Rain

Gujarat weather update: રાજ્યના આ વિસ્તારોમાં સૂસવાટાભેર પવન સાથે થશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Gujarat weather update: રાજ્યમાં લોકોને આવનારા 3થી 4 દિવસ સુધી ત્રેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે

અમદાવાદ, 21 માર્ચ: Gujarat weather update: રાજ્યમાં છેલ્લા અમુક દિવસથી ભારે પવન સાથે કરા અને વરસાદ પડી રહ્યો છે. માર્ચ મહિનામાં કાળઝાળ ગરમી પડવાની જગ્યાએ માવઠું પડતા લોકો પણ વિચારમાં પડી ગયા છે. દિવસ દરમિયાન લોકોને ત્રેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ રોગચાળો પણ વકરી રહ્યો છે.

માવઠાના કારણે ઊભા પાકને નુકસાન થતા ખેડૂતોને આર્થિક ભારણની ચિંતા સતાવી રહી છે. ત્યારે રાજ્યમાં વધુ 3 દિવસ માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ઉત્તર-દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રમાં માવઠાંની આગાહી

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં લોકોને આવનારા 3થી 4 દિવસ સુધી ત્રેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. હજુ 3 દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. વિભાગે જણાવ્યું કે, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં માવઠું પડવાની સંભાવના છે. જ્યારે સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં પણ આગામી 3 દિવસમાં વરસાદ પડવાની શક્યતા છે.

આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. જ્યારે રાજકોટ, પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છમાં પણ સૂસવાટાભેર પવન સાથે વરસાદની આગાહી છે. વિભાગે કહ્યું કે, રાજ્યમાં હજી ત્રણ દિવસ માવઠાની સ્થિતિ રહેશે. આ સાથે ભારે પવન અને ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આ સ્થળોએ વરસાદની વકી

હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, 23 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, જુનાગઢ, અમરેલી, પાટણ, પરોબંદર, ભાનવગર, મહેસાણા, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફુકાઈ શકે છે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદ વરસી શકે છે. વિભાગે જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આ સ્થળોએ વરસાદની વકી છે.

બીજી તરફ કેટલાક હવામાન નિષ્ણાતો મુજબ, 26થી 28 માર્ચના ફરી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. જણાવી દઈએ કે, હાલ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.

માહિતી મુજબ, પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દિલ્હી, પંજાબ, છત્તીસગઢ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ જેવા અનેક રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો: CM bhupendra patel listen to citizens presentations: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં રાજ્ય સ્વાગતમાં નાગરિકોની રજૂઆતો-પ્રશ્નો સાંભળશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો