સ્પોર્ટ્સ પર્સન એમ્પ્લોયમેન્ટ ગાઇડન્સ અંતર્ગત અમદાવાદ જિલ્લાના રમતવીરોને રોજગારી પ્રાપ્ત થશે

અહેવાલ: અમિતસિંહ ચૌહાણ
ગાંધીનગર, ૧૧ સપ્ટેમ્બર:રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારાઆગામી દિવસોમાં ગુજરાતના રમતવીરો/ ખેલાડીઓને રોજગારી પ્રદાન કરવાના આશયથી સ્પોર્ટ્સ પર્સન એમ્પ્લોયમેન્ટ ગાઇડન્સ એન્ડ એડવાઇઝરી સેન્ટર યોજના ૨૦૨૦-૨૧ અંતર્ગત તમામ જિલ્લામાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીઓ ખાતે સ્પોર્ટસ પર્સન એમ્પ્લોયમેન્ટ ગાઇડન્સ એન્ડ એડવાઇઝરી સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે. રમત ગમત વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી સી.વી. સોમ દ્વારા રાજ્યના દરેક રમતવીરને રોજગારી પ્રાપ્ત થાય તે હેતુથી મોટાપાયે આ યોજનાની અમલવારી કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જિલ્લાના રાજ્ય, રાષ્ટ્ર તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પદક વિજેતા ૧૮ થી ૩૦ વર્ષની વય ના ખેલાડીઓ / રમતવીરો કે જેઓ પાસે નોકરી નથી અને નોકરી કરવાની ઇચ્છા ઘરાવતા હોય તે રમતવીરોને આ સેન્ટર ખાતે પોતાના નામ, જન્મ તારીખ, આધારકાર્ડ નંબર, સરનામુ, મોબાઇલ નંબર, ઇમેઇલ એડ્રેસ, તેમજ શૈક્ષણિક લાયકાતો, મેળવેલ સિધ્ધીઓની માહિતી દર્શાવતું નિયત નમુના પત્રક જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, અમદાવાદ શહેર થી મેળવી સંપૂર્ણ આધાર સહ વિગતો સાથે ઉક્ત દર્શાવેલ સરનામે પરત કરવાનું રહેશે. આ ખેલાડીઓ/રમતવીરોને નોકરી મેળવવા માટે માર્ગદર્શન આપવામાં આવશે અને મદદરૂપ થશે.
અમદાવાદ જિલ્લામાં સ્પોર્ટ્સ પર્સન એમ્પ્લોયમેન્ટ ગાઇડન્સ એન્ડ એડવાઇઝરી સેન્ટર જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી, અમદાવાદ શહેર /ગ્રામ્ય, ૭ મો માળ રવિશંકર રાવળ કલા ભવન, લો ગાર્ડન બી.આર. ટી. એસ. બસ સ્ટેન્ડ પાસે, એલીસ બ્રીજ, અમદાવાદ ખાતે કાર્યરત કરવામાં આવેલ છે. જેથી જિલ્લાના ખેલાડીઓ/રમતવીરોને આ યોજનાનો મહત્તમ લાભ મેળવવા માટે જિલ્લા રમત ગમત અધિકારી શ્રી રાઠોડ દ્વારા એક યાદીમાં જણાવાયુ છે.
