Vasant Ritu: વસંત આવે ને નવા ફૂલો મહેંકી ઉઠે ને ચારેય તરફ સૃષ્ટિમાં નવચેતનાનો સંચાર થાય: વૈભવી જોશી
(વિશેષ નોંધઃ Vasant Ritu: આમ તો વસંત પંચમીનાં દિવસને આપણે વસંત ઋતુનાં પ્રારંભનો પ્રથમ દિવસ માનીયે છીએ પણ હકીકતમાં તો મહાશિવરાત્રિ પતે ત્યારે જ ઋતુરાજ વસંતનું ખરું આગમન થતું હોય છે. આજે તો ફાગણ પણ ફોરમતો આવી પહોંચ્યો છે. વસંતનાં વધામણાં તો આદિ કવિઓથી લઈને આપણા મૂર્ધન્ય સાહિત્યકારો અને પ્રથિતયશ કવિઓએ કર્યા જ છે. આશા છે તમામ સાહિત્યપ્રેમીઓને આ વાસંતી સંકલન જરૂરથી ગમશે.)
દર વર્ષે પાનખર પછી વસંત આવે ને એની સાથે નદીઓમાં ખળખળ વહેતાં નીર ઉભરી આવે, પાનખરમાં ખરી પડેલાં પર્ણોનો વિષાદ શમેને ઝાડની ડાળીએ કુંપળો ફૂંટુ ફૂંટુ થાય. નવા ફૂલો મહેંકી ઉઠે ને ચારેય તરફ સૃષ્ટિમાં નવચેતનાનો સંચાર થાય. સોળે કળાએ ખીલી ઊઠેલી પ્રકૃતિ જાણે સૌંદર્યની લ્હાણી કરતી હોય એમ સૌને એની તરફ આકર્ષે છે. પ્રકૃતિથી ધીરે-ધીરે અલિપ્ત થઈ રહેલો કાળા માથાનો માનવી એનાં સંસાર સાગરમાં એટલો તો વ્યસ્ત છે કે એનું અપ્રતિમ સૌંદર્ય માણવાનું ખરેખર વિસરી રહ્યો છે.
કુદરતનાં સાનિધ્યમાં ઉછેરેલો આ માણસ આટલું અનુપમ સૌંદર્ય છોડીને કઈ ભૌતિક સુખ સગવડો પાછળ ઘેલો થયો છે એ મને ક્યારેય સમજાયું નથી. આપણે જેમ વાર-તહેવાર કે ઉત્સવ ઊજવીએ છીએ તેમ પ્રકૃતિ પણ એનો ઉત્સવ ઊજવે છે. પ્રકૃતિનું સૌથી રમણીય રૂપ જોવુ હોય તો વસંત પંચમીનાં દિવસથી કુદરતને ધ્યાનથી નિહાળવી શરૂ કરો.

Vasant Ritu: વસંત એટલે નિસર્ગનો છલકાતો વૈભવ. વસંતઋતુ એટલે તરુવરોનો શણગાર. વસંત એટલે નવપલ્લવિત થયેલું, ખીલેલું, આમ્રકુંજોની મહોરની માદક સુવાસથી મહેંકી ઊઠેલું ઉલ્લાસ અને પ્રસન્નતાથી છલકાતું વાતાવરણ. એમાંય કોયલનું મધુર કુંજન ને મોરલાનાં ટહુકાઓ મનને વધારે આનંદવિભોર બનાવે છે. વન ઉપવન જુદાં-જુદાં ફુલોથી મહેંકી ઉઠે છે. ગુલમહોર, ચંપા, સૂરજમુખી અને ગુલાબનાં ફુલોનાં સૌંદર્યથી આકર્ષિત થઈને પતંગિયા અને ભમરાઓમાં મધુર રસપાનની જાણે કે હરીફાઈ લાગી જાય છે. તેની સુંદરતા જોઈને મનુષ્ય પણ ખુશીથી ઝૂમી ઉઠે છે અને માટે જ આ ઋતુ જેમ નિસર્ગને નવપલ્લવિત કરે છે એ રીતે જાતજાતનાં અવનવા રંગીન મજાનાં ફૂલો માનવ હૃદયને ખુશ કરે છે. કવિ ન્હાનાલાલે એટલે જ વસંતને ‘ઋતુરાજ વસંત’નું ઉપનામ આપ્યું છે.
અહા ! કવિઓની વાત આવે એટલે મને એમ થાય કે અહીંયાથી તો વાત આખો અલગ જ વળાંક લઈ લે અને વાત સાચી પણ છે. જયારે નિસર્ગનાં ખોળે વસંતનો વૈભવ છલકાઈ રહ્યો છે ત્યારે આપણા આદિકવિઓથી લઈને, આપણાં મૂર્ધન્ય સાહિત્યકારો, લેખકો કવિઓ, ગઝલકારો અને અમારા જેવા શિખાઉ લોકોએ પણ ભરપૂર લાડ લડાવ્યા છે. વસંત એ એક માત્ર ઋતુ છે જે આપણાં ગુજરાતી સાહિત્યનાં દરેક પ્રકારોમાં અલંકારો અને જાતજાતની ઉપમાઓ થકી શબ્દોનાં સોળે શણગાર પામી છે.
વસંત ઋતુમાં પ્રકૃતિની જેમ જ શરીરમાં પણ અનેક પ્રકારનાં પરિવર્તનો થાય છે. એટલે જ વસંત ઋતુને પ્રેમ, સમર્પણ અને ખુશીઓની ઋતુ પણ કહી હશે. આ દરમિયાન વાતાવરણ રમણીય હોય છે. બગીચામાં કેસૂડાનાં લાલરંગી ફૂલો નયનરમ્ય લાગે છે અને એમાંય કડકડતી ઠંડી પછી પ્રકૃતિની છટા જોવા જેવી હોય છે. પલાશનાં લાલ ફૂલ, ખેતરોમાં લહેરાતાં સરસવનાં પાકની લહેરાતી ઓઢણી, ચોતરફ હરિયાળી અને ગુલાબી ઠંડી ઋતુને સોહામણી બનાવી દે છે.
આ ઋતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ઘણી સારી માનવામાં આવે છે. મનુષ્યોની સાથે પશુ-પક્ષીઓમાં પણ નવી ચેતનાનો સંચાર થાય છે. બધામાં અપૂર્વ ઉત્સાહ અને આનંદની તરંગો દોડવા માંડે છે. આ ઋતુમાં સવારે ભ્રમણ કરવાથી મનમાં પ્રસન્નતા અને શરીરમાં સ્ફ્રૂતિ આવે છે. સ્વસ્થ અને સ્ફૂર્તિદાયક મનમાં સારા વિચાર તો આવે જ આવે. આ જ કારણ હશે કે આ ઋતુ પર પ્રાચીનથી લઈને અવાર્ચીન કવિઓએ પોતાની કલમ ચલાવી છે.
ગુજરાતી સાહિત્ય તો વસંતનું પધતીર્થ છે. વસંત ઋતુ એ ગુજરાતી સાહિત્યમાં ખુબ લાડકોડથી ઉછરી છે. ગઈ કાલથી માંડીને આજ સુધીનાં વિરલ સર્જકોએ વસંતને પોતાનાં શબ્દોની પીંછીથી શણગારી છે.
ચાલો આજે કવિઓની સાથે-સાથે એમનાં શબ્દોનો શણગાર પણ માણીયે.
શરૂઆત કરીયે વસંત ઋતુને ‘ઋતુરાજ વસંત’નું ઉપનામ આપનાર વસંતધર્મી કવિ શ્રી ન્હાનાલાલથી.
આ વસંત ખીલે શતપાંખડી, હરિ! આવો ને;
આ સૃષ્ટિએ ધરિયા સોહાગ; હવે તો હરિ! આવો ને.
વસંત એ ખરા અર્થમાં બધી ઋતુમાં સંત સમાન છે. આપણાં ધર્મશાસ્ત્રો જણાવે છે કે સંતનો સ્વભાવ વસંત જેવો હોવો જોઈએ, જેમાં પ્રકૃતિનાં રંગો, ઉમંગો હોય. જો ગુજરાતી પદ્યમાં વસંતનો વૈભવ જણાતો હોય તો આદ્ય કવિ નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં જે ગુજરાતી કવિતાની શાશ્વત વસંત છે.
‘આ ઋતુ રૂડી રે, મારા વહાલાં રૂડો માસ વસંત,
રૂડા તે વનમાં કેસુડાં ફૂલ્યાં, રૂડો રાધાજીનો કથ..’
આવ્યો માસ વસંત વધામણાં, છબીલાજીને કરીએ છાંટણા;
વન કેસર ફૂલ્યો અતિ ઘણો, તહાં કોકિલા શબ્દ સોહામણાં;
રૂડી અરતના લઇએ ભામણા, આવ્યો માસ વસંત વધામણાં
આપણા મહાન કવિ શ્રી ઉમાશંકર જોશી એ વસંત પંચમીને આ શબ્દોમાં વધાવી છે .
કોકિલ, પંચમ બોલ બોલો કે પંચમી આવી વસંતની.
દખ્ખણના વાયરાનાં આ શાં અડપલાં !
હેતે વધાવી એને લો રે ઓવારણાં.
ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો ! કે પંચમી આવી વસંતની.
સમગ્ર પ્રકૃતિ જો કીર્તન હોય, તો વસંત એનું સંકીર્તન છે. કવિ શ્રી નિનુ મઝુમદારએ કેટલી અદ્ભૂત પંક્તિઓમાં વસંતનાં રંગો ચીતર્યા છે,
કીર્તન કરી ઉઠી હરિયાલી.
આવી આજે પૂજન કાજે ઋતુ વસંત મતવાલી..
રુદ્રાક્ષનો રંગ વસંતનાં વ્હાલમાં ગુજરાતી ગઝલમાં જેમણે રંગ્યો છે. એવા શ્રી ઋષિકવિ રાજેન્દ્ર શુકલ પણ વસંત પર ઓળઘોળ છે,
‘અહો શ્વાસ મધ્યે વસંતે મહોરી,
ઉડે રંગ ઉડે ન ક્ષણ એક કોરી..
‘સુંદરમ્’નો વસંત વૈભવ તો વળી અતિ સુંદર છે,
‘મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા,
કેસૂડો કામણ ગારો જી લોલ…
તો આ બાજુ જરા કવિ દલપતરામનાં વસંતનો ઠાઠ જુઓ,
રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો,
મુકામ તેણ્યે વનમાં જમાવ્યો;
તરૂવરોએ શણગાર કીધો,
જાણે વસંતે શિરપાવ દીધો…
મહાકવિ કાલીદાસે ‘ઋતુસંહારમ’માં મતવાલી વસંતનો મહિમા ખૂબ સુંદર રીતે ગાયો છે. તો ભક્ત કવિ સૂરદાસે વસંત ઋતુનાં વધામણાં આ રીતે ગાયા છે.
‘આઈ હમ નંદ કે દ્વારે, ખેલત ફાગ વસંતપંચમી,
સૂરદાસ પ્રભુ રિઝા મગન ભયે, ગોપ વધુ તન વારે.
કવિ પ્રજારામ રાવળે પણ શિશિર અને વસંતની જુગલબંધી કેવી સરસ આલેખી છે,
‘શિશિર તણે પગલે વૈરાગી વસંત આ વરણાગી
એક કેરવે વસ્ત્ર પુરાતન, બીજો મખમલ ઓઢાડે,
તો વળી વસંતને ગુજરાતી ગઝલમાં અમરત્વ અપાવ્યું શ્રી આદિલ મન્સૂરીએ,
‘ઉતરી ગયાં છે ફૂલનાં ચહેરા વસંતમાં,
તારા જ રૂપ-રંગ વિષે વાત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજુઆત થઈ હશે.’
આ વાંચતાં-વાંચતાં તમે પણ મનમાં ને મનમાં મખમલી અવાજનાં માણીગર એવા શ્રી મનહર ઉધાસનાં કંઠે અગણિત વાર ગવાયેલી આ ગઝલ ગણગણી રહ્યા હશો મારી જેમ.
ગુજરાતી ગઝલનાં અમર શેરોમાં જે કવિનાં પ્રત્યેક શેરની નોંધ લેવી પડે એવાં કવિ શ્રી મનોજ ખંડેરિયાનો પરિચય તો આ વસંતનાં શેર પરથી જ થઈ જાય છે,
‘આ ડાળ-ડાળ જાણે કે રસ્તાં વસંતનાં,
ફૂલોએ બીજું કંઈ નથી પગલાં વસંતના,
આ એક તારાં અંગે, અને બીજા ચમન મહીં,
જાણે કે બે પડી ગયા ફાંટા વસંતનાં,
ઈશ્વરનાં અવાજને આત્મસાત કરીને મરીઝ સાહેબ કહે છે.
ખુશ્બુ હજી છે બાકી, જો સૂંઘી શકો મને,
હું પાનખર નથી, હું વીતેલી વસંત છું.

ને એવામાં કવિ રાજેન્દ્ર શાહ યાદ આવે,
એ જી આંબાની મ્હોરી મંજરી, કોઈ ફાગણ લ્યો,
એવા સરવર સોહે કંજ રે, કોઈ ફાગણ લ્યો…
જ્યારે ર.પા.ની વસંત તો અનંત છે એમ થાય કે માણ્યા જ કરીયે,
‘શોધ છે શબ્દકોષમાં જે અર્થ વૃક્ષનો,
તેઓ વસંત જેવા સભર હોય તોય શું ?
કે પછી
‘હવે આ વૃક્ષને કેવી રીતે હું વૃક્ષ કહું?
વસંત ડાળીએ બેસે તો ડાળ બટકે છે.’
તો આ મોસમમાં કવિ હિતેન આનંદપરા ઉમેરે છે,
‘બધીયે અટકળોનો એવી રીતે અંત મળે,
કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે.’
તો વળી કવિ ભરત વાઘેલાનાં વાસંતી ગીતનું સ્મરણ થઈ આવ્યું,
‘કળી કળીમાં ઝાકળિયાએ પીણું એવું પાયું,
વગડે વગડે વાય રહ્યો છે વસંત કેરો વાયુ’
ને એવામાં શ્રી શેખાદમ સાહેબ યાદ આવ્યાં વગર રહે,
‘મેં વસંત પાસેથી એક ફૂલ માગ્યું છે
એટલે જ તો ખોટું પાનખરને લાગ્યું છે’
એવામાં શ્રી જલન માતરીનો શેઅર કેમ ભુલાય ?
એવા બગીચાઓને વસંતોની શી કદર ?
કે જ્યાં બહાર છે સદા ને પાનખર નથી.
તો બેફામ સાહેબનું કઈંક આવું કહેવું છે,
‘આપ સાચા અર્થમાં છો મારે માટે તો વસંત,
જ્યારે જ્યારે આપ આવ્યાં છો, ખિલાવ્યો છે મને..!’
જોકે આપણા શૂન્ય પાલનપુરી સાહેબનો મિજાજ કઈંક અલગ છે વળી,
‘કાંટાના ડંખ સાથે છે ફૂલોનું ઝેર પણ,
વાળે છે શું વસંત ગયા ભવનું વેર પણ’
તો શ્રી ગની દહીંવાલા કઈંક આવું વિચારે છે કે,
‘બનીને મનની મુરાદ તેઓ જીવનમહીં એક વાર આવે,
ફરી ફરી આવતાં ચમનમાં વસંતને પણ વિચાર આવે’
ને આપણા સહુના લાડીલા હરીન્દ્ર દવે લખે છે કે,
‘આગળ હતી વસંતની માદક હવા, છતાં,
હું પાનખરનાં દેશમાં પાછો ફરી ગયો’
એવામાં મિસ્કીન સાહેબની યાદ આવી ગઈ,
‘કોઈ ખીલેલું ફૂલ ખરે ભર વસંતમાં,
વીતેલ સૌ પ્રસંગ નીખરવા પ્રબંધ છે
છવાઈ ગઈ છે પાનખર ચમનમાં તે છતાં,
અહીં પાન પાનમાં વસંતની સુગંધ છે’
આપણા ખલિલ સાહેબને સાંભળો તો જરામાં લાલિમા પ્રસરી જાય,
‘પાનખરમાં ને વસંતમાં ફેર શું એ જાણવા,
તમને અડકીને પછી ખુદને અડયો છું હું મને’
તો વળી રકીબ અમદાવાદી જીવનની વસંતને સાંકળે છે,
‘આવ તું પણ જોઈ લે તારા વગરની જિંદગી,
હું વસંતોમાં જીવ્યો છું પાનખરની જિંદગી’
તો બીજી બાજુ નેહાબેન પુરોહિતનો મસ્તીલો અંદાઝ જુઓ,
‘સાવ અચાનક કોળી ઊઠ્યો પથ્થર જેવો જણ,
વસંત જેવી તું આવી કે? ચાલ, ચૂંટીયો ખણ’
આ બધા પદ્યની સાથે આપણાં માનીતાં કાકાસાહેબ કાલેલકરનું ગદ્ય પણ ખરું હો ! એ કહેતા, ‘જેની રહેણી કુદરતથી વિખૂટી થઈ નથી, કુદરતને રંગે જે રંગાય છે તે વસંતનું આગમન વગર કહ્યે અનુભવે છે. નદીનાં ક્ષીણ પ્રવાહમાં એકાએક ઘોડાપૂર આવેલું જેમ આપણે જોઈએ છીએ તેમ આપણે વસંતને પણ આવતો બરાબર જોઈ શકીએ છીએ.’’
આ બધાં કવિઓની છૂટી છવાઈ પંક્તિઓમાં મને જડે આપણાં એક એવાં મૂર્ધન્ય સાહિત્યકાર જે માત્ર વસંતને જ નહિ પણ દરેકેદરેક ઋતુઓને એમનાં શબ્દોનાં અખૂટ ખજાનાંથી શણગારતાં આવ્યાં છે એવા કવિવર શ્રી તુષાર શુક્લની તો કેટકેટલી રચનાઓ મને સાંભરી આવી,
વાસંતી વાયરાની વ્હાલ ભરી લહેરખીમાં, એના આવ્યાંનો અણસારો
કે પછી ‘રંગ ભરી લઈ કલમ, કુદરતે લખ્યો વાસંતી પત્ર’
અને આને તો કેમ ભુલાય, ‘વસંત મારે આંગણીયે, પૂછે સરનામું તારું’ અને આ સાંભળો તો-તો ગાલ પર લાલિમા પ્રસરી આવ્યાં વગર રહે??
‘વ્હાલમ વરણાગી થઇ અડક્યો વસંતમાં,
અહા !! અહા..!! એમને કવિતાઓનું પઠન કરતાં સાંભળવા કે એમની રચનાઓ અન્યનાં કંઠે માણવી આ બે માંથી નક્કી કરવું પણ અઘરો વિષય થઈ પડે.
આ બધા ઉત્તમ કવિઓમાં રાજકારણને જરા બાજુએ રાખી અને આપણા પ્રધાનમંત્રી તરીકે નહિ પણ એમની અંદર રહેલા એક કવિ શ્રી નરેન્દ્ર મોદી પણ વસંતને આવકારવામાં પાછાં પડે એમ નથી હો !
અંતમાં આરંભ અને આરંભમાં અંત
પાનખરના હૈયામાં ટહુકે વસંત
સોળ વરસની વય, ક્યાંક કોયલનો લય
કેસૂડાનાં કોના પર ઉછળે પ્રણય?
ટૂંકમાં વસંતનાં વધામણા તો સૌને પ્રિય લાગે છે. વનસ્પતિ સૃષ્ટિની જેમ માનવ જીવનમાં પણ પાનખર આવે જ છે ત્યારે ઈશ્વર પર શ્રદ્ધા રાખી પોતાનાં પુરુષાર્થમાં મક્કમતાથી ઝઝુમતાં રહીશું તો પ્રભુ આપણું જીવન ખીલવશે જ, એવો આશાદીપ સતત પ્રજ્વલિત રાખવાનું સૂચન વસંત કરે છે. વસંત ઋતુ એટલે બધી રીતે સમાનતા. આ દિવસો દરમિયાન કડકડતી ઠંડી નથી લાગતી કે પરસેવો થાય એટલો તાપ પણ નથી હોતો. દરેકને ગમે તેવી આ ઋતુ છે.
જીવનમાં વસંત ખીલવવી હોય તો જીવનમાં આવનારાં સુખ-દુ:ખ, જય-પરાજય, યશ-અપયશ વગેરેમાં સમાનતા રાખતાં આવડી જાય તો વસંત હ્રદયનાં ઉલ્લાસ, ઉમંગ, ઉત્સાહ અને મધુર જીવનનું અદ્દભુત ઉદાહરણ છે.
અંતમાં મારી ગમતી પંક્તિઓ કવિ અપૂર્વ ભટ્ટની જરૂર ટાંકવાનું મન થાય છે કે,
સહેલું નથી વસંતનું સૌંદર્ય માણવું
ભાષાઓ શિખવી પડે છે સુગંધની..!!
વસંત ઋતુ આમ જ સહુનાં જીવનમાં મધમીઠી મહેંક પ્રસરાવી જાય એવી શુભેચ્છાઓ..!!: વૈભવી જોશી
(જો મારાં મિત્રવર્તુળની સૂચીમાં જાણીતાં, પ્રસિદ્ધ કે ઉભરી રહેલાં યુવા લેખકો અને કવિઓ પણ હોય અને આપ સહુએ પણ વસંત ઋતુને આપનાં આગવાં અંદાઝમાં શણગારી હોય જે મારી ધ્યાન બહાર ગયું હોય તો આપની રચનાઓ કોમેન્ટમાં જરૂરથી મુકશો જેથી બધાં જ સાથે મળી વસંતનાં વધામણાં કરી શકીયે.)
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો