Violence: હિંસાનું પ્રાયશ્ચિત્ત: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી
Violence: “Swami ji ni vani part-50”
Violence: આપણાં શાસ્ત્રો આ વસ્તુની નોંધ લે છે કે ગૃહસ્થના જીવનમાં કાંઈક હિંસા તો થવાની જ. જૂના જમાનામાં જ્યારે જીવન અત્યંત સરળ હતું ત્યારે પણ શાસ્ત્રોએ ગૃહસ્થજીવનમાં હિંસાનાં પાંચ સ્થાનો બતાવ્યાં છે : ખાંડણી, ઘંટી, ચૂલો, સાવરણી અને પાણિયારું.
અનાજ ઇત્યાદિ ખાંડતાં હિંસા (Violence) થવાની. એ જ પ્રમાણે ગમે તેટલી કાળજી રાખો છતાં ઘંટીએ દળાતું હોય ત્યારે પણ હિંસા થાય જ. ચૂલો કે સગડી સળગાવો તેમાં પણ હિંસા થવાની. લાકડામાં જીવજંતુ હોય, હવામાં જીવજંતુ હોય તે સળગી જવાનાં. પીવા માટેના પાણીને ઉકાળો તો તેમાં પણ હિંસા થાય જ, અથવા માટલું ખાલી કરીને નવું ભરો ત્યારે પાણિયારાની ઠંડકમાં રહેલાં જીવોની હિંસા થાય જ, અને આપણે ગમે તેટલું ધ્યાન રાખીને ઝાડુ કાઢીએ તો પણ તેમાંય નાનાં નાનાં જીવજંતુ નાશ પામવાનાં જ.
આમ, શાસ્ત્રો પાંચ પ્રકારનાં હિંસાનાં (Violence) સ્થાન બતાવતાં કહે છે કે આપણે નોંધ લેવી જોઈએ કે આપણે જીવીએ છીએ તે બીજાના ભોગે જીવતા હોઈએ છીએ અને આપણાં કર્મોમાં આ હકીકતની સભાનતા રખાવી જોઈએે કે, ‘બીજાનો ભોગ લઈ હું જીવતો હોઉં તો બીજાના પોષણ માટે પણ હું નિમિત્ત બનું’ અને આપણા વ્યવહારમાં આ ભાવના અભિવ્યક્ત થવી જોઈએ.
આ પાંચ પ્રકારની હિંસાના પ્રાયશ્ચિત્તરૂપે પ્રત્યેક ગૃહસ્થ માટે શાસ્ત્રોએ પાંચ પ્રકારના યજ્ઞોનું વિધાન કરેલું છે : બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, નૃયજ્ઞ અને ભૂતયજ્ઞ.
બ્રહ્મયજ્ઞ એટલે વેદનું અધ્યયન-પઠન-પાઠન. વેદનું અધ્યયન ન થાય તો ગીતા, ભાગવત, રામાયણ વગેરે ગ્રંથોનું અધ્યયન અને અધ્યાપન કરવું જોઈએ.
દેવયજ્ઞ એટલે દેવતાઓની પૂજા-પ્રાર્થના. સગડી સળગાવીએ ત્યારે અંગારા પર થોડું ઘી રેડી અગ્નિદેવતાને આહુતિ આપવી જોઈએ.
આ પણ વાંચો:- PM Visit Gandhi Ashram: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી
હિંસા (Violence): પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી
પિતૃયજ્ઞ અર્થાત્ પિતૃઓને માટે શ્રાદ્ધ, તર્પણ વગેરે થવાં જોઈએ.
નૃયજ્ઞ અર્થાત્ ભૂખ્યા, પીડિત મનુષ્યોની પણ અન્ન-વસ્ત્ર દ્વારા સેવા થવી જોઈએ. અગાઉ દરેક ઘરમાં એવો નિયમ હતો કે દરરોજ કોઈ એકાદ અતિથિ તો ઘરમાં જમે જ. કેટલાક તો એવો નિયમ રાખતા કે કોઈ એકાદ અતિથિને ન જમાડે ત્યાં સુધી પોતે ન જમે. આપણા દેશમાં એવાં ઘણાં કુટુંબો હતાં જેમાં ઘરના વડીલ બપોરે જમવાના સમયે ઘર બહાર નીકળીને બૂમ પાડે કે ‘કોઈ છે જમનારું ?’ કોઈ જમનાર ન મળે તો પોતે પણ ન જમે. આપણા ભોજનમાં કોઈકનો ભાગ તો હોવો જ જોઈએ. આપણે જે રાંધીએ તે બધું આપણે જ આરોગી જઈએ એવું ન હોવું જોઈએ.
પાંચમો છે ભૂતયજ્ઞ. આસપાસનાં નાનાં નાનાં જંતુઓ, પક્ષીઓ, પ્રાણીઓ કે પશુઓને પણ આપણા દ્વારા પોષણ મળવું જોઈએ. પ્રેમથી અન્નનો એક ભાગ બાજુએ કાઢવાનો જે ગાય, કૂતરા, ભિખારી વગેરે માટે રખાયો હોય. અગાઉના વખતમાં પોળના નાકે એક ચાટ રાખવામાં આવતી જેમાં ઘરમાં જે કાંઈ ખાવાનું વધ્યું હોય તે નાખવામાં આવે જેથી ગાયો, કૂતરાં કે અન્ય પ્રાણીઓ આવીને ખાય. હોળી-ધૂળેટીએ લોકો શીરો બનાવે અને ચાટમાં નાખે. ‘આપણે રોજ મિષ્ટાન્ન ખાતા હોઈએ તો એ એક દિવસ તો પશુ-પક્ષીઓ ખાય !’ કેવી સુંદર ભાવના છે ! પરબડીમાં દાણા નાખે જેથી પક્ષીઓ ખાય. આંગણામાં ચોખાના લોટથી સાથિયો પૂરે, જેથી કીડીઓને પણ કણ મળે. ઝાડની આસપાસ, જમીનની તિરાડોમાં, કીડીઓના દરમાં કીડીયારું પૂરે.
પચાસ વર્ષ પહેલાં જીવન એવું સીધું અને સાદું હતું કે લોકો કુદરતની સાથે સંવાદિતામાં રહી શકતા. આ સઘળા પાછળ એ ભાવના છે કે હું જે જીવું છું તેનેે માટે ઘણા બધાનો ઋણી છું. આ નાનાં નાનાં જીવજંતુ છે તેમને ભોગે હું જીવું છું, એ સભાનતા આપણા જીવનમાં અભિવ્યક્ત થવી જોઈએ. મારે તે માટે મારાં કર્મો દ્વારા, મારા વ્યવહાર દ્વારા પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ.

