National conference of nursing field: વીર નર્મદ યુનિવર્સિટી ખાતે નર્સિંગ ક્ષેત્રની નેશનલ કોન્ફરન્સ યોજાઈ
- નર્સિંગ એ ડૉકટર અને દર્દી વચ્ચે સેતુ બની માનવીયતા સાથે સેવા પ્રદાન કરનારૂ મહત્વનું ક્ષેત્રઃ કેન્દ્રીય મંત્રી આરોગ્ય ડૉ.ભારતી પવાર
- સુરતની સરકારી નર્સિંગ કોલેજના છાત્રોને કોર્સ બાદ મળતી ૧૦૦% રોજગારી અહીંની ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવે છે: સાંસદ પ્રભુભાઈ વસાવા
National conference of nursing field: વીર નર્મદ યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી ભારતી પ્રવિણ પવારના અધ્યક્ષસ્થાને નર્સિંગ ક્ષેત્રની નેશનલ કોન્ફરન્સ યોજાઈ
સુરત, 29 એપ્રિલઃ National conference of nursing field: સુરત નવી સિવિલ હોસ્પિટલ સ્થિત સરકારી નર્સિંગ કોલેજ અને ટ્રેઈન્ડ નર્સિસ એસોસિએશન ઓફ ઈન્ડિયા-સુરત(ગુજરાત બ્રાન્ચ)ના સંયુક્ત ઉપક્રમે વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી ભારતી પ્રવિણ પવારના અધ્યક્ષસ્થાને ‘નર્સિંગ અભ્યાસમાં આધુનિકરણ, નવા પડકારો અને નવીનીકરણ’ના વિષય પર નેશનલ કોન્ફરન્સ યોજાઈ હતી.
આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી ડૉ ભારતી પ્રવિણ પવારે નર્સિંગની વિશેષતા વિષે જણાવ્યું હતુ કે, નર્સિંગ એ ડૉકટર અને દર્દી વચ્ચે માધ્યમ બની માનવીયતા સાથે સેવા પ્રદાન કરનારૂ મહત્વનું ક્ષેત્ર છે. વૈશ્વિક મહામારી કોરોનાના વિકટ સમયમાં નર્સિંગ વિભાગની ઉત્કૃષ્ટ કામગીરીનું ઉદાહરણ આપી તેમણે દેશ અને વિશ્વમાં નર્સિંગ વિભાગના નોંધપાત્ર યોગદાનને બિરદાવ્યું હતું.
વધુમાં મંત્રીએ કોરોનાનો મક્કમતાથી સામનો કરી દેશવાસીઓને સુરક્ષિત રાખવાની ઉમદા કામગીરી બાદ વિશ્વફલક પર ભારતીય આરોગ્ય વ્યવસ્થાની ઉમદા ઓળખ પ્રસ્થાપિત થઈ છે એમ જણાવતા તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિ અને દેશના આરોગ્ય નિષ્ણાંતો પર તેમણે મૂકેલા વિશ્વાસને પરિણામે આજે સમગ્ર વિશ્વમાં ભારતીય તબીબો અને તબીબી સેવાઓની માંગ વધી રહી છે. જેને પહોંચી વળવા દેશના વિવિધ રાજ્યોમાં નવી તબીબી સંસ્થાઓ સ્થપાઈ રહી છે.
સાથે જ ‘ફિટ ઈન્ડિયા’ના સંકલ્પને સાકારિત કરવા નવી ૧૫૭ મેડિકલ કોલેજની સાથોસાથ એટલી જ નર્સિંગ કોલેજો સ્થાપવાનું પણ બજેટમાં નક્કી કરાયુ છે. જેના થકી ગુજરાતના ૫ શહેરોમાં નિર્માણ પામનારી નર્સિંગ કોલેજોમાં ૫૦૦ સીટોનો વધારો થશે એમ તેમણે જણાવ્યું હતું.
પવારે વધુમાં નર્સિંગ વિભાગમાં ફોરેન્સિક સાયન્સના અભ્યાસની વિશેષતાઓ પર ભાર આપતા જણાવ્યું હતું કે, નર્સને યોગ્ય ટ્રેનિંગ અને અભ્યાસની મદદથી ફોરેન્સિક સાયન્સનું જ્ઞાન આપી તબીબી ક્ષેત્રે વધુ સારા પરિણામો મેળવી શકાય છે. જે અંતર્ગત હાલ ગુજરાતમાં એક માત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ શરૂ છે.
આરોગ્ય ક્ષેત્રે નર્સિંગનું મહત્વ સમજાવતા સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું કે, સુરતની સરકારી નર્સિંગ કોલેજના છાત્રોને કોર્સ બાદ મળતી ૧૦૦% રોજગારી અહીંની ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવે છે. નર્સિંગ સ્ટાફ દર્દી સાથે પરિવારજનની ભાવના સાથે સેવાસુશ્રુષા કરે છે. કોઈ પણ ડૉક્ટર કે હોસ્પિટલની સફળતામાં નર્સિંગ સેવાઓનું સવિશેષ યોગદાન હોય છે.
તેમણે તબીબી ક્ષેત્રે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતની અગ્રિમતાનું મુખ્ય કારણ આરોગ્ય ક્ષેત્રે સરકાર દ્વારા થઈ રહેલા ભગીરથ પ્રયાસો કારણભૂત છે. એમ જણાવી સુરત નર્સિંગ એસોસિયેશનની અને નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલાની ઉત્કૃષ્ટ કામગીરીની પ્રશંસા કરી હતી. વડોદરાના સંગઠન પ્રમુખ ડો.વિજયભાઈ શાહ ટ્રેનરો તૈયાર કરી બીજા ૧ લાખ નર્સને ફોરેન્સિક સાયન્સનું જ્ઞાન આપી કેન્દ્ર અને રાજ્ય સરકારની મદદથી તાલીમબદ્ધ કરશે. જે તેમને મેડિકો લીગલ કેસીસમાં મદદરૂપ બનશે.
આ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના રજિસ્ટ્રાર ડૉ.પ્રજ્ઞા ડાભી અને કોર્પોરેટર કૈલાશબેન સોલંકીને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ બદલ મળેલા નેશનલ ફ્લોરેન્સ નાઇટિંગલ પ્રેસિડન્ટ ઍવોર્ડ બદલ મંત્રીએ સન્માનિત કર્યા હતા. આ વેળાએ મંત્રી અને મહાનુભાવોએ ડો.પરિમલ પટેલ અને ડો.ખુશ્બુ માંકડિયા લિખિત નર્સિંગ સ્ટડી માટે વિદ્યાર્થીઓને ઉપયોગી એવી ‘ગોલ્ડન બુક ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ’નું વિમોચન કર્યું હતું.
આ પ્રસંગે ઈન્ડિયન નર્સિંગ કાઉન્સિલના પ્રમુખ ડો.ટી.દિલીપકુમાર, નર્મદ યુનિ.ના વાઈસ ચાન્સેલર ડો.કિશોરસિંહ ચાવડા, ફેકલ્ટી ડિન મેડિસિન અને સિન્ડીકેટ મેમ્બર ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ, યુનિ. સિન્ડીકેટ મેમ્બર, આઈ.એમ.એ.ના જોઈન્ટ ડો.પારૂલ વડગામા, નવી સિવિલ આર.એમ.ઓ ડૉ કેતન નાયક મેડિકો લીગલ સ્ટડીસ-નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી-ગાંધીનગરના ડો.રાજેશ બાબુ, જોઇન્ટ સેક્રેટરી કે.એસ. ભારતી, વડોદરાના સંગઠન પ્રમુખ ડો.વિજયભાઈ શાહ, નર્સિંગ એસો.ના સભ્ય કિરણ દોમડીયા તેમજ સહિત મોટી સંખ્યામાં નર્સિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
