Victory over desire: કામના ઉપર વિજય: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી
Victory over desire: કામના ઉપર વિજય (Swami ji ni vani Part-40)

કામ એટલે તૃષ્ણા – Victory over desire: કોઈ વિષયને ભોગવવાની તીવ્ર ઇચ્છા. આવી તીવ્ર ઇચ્છા એકદમ જન્મતી નથી. જ્યારે કોઈ વિષયનું ધ્યાન, સતત ચિંતન કરવામાં આવે છે ત્યારે તેના પ્રત્યે પ્રીતિ, આસક્તિ જન્મે છે. આસક્તિમાંથી તે વિષયને પ્રાપ્ત કરવાની, ભોગવવાની ઇચ્છા જન્મે છે. રામાયણમાં સીતાહરણની ઘટના છે. સીતાજીને લોભાવવા મારીચ સુવર્ણમૃગ બનીનેે તેમની પર્ણકુટિ પાસે ગયો. સુવર્ણમૃગ સીતાજી સામેથી પસાર થાય; નજીક આવે અને વળી દૂર ચાલ્યો જાય. સીતાજીએ તેને એક વાર જોયો, બે વાર જોયો, અનેક વાર જોયો. તેને વારંવાર જોવાથી સીતાજીના મનમાં તેનું ચિંતન થવા લાગ્યું. તેમાંથી તેને માટે પ્રીતિ જન્મી. એ સુવર્ણમૃગના ચર્મનું વસ્ત્ર બનાવવાની કામના જાગી.
કામના (Victory over desire) પૂરી કરવા માટે સીતાજીએ હઠ પકડી. રામચંદ્રજીએ ઘણુંયે સમજાવ્યાં પરંતુ સીતાજીની કામના એટલી પ્રબળ બની હતી કે તે માન્યાં નહીં. છેવટે રામચંદ્રજીને મૃગ પકડવા માટે તેની પાછળ જવું પડ્યું. તે પછી લક્ષ્મણજીને પણ અવિવેકપૂર્વક ક્રોધ કરી સીતાજીએ બળાત્કારે શ્રીરામચંદ્રજીની પાછળ મોકલ્યા. પ્રબળ કામનાની આડે કોઈ અવરોધ આવે કે તુરત જ ક્રોધ ભભૂકી ઊઠે. જેટલી પ્રબળતા કામની તેટલી જ પ્રબળતા ક્રોધની. ક્રોધમાંથી સંમોહ અને સંમોહથી બુદ્ધિનાશ. લક્ષ્મણજીને ન કહેવાનાં વેણ સીતાજીએ કહ્યાં, એવાં વેણ જે બોલવાનું સામાન્ય સંજોગોમાં તેઓ વિચારી પણ ન શકે.

જગતના વિષયો સુવર્ણમૃગ જેવા જ છે. જેમ સુવર્ણમૃગ માયામય હતો તેમ જગતના વિષયો પણ માયામય છે. તે અસત્ છે, જડ છે. જડ વિષયોમાં ક્યારેય સુખ હોતું નથી, માત્ર સુખનો આભાસ જ હોય છે. તેને કારણે આપણને એમ લાગે કે સુખ તેમનામાં જ છે, શાંતિ તેમનામાં જ છે. જેમને સુખ અને શાંતિનું કારણ માનીએ છીએ તેવા આ વિષયોનું ચિંતન કરતાં કરતાં તેમના પ્રત્યે આપણને આસક્તિ થાય છે અને તેમાંથી જન્મે છે કામના.
કામના (Victory over desire) હોય છતાં આપણે આપણી સ્વતંત્રતા જાળવી શકતા હોઈએ તો તો વાંધો નથી, પરંતુ કામના આપણને વિષયો પ્રત્યે પરતંત્ર બનાવે છે ‘આ વિષય સુખનું સાધન છે. એના વગર હું અપૂર્ણ છું.’ જ્યારે વિષય પ્રત્યે આ પ્રકારની દૃષ્ટિ હોય કે, ‘આના વગર મારે ન ચાલે, આના વગર હું અધૂરો છું’ ત્યારે તેને રાગ કે કામ કહેવામાં આવે છે આમ, મારા સુખનો આધાર બીજા કશા ઉપર હોય તો તે પરતંત્રતા છે. સુખ તો છે સ્વતંત્રતામાં. જ્યાં પરતંત્રતા છે ત્યાં દુઃખ છે; જ્યાં સ્વતંત્રતા છે ત્યાં સુખ છે. શાસ્ત્રો આપણને આ પરવશતાનો ત્યાગ કરવાનું કહે છે.
આ પણ વાંચો:- Vasant Ritu: વસંત આવે ને નવા ફૂલો મહેંકી ઉઠે ને ચારેય તરફ સૃષ્ટિમાં નવચેતનાનો સંચાર થાય: વૈભવી જોશી
જગતમાં જે વિષયો છે તે આપણા આનંદ માટે જ છે, પણ તે આનંદ આપણે ત્યારે જ માણી શકીએ જ્યારે આપણે સ્વતંત્રતા જાળવી રાખીએ. વિષયોના ગુલામ બની જઈએ, તેમને પરતંત્ર થઈ જઈએ ત્યારે વિષયોને આપણે ભોગવતા નથી, વિષયો આપણને ભોગવે છે. શરૂઆતમાં આપણે દારૂ પીતા હોઈએ છીએ. તે પછી ધીમે ધીમે દારૂ આપણને જ પીવા માંડે છે. આજકાલ યુવાનો-યુવતીઓ ડ્રગ્સની મજા માણે છે. સમય જતાં તેઓ તેના વ્યસની બની જાય છે અને અંતે એ ડ્રગ્સ એમનો ભોગ લે છે.
કામનાનો વિરોધ નથી, વિરોધ છે પરવશતાનો. જ્યાં પરવશતા છે ત્યાં દુઃખ છે. તેથી ઈશાવાસ્ય ઉપનિષદ કહે છે કે, આસક્તિનો, રાગનો ત્યાગ કરીને ભોગવો. ભગવાને આ જગત આપણા આનંદ માટે જ બનાવ્યું છે. જગતમાં જે વિષયો છે તે આપણા આનંદ માટે જ છે. વિષયો જરૂર ભોગવો, પરંતુ ભોગની વાસના ઉપર વિજય મેળવવો જોઈએ. આ થઈ શકે આત્મસંયમથી. તમે કોઈ વિષય ભોગવતા હો ત્યારે વિચાર કરવાનો કે ‘તેને હું ભોગવું છું કે તે મને ભોગવે છે ?’
ભગવાન કહે છે કે, ભોગમાંથી જીવનમાં યોગ આવવો જોઈએ. યોગનો અર્થ એવો નથી કે વસ્તુનો ત્યાગ કરી દેવો. આહારમાં પ્રમાણ, વિહારમાં પ્રમાણ, સર્વ ચેષ્ટાઓ, કર્મ કરવું, ઊંઘવું, જાગવું વગેરે સર્વ જીવનપ્રવૃત્તિઓમાં પ્રમાણ હોવું જરૂરી છે. આહારનો આનંદ જરૂર લેવો જોઈએ પણ એ જાણવું જોઈએ કે આહાર માત્ર શરીરના પોષણ માટે છે, આપણી જીભના સ્વાદની તૃપ્તિ માટે નહીં. તે જ રીતે હરવા-ફરવામાં, બોલવા-ચાલવામાં, ઊંઘવા-જાગવામાં સઘળામાં પ્રમાણ હોવું જોઈએ.
આમ, સાવધાની કેળવવી, વિવેક કેળવવો, આત્મસંયમ કેળવવો એ છે કામ ઉપર વિજય મેળવવાનો ઉપાય.