મુખ્યમંત્રીશ્રી એ નૂતન વર્ષમાં અંબાજી માતાજીના ભક્તિ ભાવ પૂર્વક દર્શન કરી શિશ ઝુકાવ્યું

CM Vijay Rupani At Ambaji Temple

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિક્રમ સંવત ના નૂતન વર્ષમાં અંબાજી માતાજીના ભક્તિ ભાવ પૂર્વક દર્શન કરી શિશ ઝુકાવ્યું

રાજ્ય અને દેશની સલામતી, સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારી માટે માતાજીને પ્રાર્થના કરી

અંબાજી, ૨૦ નવેમ્બર: મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભક્તિભાવપૂર્વક આદ્યશક્તિ મા અંબેના દર્શન અને પૂજા અર્ચના નૂતન વર્ષ માં આજે કર્યા હતા. માતાજીના દર્શન પૂજન કર્યા બાદ મુખ્યમંત્રીશ્રી એ મીડિયા સાથેની વાતચીતમાં પ્રજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે રાજ્ય અને દેશની સલામતી સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારીમાં ઉત્તરોત્તર વધારો થાય તેમજ કોરોના સંક્રમણ જલદીથી દૂર થાય સૌ કોઈ આ મહામારી થી મુક્ત થાય તે માટે માતાજીને પ્રાર્થના કરી છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે કોરોના સંક્રમણમાં થોડોક વધારો થયો છે ત્યારે લોકોને આરોગ્ય સેવાઓ પૂરતા પ્રમાણમાં અને સારી રીતે મળી રહે તે માટે તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનાવાઇ છે. લોકોની સલામતી અને સાવચેતીના ભાગરૂપે અમદાવાદમાં શનિ-રવિના દિવસો માં વીક એન્ડનો કર્ફ્યું નાખવાનો નિર્ણય લેવાયો છે.

CM Vijay Rupani At Ambaji Temple

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કોરોના સંક્રમણને પહોંચી વળવા છેલ્લા બે ત્રણ દિવસમાં રાજ્ય સરકારે મહત્ત્વના નિર્ણયો લીધા છે. તેમણે પ્રજાને અનુરોધ કરતા જણાવ્યું કે ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેત રહી ગાઇડલાઇનનું પાલન કરીએ. લોકોને માસ્ક પહેરવા તથા સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અને સેનેટાઈઝર કે સાબુથી વારંવાર હાથ ધોવા જેવી આદતો કેળવવા મુખ્યમંત્રીશ્રીએ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓના શિક્ષણના હિતને ધ્યાનમાં રાખી તારીખ ૨૩ નવેમ્બરથી ધોરણ ૯ થી ૧૨ અને કોલેજ શરૂ કરવાના હતા પરંતુ વર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઈ હમણાં કોઈ શાળા કોલેજ શરુ કરાશે નહીં.
અંબાજીના વિકાસ બાબતે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે અંબાજી મંદિરની ભવ્યતા તથા યાત્રિકોની સુવિધાઓમાં વધારો થાય તે માટે અંબાજી ડેવલપમેન્ટ ઓથોરિટી ની રચના કરવામાં આવી છે. જેનાથી આવનારા સમયમાં માળખાકીય સુવિધાઓ સહિત યાત્રી સુવિધાઓમાં ઉત્તરોતર વધારો કરીને અંબાજીનો વિકાસ ઝડપી બનાવાશે.

આ પ્રસંગે શ્રીમતી અંજલીબેન રૂપાણી, સાંસદ શ્રી પરબતભાઇ પટેલ, ધારાસભ્ય શ્રી શશીકાન્ત ભાઈ પંડ્યા, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ, કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અજય દહીયાા, એસ.પી.શ્રી તરૂણ દુગ્ગલ, આસી. કલેક્ટર શ્રી પ્રશાંત ઝીલોવા, અંબાજી ટ્રસ્ટના વહીવટદાર સુધેન્દ્રસિંહ ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *