Dhobi plant 3

કોવીડ વોર્ડને જંતુમુક્ત અને દર્દીઓને રોગમુક્ત કરવા પાયાની ભુમિકા ભજવતો કોવીડ-૧૯ હોસ્પિટલનો ધોબી પ્લાન્ટ

સોડિયમ હાયપોક્લોરાઈટ જેવા કેમિકલ દ્વારા કોરોના દર્દીઓની ૨૦૦થી વધુ બેડશીટ, રૂમાલ, ટુવાલ અને કવરનું નિયમિત થાય છે વોશિંગ

અહેવાલ:પ્રિયંકા પરમાર,રાજકોટ

રાજકોટ, ૧૧ સપ્ટેમ્બર સુક્ષ્મ અને નરી આંખે પણ ન જોઈ શકાય તેવા વાયરસો અને બેકટેરિયા વાયુવેગે બિમારીઓ ફેલાવાનું કામ કરતા હોય છે. આ કિટાણુઓનો ખાતમો કરવા માટે જો કોઈ અસરકારક પગલું હોય તો છે એ સ્વચ્છતા. જો દર્દીની આસપાસ સ્વચ્છ વાતાવરણ હશે તો તેના આરોગ્યમાં ઝડપથી સુધારો આવે છે. ત્યારે કોરોના દરેક દર્દીને સ્વચ્છ વાતાવરણ અને અલાયદી સુવિધા મળી રહે તે માટે સાથે રાજકોટ કોવીડ હોસ્પિટલ સમર્પિત ભાવ સાથે કામગીરી કરી રહ્યું છે. જેમાંની એક સુવિધા એટલે કોવીડ-૧૯ હોસ્પિટલના છઠ્ઠા માળે કાર્યરત ધોબી પ્લાન્ટ.

 કોઈપણ બિમારીથી સંક્રમિત થયેલ દર્દી મોટાભાગે હોસ્પિટલમાં તેને ફાળવેલ બેડ એટલે કે પથારીમાં સમય પસાર કરતો હોય છે. ત્યારે કોવીડ હોસ્પિટલના દરેક દર્દીને સ્વસ્છ બેડશીટ, ઓસીકું અને ચાદર, નેપકીન મળી રહે તેની ખાસ તકેદારી લેવામાં આવી રહી છે.

 આ સંદર્ભે કોવીડ હોસ્પિટલમાં ઈન્ફેકશન કંટ્રોલર તરીકે ફરજ બજાવતા ગામીભાઈએ ધોબી પ્લાન્ટની કામગીરી વિશે જણાવતા કહ્યું હતું કે, “સ્પર્શથી ફેલાતા કોરોના વાયરસને કાબુમાં લેવા માટે અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જેમાનું એક પગલું સ્વસ્છતાનું પાલન. કોરોના સંક્રમિત દર્દીઓ થકી આ જીવાણું ફેલાઈ નહીં અને જંતુમુક્ત થઈ જાય તે માટે હાઈપોક્લોરાઈટ અને પોટેશિયમ મેંગનેટ દ્વારા ૨૦૦ થી વધુ દર્દીઓની બેડશીટ, રૂમાલ, ટુવાલ, ઓશીકાના કવર અને ઓઢવાની ચાદરને નિયમિત પણે ધોવામાં આવે છે.”

loading…

 ધોબી પ્લાન્ટમાં પાયાની કામગીરી કરતાં ગિરિશભાઈએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, “૨૦૦ થી વધુ બેડશીટ અને ચાદરને લિફ્ટના માધ્યમથી છઠ્ઠા માળે લઈ જઈને તેને વોશ કરવામાં આવે છે. જરૂરી કેમીકલ દ્વારા વોશીંગ મશીનમાં બેડશીટ-ચાદરને વોશ કર્યા બાદ તેને ખુલ્લા તડકામાં સુકવીએ છીએ. દર્દી રોગમુક્ત થઈને ઘર પરત ફરી શકે તે માટે પી.પી.કીટ, માસ્ક, ગ્લોવ્ઝ પહેરીને રોજ જંતુયુક્ત ચાદર અને બેડશીટને જંતુમુક્ત કરીએ છીએ.”

 “જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા”ના મંત્રનું પાલન કરીને જંતુને વોશ કરીને કોરોના દર્દીઓની શારીરિક અને માનસિક સ્થિતીમાં જોશ પુરતા રાજકોટ કોવીડ હોસ્પિટલના ધોબી પ્લાન્ટની કામગીરી કાબિલેદાદ છે.