિમાં પણ ઘટાડો થાય છે.

આ પ્રસંગે ખેડુતો દ્વારા પ્રાકૃતિક કૃષિ પેદાશોના પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતી અપનાવનાર પ્રગતિશીલ ખેડુતોને સન્માનિત પણ કર્યા.

આ પણ વાંચો:- Har Ghar Tiranga: સમગ્ર ગુજરાત હર ઘર તિરંગા અભિયાન ના રંગે રંગાયુ

આ કાર્યક્રમમાં હાંસીના ધારાસભ્ય વિનોદ ભાયના, ચૌધરી ચરણસિંહ હરિયાણા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. બી.આર. કંબોજ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના ઉપનિદેશક ડૉ. રાજબીર સિંહ સહિત અનેક મહાનુભાવો અને ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *