Swami Viditatmananda Saraswatiji 1

The key to happiness: ક્રોધ કેમ દૂર કરવો: વિદિતાત્માનંદ સરસ્વતીજી

google news png

The key to happiness આપણે જાણવું જોઈએ કે ક્રોધ એ કાર્ય છે અર્થાત્‌ તે કોઈક કારણમાંથી જન્મતો હોય છે. એટલે જ્યારે પણ ક્રોધ જન્મે ત્યારે એનું કોઈ કારણ હોવાનું જ. કારણ દૂર કરીએ ત્યારે કાર્ય દૂર થાય. ક્રોધ દૂર કરવો હોય તો તેનું કારણ દૂર કરવું પડે. બગીચામાં ઘાસ ઊગ્યું હોય તેને તેના મૂળ સાથે કાઢી ન નાખીએ તો તે ફરીથી ઊગવાનું જ છે, કારણ કે અંદર બીજ રહી ગયું છે. આ બીજ કાઢી નાખો તો જ ઘાસ ફરીથી ન ઊગે. તે જ રીતે ક્રોધને તેના મૂળમાંથી કાઢી નાખીએ તો જ તેને કાયમ માટે દૂર કરી શકીએ. તેથી પહેલાં તો એ જાણવું જોઈએ કે ક્રોધનું મૂળ કયું છે ? કારણ કયું છે ?

આ કારણ છે મનમાં પડેલા આગ્રહો. જ્યાં સુધી મનમાં કોઈ પણ પ્રકારનો આગ્રહ છે ત્યાં સુધી ક્રોધ જન્મવાની પૂરેપૂરી શક્યતા છે. આગ્રહ એટલે વસ્તુ અમુક રીતે જ થવી જોઈએ કે હોવી જોઈએ એવો આપણો દૃઢ ર્નિણય. આ માણસે આમ જ વર્તવું જોઈએ. ચા આવી જ થવી જોઈએ. અથાણું આ પ્રકારનું જ જોઈએ. થાળી આમ જ પીરસાવી જોઈએ.

થાળીમાં ભાત આ ઠેકાણે જ મુકાવો જોઈએ. આમ, દરેકને જુદી જુદી વાતમાં જુદી જુદી જાતના આગ્રહો હોય છે. આગ્રહો ઘણા અને ઘણા પ્રકારના હોય છે અને વળી તે બદલાતા પણ રહેતા હોય છે અને તેથી વારંવાર આપણે ક્રોધનો ભોગ બનતા હોઈએ છીએ. આ આગ્રહો નષ્ટ થઈ જાય તો ક્રોધ આપોઆપ નષ્ટ થઈ જાય. આગ્રહો નષ્ટ કેવી રીતે થાય ?

વસ્તુ જેવી છે તેવી પ્રસન્નતાપૂર્વક સ્વીકારતાં જઈશું – વિરોધપૂર્વક નહીં – તો જીવનમાં આગ્રહો નષ્ટ થતા જશે. ક્રોધ કદાચ આવે તો પણ નિરાશ ન થઈ જશો. એ આવેગ શમી જાય ત્યારે શાંતિથી વિચાર કરજો કે મારો કયો આગ્રહ હતો જે પૂરો ન થયો અને જે આ ક્રોધનું કારણ બન્યો ? આ આગ્રહ દૂર કરી શકાતો હોય તો તે દૂર કરો. પરંતુ જો તે છોડી ન શકતા હો તો જીવનની એક વાસ્તવિકતા સમજી લેજો કે આપણા આગ્રહો પૂરા થવા જ જોઈએ એવો કોઈ નિયમ નથી,

કારણ કે જીવન તો કુદરતના નિયમો પ્રમાણે ચાલતું હોય છે, આપણા આગ્રહો પ્રમાણે નહીં અને તેથી કોઈ પરિસ્થિતિમાં આગ્રહ પૂરો ન થાય તો પરિસ્થિતિ સ્વીકારી લેવાની તૈયારી રાખો. આગ્રહ રાખવો હોય તો રાખો પણ એવું બરોબર સમજીને રાખો કે તમારા આગ્રહો પૂરા થાય તેવી જવાબદારી દુનિયાએ લીધી નથી.

આ પણ વાંચો:- Face Care Tips: રાત્રે સૂતા પહેલા લગાવો આ 5 વસ્તુઓ, સવારે ખીલી ઉઠશે ચહેરો…

દુનિયા તમારા આગ્રહો પૂરા કરવા બંધાયેલી નથી. આ જગતમાં સૂર્ય, ચંદ્ર, વરસાદ – આમાંથી કોઈ પણ મારો આગ્રહ પૂરો ન કરે. સારો તડકો હોય તેથી કપડાં બહાર સૂકવ્યાં હોય, પણ તમે તેમને વાળી લઈ ઘરમાં મૂકો તે પહેલાં અચાનક વરસાદનું ઝાપટું પડે અને કપડાં પાછાં પલળી જાય. આપણે ગમે તેટલી ઇચ્છા કે આગ્રહ રાખીએ કે કપડાં સુકાઈને ઘરમાં આવી જાય ત્યાં સુધી વરસાદ ન પડે. પણ વરસાદ એની રીતે જ, એના સમયે જ આવવાનો.

બગીચામાં સારા કીમતી રોપા રોપ્યા છે અને ઇચ્છા કરીએ કે વરસાદ પડે; ત્યારે તે ન પણ પડે. આગ્રહ પૂરા નહીં થાય એવી તૈયારી સાથે આગ્રહ રાખવા જોઈએ અને આગ્રહ પૂરા થવા જ જોઈએ એવી તમારી ઇચ્છા હોય તો તાતી આવશ્યકતા એ જ છે કે તમારા આગ્રહો દૂર કરવાનો આગ્રહ રાખો.

OB banner

આમ, ક્રોધમાંથી મુક્ત થવું હોય તો આગ્રહોમાંથી મુક્ત થવું જોઈએ.
સમજુ, જ્ઞાની, વિવેકી પુરુષો કદી આગ્રહ સેવતા હોતા નથી. તો એ દિશામાં આપણે પણ પ્રયાસ કરવાનો છે. જીવનનું ધ્યેય છે પૂર્ણતા અર્થાત્‌ બંધનમાંથી મુક્તિ. આગ્રહ એ જ એક મોટું બંધન છે. આપણને કોણ બાંધે છે ? આગ્રહોના સકંજામાં સપડાયેલું મન. આગ્રહ એક ભૂત છે જેના પંજામાં ફસાયા પછી છૂટવું અત્યંત કઠિન છે. આગ્રહોને કારણે જ માણસમાં ક્રોધ જન્મતો હોય છે.

અત્યંત ક્રોધમાં માનવી પશુ જેવો બની જાય છે અને મનુષ્યના ગૌરવનાં મૂલ્યોને બાજુએ મૂકી દે છે. ક્રોધ માનવીને માનવતામાંથી ચ્યુત કરે છે. તેથી તમારા આગ્રહ ઉપર નજર રાખો અને તેમને દૂર કરવા માટેની સાવધાની રાખો. સાવધાની અત્યંત આવશ્યક છે. સાવધાની નથી માટે પ્રતિક્રિયા, પ્રત્યાઘાત થઈ જાય છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી પરિવર્તન આણવા માટે જે કાંઈ કરવું પડે તે જરૂર કરો; પરંતુ ક્રોધથી નહીં, દૃઢતાથી, મક્કમતાથી. રાગ-દ્વેષથી પ્રેરાઈને કોઈ કર્મ ન કરવું. વિવેકથી જગતમાં વ્યવહાર કરવો, પ્રત્યેક પરિસ્થિતિમાં મનની સ્વસ્થતા જાળવી રાખવી; રાગ-દ્વેષના પ્રભાવમાં ન આવવું અને આ રીતે મનની પ્રસન્નતા જાળવી રાખવી.
આ છે સુખની ચાવી.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો