Plane Crash Update: વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના કાયદેસર વારસદારોને વીમા માટે હેલ્પડેસ્ક શરૂ કરાયા
Plane Crash Update: 15 જૂન અમદાવાદ વિમાન દુર્ઘટના અપડેટ
વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના કાયદેસર વારસદારોને વીમા/દાવાની સહાય ચૂકવવા માટે હેલ્પડેસ્ક શરૂ કરાયા
જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા વીમા ચુકવણીમાં સહાયરૂપ થવા નોડલ અધિકારીઓની નિમણુંક
- ડીએનએ સેમ્પલ માટે કુલ 12 ટીમ શિફ્ટ મુજબ કાર્યરત
- અત્યાર સુધીમાં કુલ 35 પાર્થિવ દેહો સોંપવામાં આવ્યાં

અમદાવાદ, 15 જૂન: Plane Crash Update: રાજ્ય સરકાર દ્વારા અમદાવામાં AI-171 વિમાન દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે રાહત-બચાવની કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જૂજ મિનિટોમાં આ કાર્યવાહી હાથ ધરીને સમર્પિત તંત્ર કાર્યરત કરવામાં આવ્યું છે.
સંબંધિત જિલ્લાના કલેક્ટર દ્વારા વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના પરિવારજનોનો સંર્પક કરી કાયદેસર વારસદારોને વીમા/દાવાની સહાય ચૂકવવા માટે સંબંધિત જિલ્લાનાં હિસાબી અધિકારી/અન્ય અધિકારીઓની નોડલ અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર આ માટે અસરગ્રસ્તોને મદદરૂપ થઈ રહ્યું છે.
વિમાન દુર્ઘટનામાં પ્રભાવિત થયેલા લોકોના ઇન્સ્યોરન્સ ક્લેમ પ્રોસેસ કરવામાં સરળતા રહે તે માટે IRDAIના નોટિફિકેશન અન્વયે હોસ્પિટલ ખાતે જોઇન્ટ સેલ શરૂ કરવાની સૂચના આપવામાં આવી હતી. જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ વતી ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીને લીડ ઇન્સ્યોરર તથા લાઇફ ઇન્શ્યોરન્સ કાઉન્સિલ વતી એચડીએફસી લાઇફને લીડ ઇનસ્યોરર નીમવામાં આવી છે.
જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી સિવિલ હોસ્પિટલ ખાતે ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ તેમજ એચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્સ અને LICના હેલ્પ ડેસ્ક ઉભા કરવામાં આવ્યા છે, જેમાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં મુસાફરો તથા અન્ય પ્રભાવિત લોકોના ઇન્સ્યોરન્સ ક્લેમ સરળતાથી અને ઝડપથી પ્રોસેસ થાય તથા તે માટે તેમને જરૂરી માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત દુર્ઘટનાગ્રસ્તોના પરિવારજનોને સંબંધિત ઇન્સ્યોરન્સ કંપનીના નોડલ ઓફિસરની માહિતી પણ પૂરી પાડવામાં આવે છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઇન્સ્યોરન્સ કંપનીઓને પેસેન્જર લિસ્ટના આધારે તથા અન્ય જરૂરી માહિતી પૂરી પાડીને ક્લેમ ઝડપથી પ્રોસેસ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
ડીએનએ સેમ્પલ માટે કુલ 12 ટીમ શિફ્ટ મુજબ કાર્યરત છે, તેમના દ્વારા ડીએનએ મેચીંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અસરગ્રસ્તોના સંબંધી સાથે સંકલનમાં રહી કાઉન્સેલીંગની કાર્યવાહી પણ ચાલી રહી છે.
આરોગ્ય વિભાગના દ્વારા ટ્રોમા સેન્ટરમાં 100 આરોગ્ય કર્મચારીઓ સહિત તમામ આરોગ્યને લગતી કામગીરી માટે 855થી વધુ હેલ્થ સ્ટાફ રાહત-બચાવ કામગીરીમાં જોડવામાં આવ્યાં છે. સિવિલ હોસ્પિટલના નિયમિત સ્ટાફ ઉપરાંત વધારાના સ્ટાફ તરીકે આ મેનપાવર કાર્યરત કરાયો છે.
હાલમાં મુસાફરો તથા સ્થાનિક રહેવાસીઓના સગાંસંબંધીઓના કુલ 250 બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં છે તે પૈકી 62 ડીએનએ મેચ થયા છે. આ મેચ થયેલાં ડીએનએ પૈકી 27 પાર્થિવ દેહ સોંપવામાં આવ્યાં છે. આ ઉપરાંત, ડીએનએ વિના ઓળખાયેલા 8 પાર્થિવ દેહોની ગઈકાલે તેમના પરિજનોને સોંપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 35 પાર્થિવ દેહ સોંપવામાં આવ્યાં છે. હવે ફક્ત 3 મુસાફરોના સગાંસંબંધીઓના સેમ્પલ લેવાના બાકી છે. આ સગાંસંબંધીઓ હાલમાં યુ.કે.માં રહે છે, અને આગામી 2-3 દિવસમાં સેમ્પલ આપવા આવશે તેમ જણાવ્યું છે.
પાર્થિવ દેહ સોંપવાની કરવાની કાર્યવાહી માટે, દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના પરિવારજનો સાથે સતત સંકલન માટે જિલ્લા તંત્રએ 250થી વધુ નોડલ અધિકારી તથા આસી. નોડલ અધિકારીઓની નિમણુંક કરી છે. આ તમામ કાર્યવાહીનું યોગ્ય રીતે ચાલે તે સુનિશ્ચિત કરવા માટે સુપરવિઝન અધિકારીઓની પણ નિમણુંક કરવામાં આવી છે.
આ પણ વાંચો:- Agra Fort stoppage cancelled: રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 6 ટ્રેનો આગ્રા ફોર્ટ પર રોકાશે નહીં
આ સમર્પિત સ્ટાફમાં નિમાયેલા અધિકારીઓ દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના પરિવારજનોના સંપર્કથી લઈને અંત્યેષ્ઠિ સુધીની કામગીરીમાં મદદરૂપ થવાની સાથે તમામ તબક્કે તેમની સાથે ખભાથી ખભો મિલાવીને ઊભા રહે છે. ડીએનએ સેમ્પલની કામગીરી, ડીએનએ મેચ થયા બાદ પાર્થિવ દેહની સોંપણી, ત્યાર બાદ અંતિમ ક્રિયા માટે પરિવારજનો કહે તે સ્થળ સુધી પોલીસ એસ્કોર્ટીંગ સાથે એમ્બ્યુલન્સ મારફતે પાર્થિવ દેહ પહોંચાડવામાં આવે છે. આ સાથે અધિકારીઓ જરૂરી દસ્તાવેજો અને રિકવર થયેલી ચીજવસ્તુઓની સોંપણી કરે છે અને અંત્યેષ્ઠિ સુધી ઉપસ્થિત રહે છે.
રાજ્ય બહારનાં અસરગ્રસ્તોનાં સગાં-સંબંધીઓ સાથે સંકલન કરીને સંબંધિત રાજ્યનાં એસ.ઈ.ઓ.સી. સાથે સંકલન કાર્યવાહી કરવામાં આવી છે તેમજ તેમના નોડલ ઓફિસરની માહિતી મેળવવામાં આવી છે. અન્ય રાજ્યોને સંબંધિત કેસમાં રાજ્ય તંત્ર સતત સંર્પકમાં છે.
એર ઈન્ડિયાની ટીમ પણ સિવિલ હોસ્પિટલ ખાતે 24×7 ઉપલબ્ધ છે. જેમ જેમ દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના પરિવારજનો આવી રહ્યાં છે, તેમ તેમ તેઓની જરૂરિયાત મુજબની એર ટિકીટની વ્યવસ્થા વિનામૂલ્યે કરવામાં આવી રહી છે. આ પરિવારજનો માટે યોગ્ય વ્યવસ્થા મળી રહે તે માટે રાજ્યના માર્ગ મકાન વિભાગે વાહન તથા રહેવાની વ્યવસ્થા પણ કરી છે.
રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી વિવિધ હેલ્પલાઈન અને કંટ્રોલરૂમ મારફતે અત્યાર સુધીમાં લગભગ 1700 જેટલા ફોન કોલ્સ મળ્યાં છે તે અન્વયે યોગ્ય સંકલનથી કાર્યવાહી કરવામાં આવી છે.