Indian Television: આપણા દેશમાં ટીવી માત્ર ટેલિવિઝન નથી: વૈભવી જોશી
Indian Television: મારાં જીવનમાં ઈડિયટ બોક્સથી સ્માર્ટ ટીવી સુધીની સફર ખૂબ જ રોમાંચક રહી છે. આપણા દેશમાં ટીવી માત્ર ટેલિવિઝન નથી. આ તો એ મનોરંજનનું બોક્સ છે, જેમાં ગજબનું આકર્ષણ છે. જ્યારે લોકોના હાથમાં મોબાઈલ નહોતો, તે પહેલાં જો કોઈના ઘરમાં ટીવી આવે તો આસપાસના લોકો તો શું આખો સોસાયટી કે શેરી તે ટીવીનાં દર્શન માટે આવી જતી હતી. આજે વિશ્વ ટેલિવિઝન દિવસ નિમિત્તે તારક મહેતાનાં ભીડેની જેમ “હમારે જમાને મેં…” કહેવાનું મન થઈ જ આવ્યું.
કેટલાકને યાદ છે પેલું કબાટ કે ડબ્બા જેવું ટીવી અથવા શટર વાળું ટીવી ?? મને આજેય યાદ છે ફિલિપ્સ કંપનીનું શટર વાળું ટીવી જયારે અમે નવું-નવું ખરીદીને લાવેલા ત્યારે તો જાણે મોંઘેરા અતિથિ ઘરે પધાર્યા હોય ને એવો ઠાઠ હતો અમારા ટીવીનો. એ ઉત્સાહ એ રોમાંચનું શાબ્દિક વર્ણન તો શક્ય જ નથી. કેવોય મોટો ખજાનો જાણે હાથ ન લાગ્યો હોય !
આજનાં સ્માર્ટ ટીવીમાં એવો ઠાઠ વળી ક્યાં ? અમારા ઘરે ટીવી આવ્યું ત્યારે તો હું ખૂબ નાની એટલે મારી જેમ કંઈકેટલાંય લોકોએ કાર્યક્રમ ચાલતાં હશે ત્યારે ટીવીની પાછળ જઈજઈને જોયું હશે કે મારાં બેટાં આ બધા ટીવીમાં ઘુસ્યા ક્યાંથી ?? આપણેય તે ટીવીની પાછળથી ઘુસવાનો વ્યર્થ પ્રયત્ન
કરેલો હોં કે ! અને ત્યારે તો હજી રિમોટ નહોતા, એવા ટીવી પાછળથી આવેલા.
આ બધા પાતળી પરમાર જેવા ને રૂમો જેવડાં મોટાં-મોટાં ટીવી છેલ્લાં થોડાં વર્ષોથી ચલણમાં છે પણ આજથી ત્રણ-ચાર દાયકા પહેલાં ખાસ કરીને 70s ke 80s વાળી અમારી જનરેશનને બરાબર યાદ હશે કે ગમતી સિરિયલ જોવા માટે આસપાસના ઘરોમાં બધા કેવા ગોઠવાઈ જતા અને એ પણ ચાલુ થવાના ૧૦ મિનિટ પહેલાં. ત્યારે બધું કામ ફટાફટ પતાવી દેતા જેથી ટીવી સામે ઝટ ગોઠવાઈ જવાય. આ બધું લખવાનું ચાલુ કરીશ તો પાછી મુખ્ય વાત ભુલાઈ જશે એટલે જરાક એના ઈતિહાસ પર અછડતી નજર નાખી લઈએ પછી પાછું આ બધા સંસ્મરણોને વાગોળીએ.
Ek Ped Maa Ke Naam: હાલોલ નગરપાલિકાના ‘કૃષ્ણવડ અભિયાન’થી સોનામાં સુગંધ ભળી
યુનાઈટેડ નેશન્સ (UN) દ્વારા ૧૯૯૬માં વિશ્વ ટેલિવિઝન દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. તે જ વર્ષે, યુનાઈટેડ નેશન્સે પ્રથમ વર્લ્ડ ટેલિવિઝન ફોરમનું પણ આયોજન કર્યું હતું. આ ફોરમમાં, વિશ્વભરના મીડિયા હસ્તીઓએ ટેલિવિઝનના વધતા મહત્વ વિશે ચર્ચા કરી. ત્યારથી, સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીએ દર વર્ષે ૨૧ નવેમ્બરને વિશ્વ ટેલિવિઝન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વમાં ટેલિવિઝનના મહત્વને ઉજાગર કરવાનો છે.
ટેલિવિઝન એ એક એવું માધ્યમ છે જે લોકોને મનોરંજન, શિક્ષણ અને માહિતી પૂરી પાડે છે. તે વિશ્વભરના લોકોને એકબીજા સાથે કનેક્ટ થવા અને જાણવામાં મદદ કરે છે. વિશ્વ ટેલિવિઝન દિવસ નિમિત્તે વિશ્વભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમોમાં ટેલિવિઝન કાર્યક્રમોનું સ્ક્રીનીંગ, ટેલિવિઝન પત્રકારત્વ પર ચર્ચાઓ અને ટેલિવિઝનની સામાજિક અને સાંસ્કૃતિક અસર પર ચર્ચાઓનો સમાવેશ થાય છે. આ વર્ષની થીમ ‘ટેલિવિઝન: કનેક્ટિંગ ધ વર્લ્ડ’ એટલે કે “ટેલિવિઝન વિશ્વને જોડે છે” રાખવામાં આવી છે.

ભારતમાં ટીવીનો ઈતિહાસ ૧૯૫૯માં શરૂ થાય છે, જ્યારે દિલ્હીમાં ભારતનું પ્રથમ ટેલિવિઝન સ્ટેશન “ટેલિવિઝન ઈન્ડિયા” ની સ્થાપના કરવામાં આવી હતી. આ સ્ટેશનની સ્થાપના યુનેસ્કોની મદદથી કરવામાં આવી હતી અને શરૂઆતમાં અઠવાડિયામાં બે દિવસ માત્ર એક કલાક માટે જ પ્રસારણ થતું હતું. ૧૯૬૫માં, ટેલિવિઝન ઈન્ડિયાનું નામ બદલીને “દૂરદર્શન” રાખવામાં આવ્યું અને દરરોજ પ્રસારણ કરવાનું શરૂ કર્યું.
દૂરદર્શન એ ભારતની પ્રથમ સાર્વજનિક ટેલિવિઝન ચેનલ હતી અને તે ટૂંક સમયમાં ભારતની સૌથી લોકપ્રિય ટેલિવિઝન ચેનલ બની ગઈ હતી. નેવુંના દાયકામાં ભારતમાં ખાનગી ટેલિવિઝન ઝી ટીવીની શરૂઆત થઈ ગઈ હતી જેણે ભારતમાં ટેલિવિઝન બજારને સ્પર્ધાત્મક બનાવ્યું અને ત્યારથી લઈને આજ સુધી અઢળક ચેનલોની વણથંભી વણઝાર ચાલુ જ છે. આમ તો ટીવી શબ્દ અને એની ઉત્પત્તિથી લઈને એનો સમગ્ર વિશ્વમાં પ્રચાર પ્રસાર વિશે લખવા બેસું તો ખબર નહિ કેટલાં લેખ લખવા પડે.
આ બધું અમે માસકૉમ્યૂનિકેશનનાં વિષયમાં ખૂબ ઊંડાણથી ભણેલા એટલે વધારે એમાં ઊંડા નથી ઉતરવું. મારે તો બસ આજે એ સોનેરી દિવસોને ફરી યાદ કરવા છે. ચાલો ત્યારે આપણે બધા એ યાદોની ગલીઓમાં અમથી લટાર મારી આવીયે. મને યાદ છે અમારી વખતે દૂરદર્શન પર ઘણી બધી સિરિયલો ચાલુ થયેલી અને એ પછી તો ઝી ટીવી, સ્ટાર ટીવી ને કલર્સ ને કાર્ટૂન નેટવર્ક જેવી કંઈકેટલીય ચેનલો આવી.

ચાલો જોઈએ મેં જેટલી સિરિયલો જોયેલી એ યાદ કરું અને રહી જાય તો તમેય ઉમેરજો. હમલોગ, બુનિયાદ, માલગુડી ડેયઝ, કરમચંદ, બ્યોમકેશ બક્ષી, રામાયણ, મહાભારત, શક્તિમાન, સુરભી, રંગોલી, ચિત્રહાર, ભારત એક ખોજ, વિક્રમ ઔર વૈતાલ, અલીફ લૈલા, ચંદ્રકાંતા, સર્કસ, ચાણક્ય, ટોમ એન્ડ જેરી, ડક ટેલ્સ, સોનપરી, ફ્લોપ શો, ફૌજી, મુંગેરીલાલ કે હસીન સપને, જંગલ બુક, નુક્કડ, પોટલી બાબા કી, હસરતે, હમ પાંચ, આહટ, ઝી હોરર શો, શ્રીમાન શ્રીમતી, શાંતિ, તૂ તૂ મેં મેં, તેનાલી રામા, ઉડાન, વાગ્લે કી દુનિયા, સ્વાભિમાન, તમસ, એલિસ ઈન વન્ડરલેન્ડ, કશીશ, ફૂલવંતી, રિપોર્ટર, દાસ્તાને હાતીમ તાઈ, રજની, તલાશ, તહેકીકાત, સ્વોર્ડ ઓફ ટીપું સુલતાન, દાને અનાર કે, બીરબલ કી કહાનિયા, અજનબી, પરમ વીર ચક્ર, સ્મોલ વંડર, બિવિચડ, આઈ ડ્રિમ ઓફ જીની જેવી તો કેટલીય નાનપણની યાદો છે.
મોટાં થયા પછી કે સમજણ આવ્યા પછી કસૌટી જિંદગી કી, કહાની ઘર ઘર કી, કયુંકી સાસ ભી કભી બહુ થી, કહીં કિસી રોજ, કહીં તો હોગા, બાલિકા વધુ, ઉડાન, સારાભાઈ vs સારાભાઈ, તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા, સંજીવની, શરારત મને લાગે છે તમે વાંચતા થાકી જશો પણ હું લખતા નહિ થાકું.
ચાલો ત્યારે બાકી રહેલી તમે પણ ઉમેરતા જાઓ અને મારી જેમ તમેય આ જૂનાં અને અદભુત સંસ્મરણો વાગોળવાની મજા લઈ જ લો..!!- ✍🏻 વૈભવી જોશી