હિંસા (Violence): પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી
વનસ્પતિનો આહાર કરવો તે હિંસા (Violence) ગણાય કે નહીં ?

Violence: પ્રત્યેક મનુષ્યના જીવનમાં કોઈ ને કોઈ રીતે હિંસા વણાયેલી જ છે. શાસ્ત્રો આ વિષયમાં આપણું ધ્યાન દોરે છે અને મૂળભૂત ઉપદેશ આપે છે : अहिंसा परमो धर्म: અહિંસા સર્વશ્રેષ્ઠ ધર્મ છે. એટલે કે આપણે હિંસા ન કરવી જોઈએ. પરંતુ આ ધર્મનું પાલન અત્યંત કઠિન છે. કહો કે અહિંસાનું પૂરેપૂરું પાલન કરવું મનુષ્ય માટે અશક્ય છશારીરિક સ્તરે એક જીવ બીજા જીવ ઉપર નભતો હોવાને કારણે મનુષ્ય પણ બીજા જીવો ઉપર જ નભતો હોય છે.
આપણે માંસાહારી ન હોઈએ, શાકાહારી હોઈએ તો પણ શાક-ભાજી-વનસ્પતિમાં પણ જીવ છે જ અને તેથી આહાર માટે તે જીવોનો ભોગ લેવાતો જ હોય છે. આ તો આપણે સ્વીકારવું જ પડશે. ભગવાને જગતની રચના જ એવી કરી છે કે જગતમાં જ્યાં નજર કરો ત્યાં જાણે કે હિંસા જ જણાય છે. એક પ્રાણી બીજા પ્રાણી પર નભતું હોય છે. તો કોઈને થાય કે ‘તો પછી આપણે મનુષ્યો પણ આહાર માટે પ્રાણીઓનું ભક્ષણ કરીએ તો તેમાંં ખોટું શું છે ?’ ઉત્તર એ છે કે આપણા આહાર માટે અન્ય પ્રાણીઓનો ભોગ લેવો એ જરા પણ યોગ્ય નથી.
કારણ કે, એક પ્રાણી પોતાના આહાર માટે બીજા પ્રાણીનો ભોગ લેતું હોય છે છતાં તે ક્રિયાને હિંસા નહીં કહેવાય, કારણ કે એ એની સ્વાભાવિક જરૂરિયાત છે. કોઈ પ્રાણી સ્વાર્થથી પ્રેરાઈને બીજાનો નાશ નથી કરતું. એ માત્ર પોતાની જરૂરિયાત પ્રમાણે જ હિંસા આચરતું હોય છે. કોઈ અનાવશ્યક હિંસા જગતમાં ક્યારેય થતી નથી. એક મનુષ્ય જ એમાં અપવાદ છે, અર્થાત્ મનુષ્ય અનાવશ્યક હિંસા કરી શકે છે અને મોટે ભાગે કરતો પણ હોય છે.
ભગવાને પર્યાવરણના સંતુલન માટે એવી એક સંવાદિતા રચી છે કે જગતનું ચક્ર નિયમિત ચાલ્યા કરે. એક પ્રાણી અન્ય પ્રાણીનો ભોગ લેતું હોય છે પરંતુ તેનો પોતાનો પણ ભોગ લેવાતો હોય છે. હરણ ઘાસ પર નભે તો હરણ વાઘ-વરુ જેવા હિંસક પ્રાણીઓનો ભોગ બનતું હોય છે, અર્થાત્ તેમને નભાવતું હોય છે. આમ, મનુષ્યેતર પ્રાણી, જીવ-જંતુ, વનસ્પતિ આ સર્વ કુદરત પર નભતાં હોય છે. વળી, કુદરતને નભાવતાં પણ હોય છે. પરંતુ મનુષ્ય આમાં અપવાદ છે ! ઈશ્વરે તેને બુદ્ધિ આપી છે જેની મદદથી તે કુદરતનાં પરિબળોને પણ નાથી શકે છે, પોતાને અનુકૂળ કરી શકે છે, પોતાના બચાવ માટે અને વળી અન્ય પર આક્રમણ કરવા માટે અનેક અસ્ત્ર-શસ્ત્રો પણ બનાવી શકે છે.
શું તમે આ વાંચ્યું: Not selfishness but seva: સ્વાર્થ નહીં, પણ સેવા: વિદિતાત્માનંદ સરસ્વતીજી
આ બધાને કારણે તેની શક્તિ અનેક ગણી વધી જાય છે અને પોતાનાથી ઘણા વધુ બળવાન અને હિંસક પ્રાણીઓને પણ તે કાબૂમાં રાખી શકે છે, પોતાનું પ્રયોજન સિદ્ધ કરવા માટે તેમનો ભોગ પણ લઈ શકે છે. તે અન્યને પોતાનો ભોગ બનાવી શકે છે જ્યારે તે કોઈનો ભોગ બનતો નથી. આથી સંતુલન જાળવવા માટે કુદરતની જે વ્યવસ્થા છે તે મનુષ્યને લાગુ પડતી નથી. તેનામાં સ્વાર્થ અને લોભવૃત્તિ હોવાને કારણે મનુષ્ય બિનજરૂરી હિંસા પણ કરતો હોય છે.
આથી કુદરતે જે સ્વતંત્રતા મનુષ્યને બક્ષી છે તેનો દુરુપયોગ થવાની બધી જ શક્યતા મનુષ્યમાં છે. મનુષ્યેતર પ્રાણીઓમાં આવી સ્વતંત્રતા ન હોવાને કારણે તેઓ તો પોતાને જરૂરી હોય તેટલો જ ભોગ લેતાં હોય છે, જ્યારે મનુષ્ય તો માત્ર જીભના સ્વાદ ખાતર પણ પ્રાણીઓનો ભોગ લેતો હોય છે.
જીવન ટકાવી રાખવા માટે જે હિંસા થાય, જેવી મનુષ્યેતર પ્રાણીઓ કરતાં હોય છે, તેનો ખરેખર તો અહિંસામાં જ સમાવેશ કરાવો જોઈએ, કારણ કે તેવી હિંસામાં કુદરતી સંતુલનનો ભંગ થતો હોતો નથી. માત્ર સ્વાદ કે સ્વચ્છંદથી પ્રેરાઈને જે હિંસા કરવામાં આવે, જે હિંસા (Violence) મનુષ્ય કરતો હોય છે, તેની હિંસામાં જ ગણતરી થવી જોઈએ, કારણ કે મનુષ્યનો સ્વાભાવિક આહાર તો વનસ્પતિ જ હોઈ શકે. તેનાથી તેને પૂરેપૂરું પોષણ મળી શકે છે અને તે જ તેની શરીરચના અને સ્વાસ્થ્યને અનુકૂળ છે. માટે માંસાહાર મનુષ્ય માટે હિંસા છે.
તો પછી વનસ્પતિનો આહાર કરવો તે હિંસા (Violence) ગણાય કે નહીં ?
જો જરૂરી માત્રામાં તે થતું હોય તો તેને હિંસા (Violence) ગણવી ન જોઈએ, કારણ કે જીવન ટકાવી રાખવા માટે તે અનિવાર્ય છે. પરંતુ જો ખોરાકનો વ્યય કરવામાં આવે કે સ્વાદથી પ્રેરાઈને જરૂર કરતાં વધારે માત્રામાં આહાર લેવામાં આવે તો તે હિંસા જ ગણાવી જોઈએ.
આમ, મનુષ્ય વનસ્પતિનો આહાર કરતો હોવાને કારણે તેના આહારમાં અને અન્ય જીવનવ્યવહારમાં પણ કાંઈક હિંસા તો થતી જ હોય છે. આપણે શારીરિક સ્તરે હિંસાને પૂરેપૂરી ટાળી ન શકીએ પરંતુ સાવધાનીપૂર્વક તેને અલ્પ તો કરી શકીએ અને તેમ કરવું એ આપણું કર્તવ્ય છે.

