New record of Indian Railways: ભારતીય રેલવેનો નવો રેકોર્ડ, ગત નાણાંકીય વર્ષમાં બનાવ્યા 7,134 કોચ
New record of Indian Railways: આ ઐતિહાસિક સિદ્ધિ ભારતીય રેલવેની ઉત્પાદક ક્ષમતામાં સતત વૃદ્ધિ દર્શાવે છે
- 2014 થી 2024 વચ્ચે કોચ ઉત્પાદનનો આંકડો 54,809 પહોંચ્યો
- સામાન્ય માણસને ધ્યાનમાં રાખીને નોન એસી કોચના ઉત્પાદનમાં વધારો
- કોચ ઉત્પાદનમાં ભારત વિશ્વના અગ્રણી દેશ તરીકે ઉભરી આવ્યું.

નવી દિલ્લી, 03 એપ્રિલ: New record of Indian Railways: ભારતીય રેલવેએ નાણાકીય વર્ષ 2024-25માં 7,134 કોચનું ઉત્પાદન કરીને એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ સંખ્યા પાછલા વર્ષના 6,541 કોચના ઉત્પાદન કરતાં લગભગ 9 ટકા વધુ છે. સામાન્ય માણસને ધ્યાનમાં રાખીને, બિન-વાતાનુકૂલિત કોચના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે, પાછલા નાણાકીય વર્ષમાં 4,601 નોન-એસી કોચનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક સિદ્ધિ ભારતીય રેલવેની ઉત્પાદક ક્ષમતામાં સતત વૃદ્ધિ દર્શાવે છે, જે માળખાગત સુવિધાઓને આધુનિક બનાવવા અને મુસાફરોની વધતી જતી જરૂરિયાતોને પૂર્ણ કરવાના પ્રયત્નોનું પરિણામ છે. આનાથી રેલવે સેવાઓ વધુ અનુકૂળ, સલામત અને કાર્યક્ષમ બનશે. જેનાથી યાત્રીઓને ઉત્તમ યાત્રા અનુભવ મળશે.

ભારતીય રેલવેના ત્રણ કોચ ઉત્પાદન એકમો છે. જેમાં તમિલનાડુના ચેન્નાઈમાં ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF), પંજાબના કપૂરથલામાં રેલવે કોચ ફેક્ટરી (RCF) અને ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં મોર્ડન કોચ ફેક્ટરી (MCF)નો સમાવેશ થાય છે. ચેન્નાઈમાં આવેલ ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) એ પાછલા ઉત્પાદન રેકોર્ડને તોડતાં વર્ષ 2024-25માં 3,007 કોચનું ઉત્પાદન કર્યું છે.
કોચ ઉત્પાદન એકમો | સ્થળ | કોચ ઉત્પાદન (2023-24) | કોચ ઉત્પાદન (2024-25) | કોચ ઉત્પાદનમાં વૃદ્ધિ |
ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) | ચેન્નાઈ, તમિલનાડુ | 2,829 | 3,007 | +178 |
રેલવે કોચ ફેક્ટરી (RCF) | કપૂરથલા, પંજાબ | 1,901 | 2,102 | +201 |
મોર્ડન કોચ ફેક્ટરી (MCF) | રાયબરેલી, ઉત્તર પ્રદેશ | 1,684 | 2,025 | +341 |
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય રેલ્વેએ કોચ ઉત્પાદન ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે. 2004 થી 2014 દરમિયાન દર વર્ષની સરેરાશ ૩,૩૦૦ કોચ હતી. જ્યારે 2014 અને 2024 ની વચ્ચે, કોચ ઉત્પાદનનો આંકડો વિક્રમજનક વૃદ્ધિની સાથે 54,809 પર પહોંચ્યો, જેની સરેરાશ 5,481 કોચની રહી છે. કોચ ઉત્પાદન ક્ષેત્રમાં આ વૃદ્ધિ ભારતીય રેલ્વેને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા પ્રત્યે નિર્ણાયક છે. તેનો ઉદ્દેશ સ્થાનિક ઉત્પાદન ક્ષમતાને મજબૂત બનાવવા, આયાત પર નિર્ભરતા ઘટાડવા અને રેલવેની માળખાગત સુવિધાઓમાં અત્યાધુનિક ટેકનોલોજી અપનાવવાનો છે. રેલવે કોચ ઉત્પાદનમાં ભારતીય રેલવેની આ સિદ્ધિ ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને એક નવું પરિમાણ આપે છે. સાથે જ ભારતને વિશ્વ મંચ પર એક અગ્રણી દેશ તરીકે પણ સ્થાપિત કરે છે.
કોચ ઉત્પાદનમાં ભારતીય રેલવેની સફળતા ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલનો એક ભાગ છે, જે રેલવે પરિવહન પ્રણાલીને વધુ કાર્યક્ષમ બનાવવા માટે કટિબદ્ધ છે. અદ્યતન ટેકનોલોજીથી સજ્જ આધુનિક કોચ મુસાફરોને વધુ આરામ, વધુ જગ્યા અને અત્યાધુનિક સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે. આનાથી યાત્રાનો અનુભવ વધુ આરામદાયક બની રહ્યો છે. આ સાથે, વધુ ઉત્પાદન ક્ષમતાને કારણે ટ્રેનોની સંખ્યા વધી રહી છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો