Kajal Oza Vaidya: યુવાનો અને સ્ત્રીઓ માટે ઈન્સ્પીરેશન એટલે કાજલ ઓઝા વૈદ્ય
Kajal Oza Vaidya: હું મોટાં ભાગે વ્યક્તિ વિશેષ પરિચય જે તે વ્યક્તિનાં જન્મદિવસે અને હયાત ન હોય તો એમની જયંતિ કે પુણ્યતિથિએ લખતી હોઉં છું પણ છેલ્લાં બબ્બે દાયકાથી વિદેશમાં સ્થાયી હોવાને કારણે એવું ભાગ્યે જ બને કે હું કોઈને પ્રત્યક્ષ મળી હોઉં અને એ વ્યક્તિ વિશેષ માટે મને મારાં અંગત સંસ્મરણો ટપકાવવાનો મોકો મળે સિવાય કે આવા વ્યક્તિ વિશેષ અહીંયા કોઈ કારણસર પ્રોગ્રામ માટે આવ્યા હોય અને એમને રૂબરૂ મળવાનું બન્યું હોય.
આજે એવા જ એક વ્યક્તિત્વ વિશે વાત કરવી છે જેમને હું અહીંયા રૂબરૂ મળી શકી અને નજીકથી જાણી શકી. વર્તમાન સમયમાં ગુજરાતી લિટરેચરનું બ્રાન્ડ નેમ. .. ખાસ તો યુવાનો અને સ્ત્રીઓ માટે ઈન્સ્પીરેશન એટલે કાજલ ઓઝા વૈદ્ય અને આજે એમના જન્મદિવસ પર સહુથી પહેલાં તો એમને અઢળક શુભેચ્છાઓ. મેં અગાઉ પણ ઘણી વાર કહ્યું છે કે દરેક યુગમાં એક કાજલબહેને તો જન્મ લેવો જ. ઈશ્વર એમને સદાય સ્વસ્થ રાખે અને દીર્ઘાયુ બક્ષે એ જ પ્રાર્થના. મેં અગાઉ એમના વિશે ઘણું લખ્યું છે વિડીઓમાં ઘણું કહ્યું છે પણ આજે મારે અમે સહુએ એમની સાથે ગાળેલાં અમૂલ્ય સંભારણા તાજા કરવા છે. ખાસ તો આવી સરસ તક અમારે અહીંયા સિડનીનાં આંગણે લઈ આવવા બદલ સ્પાઈસ એન્ટરટેઈન્મેન્ટનાં કિરણ દેસાઈ, સ્મૃતિ ભાભી અને આખી ટિમનો ખાસ આભાર માનું છું.
હવે હું અહીંયા સિડનીમાં મોટાં ભાગે આવા જાહેર કાર્યક્રમોમાં સંચાલન કરતી હોઉં એટલે એ કાર્યક્રમમાં કાજલબહેનનો પરિચય મારે આપવાનો હતો અને કાજલબહેનનો પરિચય આપવો એટલે સૂરજને દીવો ધરવા સમાન. એક એવું વ્યક્તિત્વ જે કોઈ પણ પ્રકારનાં પરિચયનું મહોતાજ નથી એ છતાંય એમના શ્રોતાગણ સમક્ષ એમના વૈવિધ્યસભર પાસાઓ ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે ત્યારે નહોતી ખબર કે પાછળથી કેટકેટલાં લોકો ખાસ મને મળી અને મારાં આ પ્રયત્નને બિરદાવશે અને આટલી સરાહના કરશે.
પણ આ તો હતી કાર્યક્રમની પૂર્વભૂમિકા પણ ખરી વાત હવે શરુ થાય છે. આ કાર્યક્રમમાં તો અમે ફક્ત એક લેખક કે વક્તા કાજલ બહેનને મળ્યા પણ એ પછી અમે એક વ્યક્તિ કાજલબહેન સાથે રૂબરૂ થયા. કાર્યક્રમ પત્યા પછી અમે કાજલબહેનને સિડનીનાં સુવિખ્યાત રેસ્ટોરેન્ટ બાવર્ચીમાં જમવા માટે લઈ ગયેલાં અને ત્યારથી એક વ્યક્તિ કાજલ બહેન સાથે વાતચીતનો દોર શરુ થયો. અલગઅલગ દેશોમાં ખાણીપીણીની વાતથી લઈને જમવાનું શરુ કર્યું ત્યારથી લઈને પત્યું ત્યાં સુધીમાં વાતો ખૂટી ખૂટે નહિ.
આ પણ વાંચો:- World Heart Day-2024: હૃદયરોગના દર્દીઓ માટે આશાની કિરણ બની યુ.એન. મહેતા હોસ્પિટલ
સ્ત્રીઓ અને યુવાનોનો બહોળો પ્રશંસક વર્ગ ધરાવતા કાજલ ઓઝા વૈદ્યનાં વાચકોમાં પુરુષોની સંખ્યા પણ બહુ વિશાળ અને નોંધનીય છે એ વાત અમને ત્યારે સમજાઈ પણ અને અનુભવાઈ પણ. કાજલબહેન ગુજરાતી ભાષાની નવી પેઢીનાં લેખકોમાં એક અલગ ફીનોમીના ઉભો કરી શક્યાં છે. એમનું લેખન પ્રામાણિક અને સ્પષ્ટ છે અને એ પોતે પણ વ્યક્તિ તરીકે એટલા જ પ્રામાણિક અને સ્પષ્ટ છે.
કોઈ દંભ કે આડંબર નહિ પોતે જેવા છે એ એવા જ અન્ય લોકો સમક્ષ રજુ થાય છે એ અમે એ દિવસે અનુભવ્યું. દરેક સફળ અને લોકપ્રિય વ્યક્તિ આ નથી કરી શકતી એ પણ અમે અહીંયા ઘણી વાર અનુભવ્યું છે અને એટલે જ એમની આ સરળતાં અમને બધાને સ્પર્શી ગઈ. એ દિવસે અને એ પછીના ૧-૨ દિવસ તેઓ સિડનીમાં રોકાવાનાં હતાં.
એ દરમ્યાન ફરી ૧-૨ વાર એમની સાથે સમય વિતાવવાનો મોકો મળ્યો ત્યારે ઘણા બધા અલગઅલગ મુદ્દાઓ અને વિષયો પર એમની સાથે વાતચીત કરવાનું બન્યું અને અમે હજી વધારે એમને જાણી શક્યા. એ દિવસે મને સમજાયું કે સમાજમાંથી જ મળી આવતા, પરંતુ આગવા લાગતા પાત્રો, પારદર્શક અભિવ્યક્તિ અને ક્રાંતિકારી વિચારોને કારણે એમની પાસે વિશાળ વાચક વર્ગ છે જેમાં તમામ ઉંમરનાં વાચકોનો સમાવેશ થાય છે.
તેમણે નવલકથાઓ, નવલિકાઓ, કવિતાઓ, નાટકો, નિબંધો, લેખો, અનુવાદો, ઘણુંઘણું લખ્યું છે. સ્ત્રીપુરૂષોનાં સંબંધો જેવા વિષય પર તો તેમની માસ્ટરી છે. એમણે ક્યારેય કોઈ ‘ક્રાંતિકારી મહિલા’ કે ‘ફેમિનિસ્ટ’નું લેબલ સ્વીકાર્યું નથી, પરંતુ સમાજનાં જડ અને સડી ગયેલા નિયમોને, કેટલીક માન્યતાઓને બદલવા માટે સતત અને સંનિષ્ઠ પ્રયાસ કરતા રહ્યા છે. સત્ય અને સ્પષ્ટતાથી લખાયેલા એમના લેખોમાં સમાજ માટે અરીસો છે અને સ્વયં પ્રત્યેની ઈમાનદારી પણ છે. એ જે બોલે છે એમના આચરણમાં પણ એ જ ઝળકે છે એ અમે પળેપળ અનુભવ્યું.
કોઈ પણ પ્રકારની ગૂંચવણ વગરનાં સ્પષ્ટ અને સ્વતંત્ર વિચારોને કારણે એમના વક્તવ્યો લોકપ્રિય છે. સાદી ભાષા છતાં હૃદયમાં ઉતરી જાય એવી સીધી વાત એમના વક્તવ્યોની ખાસિયત છે. પુરાણો, મહાકાવ્યો, ઈતિહાસથી શરૂ કરીને માનવીય સંબંધો, બાળઉછેર, શિક્ષણ કે આજનાં મહત્ત્વનાં સામાજિક અને રાષ્ટ્રીય મુદાઓ સહિત સાહિત્યનાં વિષયો ઉપર એમના વક્તવ્યો દેશમાં અને વિદેશમાં યોજાતા રહે છે. ‘માણસ’, ‘મન’ અને ‘જીવન’ એમના વક્તવ્યોનું હાર્દ રહ્યું છે. એમના વક્તવ્યો પછીની પ્રશ્નોત્તરી એના શ્રોતાઓ માટે સ્વયં સાથેનો સંવાદ શરૂ કરવાની એક નવી જ દિશા ઉઘાડી આપે છે.
એ દિવસે છુટાં પડ્યા પછી ફરીથી અમારે બધાએ હેમરાજ ભાઈ અને રશ્મિબહેનના ઘરે એમની મહેમાનગતિ માણવાની હતી જેનું આયોજન ખાસ કાજલબહેન માટે ગોઠવાયું હતું. એ દિવસે મને એમની સહજતા અને સરળતાં ખાસ સ્પર્શી ગઈ. એ દિવસે દાલ-બાટીનો ખાસ પ્રોગ્રામ રાખ્યો હતો. આટલી લોકપ્રિય વ્યક્તિ આમ આટલી સરળતાથી મારી બાજુમાં ઉભી રહીને આમ પોતાના હાથથી બાટીઓ બનાવી રહી હતી એ અમે સહુ ઘડીભર જોઈ રહ્યા. એટલું સરળતાથી એ અમારા બધા સાથે ભળી ગયેલા કે વાત ન પૂછો.
એમને જોઈને કોઈ કહી જ ના શકે કે આટલી સફળ અને લોકપ્રિય વ્યક્તિ આમ આટલું સરળ વર્તન કરી શકે. એ તો અમારા ખાસ મહેમાન હતાં એટલે એ કાંઈ પણ કરે એવી તો કોઈની અપેક્ષા જ ન હોય એ છતાં એ દિવસે એક પણ ક્ષણ એ પોતે ખાસ મહેમાન છે એવું એમણે અમને કોઈને પણ વર્તાવા નથી દીધું. એમને આ વાત એમના વક્તવ્યોમાં ઘણી વાર કહી હશે પણ અમે એ દિવસે જાતે અનુભવી. પોતાનું કામ એ જાતે જ કરવાનો આગ્રહ રાખે. ક્યાં શું બોલવું કે શું ન બોલવું એનું સંપૂર્ણ ભાન અને એ વિશેની એમની સજાગતા જ કદાચ એમને લોકપ્રિયતાનાં શિખરે બેસાડતી હશે.
એમણે જે પણ વાતો કરી કે એમના જે પણ વિચારો હતાં એ એકદમ સ્પષ્ટ હતાં. મને એમાં આત્મવિશ્વાસ ઝળકતો દેખાયો. ઘણી વાર આપણે આત્મવિશ્વાસ અને અહંકાર વચ્ચેની પાતળી ભેદરેખા ભૂલી જતા હોઈએ છીએ પણ અમે એમને ઘણા નજીકથી એ દિવસે ઓળખ્યાં એટલે હું કહી શકું કે કાજલબહેન એક કલા અને આત્મવિશ્વાસથી છલકતું પૂર્ણ વ્યક્તિત્વ છે. હા ! દરેકનો અંગત અભિપ્રાય વ્યક્તિ માટે અલગ હોઈ શકે પણ એટલું તો હું ચોક્કસ કહીશ કે જે પણ એમને નજીકથી ઓળખી શક્યા છે એ બધા જ મારી વાત સાથે સહમત થશે.
ફરીફરીને એક વાર આપના જન્મદિવસ પર આપને અઢળક શુભેચ્છાઓ..!! ઈશ્વર આપને સદાય આમ જ સ્વસ્થ અને કાર્યશીલ રાખે અને આપ આમ જ પ્રામાણિકતાથી લખતા રહો એવી શુભકામનાઓ..!! એમની સાથે વિતાવેલી યાદગાર પળોને અમે કચકડે કંડારી શક્યા એ વાતનો રાજીપો વહેંચું છું !!- વૈભવી જોશી
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો