Panna Naik

Panna Naik મા ને જન્મદિવસે વ્હાલભરી શુભેચ્છાઓ: વૈભવી જોશી

Panna Naik: Vaibhavi Joshi

Panna Naik: આશરે બે-ત્રણ વર્ષ પહેલાં એક દિવસ અચાનક મારાં ફોનની રિંગ વાગે છે. અજાણ્યો નંબર અને પાછું +૧ લખાઈને આવ્યું એટલે એટલી તો ખબર પડી કે ફોન કાં તો કેનેડા અથવા યુ.એસ.એ.થી હોવો જોઈએ. મેં જેવો ફોન ઉપાડ્યો એવો સામેથી જાણે ૧૮ વર્ષની કોઈ તરુણી એકદમ તાજગી ભર્યા તરવરાટ સાથે “સરપ્રાઈઝ” એવા શબ્દો કાને અથડાયાં. ઘડીભર તો એમ લાગ્યું કે કાળની ગતિ અટકી ગઈ. બધું જ જાણે સ્ટેચ્યુ કહી દીધું હોય અને ફ્રીઝ થઈ જાય એવો ભાસ થયો ઘડીક તો.

સામે છેડેથી અવાજ આવ્યો “હું પન્ના…” અને જાણે મારાં શ્વાસ થંભી ગયાં કેમ કે હજી ૨-૫ મિનિટ પહેલાં જ એમની સાથે મેસેજમાં વાત ચાલી રહી હતી અને હું મારી વર્ષોથી સાચવી રાખેલી લાગણીઓ અભિવ્યક્ત થયાનો રાજીપો અનુભવી રહી હતી. કેમકે મેં આટલા વર્ષો એમની અને એમની રચનાઓ સાથેનું મારું અનુસંધાન, એમના જ અવાજમાં સાચવી રાખેલી એમની સિગ્નેચર પોએમ્સ ને આવી બધી કેટલીય લહેરોની માફક ઉછાળા મારતી મારી લાગણીઓ અને મારાં અનુભવો હું એમની સાથે વહેંચી રહી હતી.

આ વાતનું અનુસંધાન જોડું એ પહેલાં એક પૂર્વભૂમિકા બાંધવાનું મન થાય છે. તમે જયારે પણ કઈંક લખો ત્યારે મારી દ્રષ્ટિએ એનાં થોડાંક પ્રકારો હોય છે. આ પ્રકારો કઈંક આવા છે કે તમારું લખાણ કોઈને ન પણ ગમે, કોઈને ઘૃણા કે તિરસ્કાર ઉપજે, કોઈને વાદવિવાદ કરવાનું મન થાય, કોઈને વળી ગમે, કોઈને સમજાય પણ ખરું, કોઈને વળી સ્પર્શે પણ ખરાં, તો વળી કોઈને હૃદય સોંસરવું ઉતરે અને અમુક લખાણો એવા હોય જે કોઈને કાળજે હંમેશને માટે કોતરાઈ જાય.

હવે ખરી વાત કહું કે તમે એક સર્જક માટે છેલ્લાં પ્રકારની અનુભૂતિ કરતાં હો કે જેમનું લખાણ તમારા હૈયે કાયમ માટે કોતરાઈ ગયું હોય એ કક્ષાનાં સર્જક જયારે મારાં લખાણને એમ કહે કે “મને ખૂબ જ ગમ્યું અને મેં માણ્યું” ત્યારે મારાં મનમાં જે આનંદની છોળો ઉડી રહી હતી એનું શાબ્દિક વર્ણન શક્ય નથી. આ બન્યું હતું ર.પા.ની જયંતિ વખતે મેં લખેલા લેખ પછી. ઘણા બધા વાચકો અને ભાવકોને એ લેખ ખૂબ ગમેલો પણ જયારે આ સર્જકે મને કહ્યું ત્યારે એને મારે પુરસ્કાર ગણવો કે આશિર્વાદ ગણવા એ હું નક્કી નહોતી કરી શકી.

હજી તો વાત કઈંક એવી હતી કે ર.પા.નાં લેખથી શરુ થયેલી વાતનાં અનુસંધાનમાં અમારી વાતચીતનો દોર લંબાયો અને વર્ષોથી ધરબી રાખેલી મારી લાગણીઓ અચાનક વિસ્ફોટ થાય એમ પ્રગટ થઈ રહી હતી. એમણે મારું ઈમેઈલ અને નંબર માંગ્યો અને મેં મારો નંબર આપેલો અને પહેલાં તો હું એમને મેસેજ કરીશ અને જો અનુકૂળતા હશે તો આવતી કાલે આ હસ્તી સાથે વાત કરવાની મને સુવર્ણ તક મળશે એવા સપના હું જોઈ રહી હતી એટલામાં તો મારો ફોન રણક્યો.

એ “સરપ્રાઈઝ..” શબ્દો ૧૮ વર્ષની તરુણી જેવા મને લાગ્યા ચોક્કસ હતાં પણ ખરેખર હતાં આજનાં દિવસે ૯૧ વર્ષ પૂર્ણ કરી રહેલા શ્રી પન્નાબેન નાયકનાં. અચાનક મને ફોન કરી સરપ્રાઈઝ આપવાની એમના અવાજમાં જે મસ્તી હતી, એ સુર, એ રણકો હજીય એવો જ કડક તોય મીઠો મધુરો અને ૯૦ ઉપર પહોંચેલી વ્યક્તિનાં અવાજમાં સામાન્ય રીતે જે થોડું કંપન હોય એનું તો નામોનિશાન નહિ.

હું તો એકદમ સ્થિર મુદ્રામાં સાવ અવાચક્. સહુથી પહેલાં તો મને એ ન સમજાયું કે એમને મારે સંબોધન શું કરવું. એટલે મેં સહજભાવે પૂછ્યું તો મને એટલી સરળતાથી કહ્યું કે, “એમાં શું પન્નાબેન કહેવાનું.” હવે ખરી મૂંઝવણ મેં કહ્યું કે, “મારાં નાનીમા પણ તમારા કરતાં ઘણા નાના એટલે વયમર્યાદા ઘણી એટલે મારાંથી પન્નાબેન તો નહિ સંબોધાય”. તો બીજી જ ક્ષણે પળભરનોય વિચાર કર્યા વગર કહે, “તો તારે મને મા કહેવાનું.”

અને પછી આંખોમાં અટકી ગયેલો પ્રવાહ બારે મેઘ ખાંગા થાય એમ વરસી રહ્યો. થોડીક ક્ષણોનું મૌન પણ બંને પક્ષે એકબીજાની લાગણીઓ સમજતું રહ્યું. મેં વાતવાતમાં કહેલું કે તમને જોઉં અને મને મારાં નાનીમા યાદ આવે. યોગાનુયોગ બંનેનો જન્મદિવસ પણ એક જ દિવસે ૨૮ ડિસેમ્બર એટલે કે આજે. એમની રમૂજવૃત્તિ પણ કેવી મને હસાવા માટે એમ પણ કહેલું કે, “હું કાંઈ એટલી બધી પ્રાચીન છું” અને હું ખડખડાટ હસી પડેલી.

Buyer ads

અને પછી તો જાણે એવા વાતોએ વળગ્યા કે ઘડીભર વયમર્યાદા પણ ભૂલી જવાઈ. જાણે બે સખીઓ લાંબા અંતરાલ પછી વાતોએ ન વળગી હોય. જાણે કેટલાંય વર્ષો એકસામટા વાગોળી લીધા. એમનું લખાણ કયારે ગમવાથી લઈને, સ્પર્શવાથી લઈને, હૃદય સોંસરવું ઉતરીને ક્યારે હંમેશને માટે કાળજે કોતરાઈ ગયું એની મને જ ખબર ન રહી. કદાચ એ અલગ કે અલ્લડ ઉંમરનો પ્રભાવ હશે. જેમ જેમ સમજણ આવતી ગઈ તેમ તેમ એમના લખાણનો પ્રભાવ વધતો ચાલ્યો.

એ પછી તો એમની સિગ્નેચર પોએમ્સ “કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ ટહુક્યા કરવાનું મને મંજુર નથી..” વિશે એટલી વિસ્તૃત ચર્ચા થઈ અને કેવી રીતે આ રચનાનો પ્રભાવ મારાં જીવનમાં પડ્યો. મેં મારાં અનેક વક્તવ્યોમાં આ રચના ઉદાહરણ રૂપે ટાંકેલી અને કેટલીય સ્ત્રીઓનાં જીવનમાં વણાંક આવ્યા હોવાની વાત જયારે મેં એમને કરેલી ત્યારે એ પણ વિસ્મય પામી ગયેલા. કદાચ એમને પણ નવાઈ લાગી હશે.

ત્યારે મેં એમને કહેલું કે, “ઘણીવાર સર્જક ને ધ્યાનમાં પણ નથી હોતું કે એમની તેજતર્રાર કલમ કેવી રીતે લોકોનાં જીવનમાં મહત્વનો વણાંક આણી શકે છે.” પછી તો અમે વાતોમાં એવા ખોવાયા કે મોબાઈલની બેટરી જાણે અમને ઢંઢોળીને કહેતી હોય કે હવે હું ગમે ત્યારે બંધ પડી જઈશ મને ઉર્જાની જરૂર છે. એટલે નછૂટકે એને ન્યાય આપવો પડ્યો. પણ આ મારાં જીવનનાં અમુક શ્રેષ્ઠ અનુભવોમાંનો એક તો ખરો જ.

આમ તો હું મોટાં ભાગે સર્જકનું આછું પાતળું જીવન ઝરમર ઉજાગર કરતી હોઉં પણ આવા પ્રસંગો બહુ ઓછા બને જેમાં મારાં અંગત સંસ્મરણો પણ ભળ્યા હોય એટલે આજે મા નાં જન્મદિવસે આ પ્રસંગ આપ સહુ સાથે વહેંચવાનું મન થઈ આવ્યું.

અને હા ! એ પ્રથા યથાવત ચોક્કસ રાખીશ અને હવે પછીનાં લેખમાં એક ઉમદા સર્જક શ્રી પન્નાબેન નાયકને ચોક્કસ મળીશું.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *