Amrit Ghayal: ગુજરાતી સાહિત્યમાં અને ગઝલોની દુનિયામાં ધ્રુવ સમ ઝળકતું નામ “અમૃત ઘાયલ”
Amrit Ghayal: ગુજરાતી સાહિત્યની ઘરેણાં સમી કૃતિ, સુંદર સ્વર અને કાજળભર્યા નયનનો ત્રિવેણી સંગમ એટલે મારી અતિ પ્રિય ગઝલ જે મેં ઘણી વાર દોસ્તોની મહેફિલમાં ગણગણી હશે,
કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.

આજ સુધી કોઈ એવો મુશાયરાનો કે ગીત-સંગીતનો કાર્યક્રમ નહિ હોય જે ઘાયલ સાહેબની આ રચના વગર પૂરો થયો હશે. અમૃત ઘાયલ સાહેબની કદાચ સૌથી પ્રસિદ્ધ ગઝલ અને એને બખૂબીથી સ્વરાંકન કરનાર મનહર ઉધાસનો મખમલી કંઠ. સુંદર નયનની વાત આવે એટલે સહજ જ કામણગારી આંખો માનસપટ પર તરવરી ઉઠે.

ગુજરાતી સુગમ સંગીતનાં કોઈ પણ ગાયકો એવા નહિ હોય જેમણે ઘાયલ સાહેબની ગઝલોથી ગીત સંગીતનાં જલસા ગજવ્યા ન હોય.
‘ઘાયલ’ને સાંભળ્યા પછી લાગ્યું બધાને,
જે આજ સાંભળી તે ખરેખર ગઝલ હતી.
“ઘાયલ” એટલે ગુજરાતી સાહિત્યમાં અને ગઝલોની દુનિયામાં ધ્રુવ સમ ઝળકતું નામ. ૨૫ ડિસેમ્બર ૨૦૦૨નાં રોજ એમણે આ ફાની દુનિયાને અલવિદા કહેલું. આજે એમની પુણ્યતિથિ નિમિત્તે એમને યાદ કર્યા વગર કેમ રહેવાય ?
ખુમારીનાં બાદશાહ એવા ‘ઘાયલ’ સાહેબે રાજકોટમાં પંડિત જવાહરલાલ નહેરુને મોઢામોઢ સંભળાવેલી એક રચનાની થોડીક પંક્તિઓ ટાંકુ છું.
મેલું ઘેલું મકાન તો આપો !
ધૂળ જેવું ય ધાન તો આપો !
સાવ જુઠું શું કામ બોલો છો ,
કોક સાચી જબાન તો આપો.
થોડો ઝાઝો હિસાબ તો આપો !
ખોટો સાચો જવાબ તો આપો !
ખુમારી ભેર પોતાના આગવા અંદાજમાં છડેચોક આ રચના ઘાયલ સાહેબ જ કહી શકે. ઘાયલ સાહેબનું આખું નામ અમૃતલાલ ભટ્ટ અને ઉપનામ ‘ઘાયલ’ હતું. એમનો જન્મ ૧૯ ઓગસ્ટ, ૧૯૧૬માં ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્ર વિસ્તારનાં રાજકોટ જિલ્લામાં આવેલા સરધાર તાલુકામાં થયો હતો. તેમની માતાનુ નામ સંતોકબેન અને પિતાનું નામ લાલજીભાઇ હતું.
આ પણ વાંચો:- Reliance Foundation: બનાસ ખેડૂત ઉત્પાદન કંપની, રિલાયન્સ ફાઉન્ડેશનના માર્ગદર્શનમાં ખેડૂતોની આજીવિકામાં મોટું પરિવર્તન
તેમણે વતન સરધારમાં જ સાત ધોરણ સુધીનું શિક્ષણ લીધું હતું. પછી રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી ૧૯૪૯માં મૅટ્રિક પાસ કર્યું હતું. તે જ વર્ષે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજમાં પ્રથમ વર્ષ બી.એ.(બેચલર ઓફ આર્ટસ)નો અભ્યાસ કર્યો. તેઓ ૧૯૩૯થી ૧૯૪૯ સુધી પાજોદ દરબાર ઈમામુદ્દીનખાન મુર્તઝાખાનનાં રહસ્યમંત્રી રહ્યા હતાં પણ રજવાડાઓનું વિલીનીકરણ થતાં નોકરી છૂટી ગઈ. ૧૯૪૯થી ૧૯૭૩ સુધી જાહેર બાંધકામ ખાતામાં વિભાગીય હિસાબનીશ તરીકે ફરજ બજાવી હતી. નિવૃત્તિ બાદ રાજકોટમાં જ સ્થાયી થયા હતા.
મુલાયમ ભાવોની સરળ અને અસરકારક અભિવ્યક્તિ એમની ગઝલની જાણીતી વિશેષતા છે. ગઝલમાં તળપદા ગુજરાતી શબ્દો લઇને આવનાર અને મુશાયરા ગજવનાર શાયર એટલે ઘાયલ સાહેબ. જીવન પરત્વેનો સ્વસ્થ અભિગમ એમાં જણાય છે. કોઈ પણ જાતનાં છોછ વગર હાથવગી તળપદી, કહેવત સ્વરૂપ, રૂઢિપ્રયોગ સ્વરૂપની ભાષા, છંદની શુદ્ધતા, રદીફનો નિશ્ચિત અન્ત્યપ્રાસ વગેરેમાં એમની ગઝલનો વૈભવ પ્રગટ થાય છે.
એમના સર્જનાત્મક કાર્યોની શ્રેણીમાં શૂળ અને શમણાં, રંગ, રૂપ, ઝાંય, અગ્નિ, ગઝલ નામે સુખનો સમાવેશ કરી શકાય. શૂળ અને શમણાં ગઝલસંગ્રહમાં સાદી અને સરળ ભાષામાં હૃદયનાં કોમળ ભાવો અસરકારક રીતે અભિવ્યક્ત થયા છે. પોતાના પ્રિયજન સાથેના મિલનની આતુરતા અને વિરહની વેદનાને વ્યક્ત કરતી આ ગઝલોમાં સૂફી રહસ્યવાદનો સ્પર્શ છે.
મુશાયરા દ્વારા લોકપ્રિય બનેલી કેટલીક ગઝલોમાં સ્વર-વ્યંજનની સંવાદી યોજનાથી સધાયેલું લય-માધુર્ય પણ નોંધપાત્ર છે. ફારસીને બદલે ગુજરાતી ભાષાની વિવિધ લઢણો અને રોજિંદી બોલચાલની ભાષાનાં શબ્દોનાં વિનિયોગથી ગુજરાતી રૂપ ધારણ કરતી આ ગઝલો પરંપરાથી ઘણી અલગ પડે છે.

જેમની ખુમારી વિશે એમની રચનાનો એક-એક શેઅર પોકાર કરતો હોય, એ કવિની વાત જ શું કરવી ? કાળને પણ જે છાતી ઠોકીને કહી શકે કે તું થાય તે કરી લે એવા અમૃત ઘાયલ સાહેબની એક દમદાર રચનાનાં થોડા શેઅર જોઈએ,
રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મુંઝાઇ મનમાં, મરી જવાના !
કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના ?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.
ઘાયલ સાહેબની આ રચના ખૂબ પ્રસિદ્ધ છે. શબ્દોને ભાવના ટાંકણે ટીચી ગઝલની મૂર્તિનું સર્જન કરનાર આ અનોખા શાયરની ખુમારી એમના એકેએક શેઅરમાંથી ટપકે છે. જીવનભર દર્દ સહન કર્યા પછી ‘હર્ષનો માર્યો મરી જાય તો કહેવાય નહીં’ કહીને એમણે હૃદયનું દર્દ કેટલી ખૂબીથી રજૂ કર્યું છે !
શોકનો માર્યો તો મરશે ન તમારો “ઘાયલ”
ખુશીનો માર્યો મરી જાય તો કહેવાય નહીં
ટોચ પર પહોંચવાનું જેટલું અઘરું હોય છે તેનાથી પણ વધુ અઘરું ટોચ પર ટકી રહેવાનું હોય છે. ટોચ પર પહોંચ્યા પછીની એ જાગૃતિ છેલ્લી પંક્તિમાં સાફ ઝળકે છે,
જોયા છે ઘણાંને મેં ‘ઘાયલ’, આ ટોચેથી ફેંકાઇ જતાં
એકાદ ઘડી આ તો એમ જ, આવીને મિનારે ઊભો છું
આવી તો એમની એક એક રચનાઓ વિશે જો લખવા બેસું તો એનો અંત જ ન આવે. આપણે ઘણી વાર કહેતા હોઈએ છે કે ‘તારા જેવા દોસ્ત હોય તો દુશ્મનોની શી જરૂર’ પણ એ જ વાત ઘાયલ સાહેબ કહે ત્યારે છેક અંદરથી ખળભળી જવાય,
ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા,
પણ દોસ્તોનાં હાથ તો ખંજર સુધી ગયા.
ઘાયલ સાહેબને આજે ખાલી એટલું જ કહેવું છે કે તમારા આ શેઅર માફક કાશ અમારી પાસે એવી કોઈ સંજીવની હોત કે તમને ફરીથી મુશાયરા ગજવતાં કરી શકીયે.
અમૃતથી હોઠ સૌના એંઠા કરી શકું છું
મૃત્યુનાં હાથ પળમાં હેઠા કરી શકું છું
મારી શાયરી એ સંજીવની છે “ઘાયલ”
પળમાં હું પાળીયાને બેઠા કરી શકું છું.
ગુજરાતી ગઝલકારોમાં શિરમોર એવા અમૃત ઘાયલ સાહેબને એમની પુણ્યતિથિ નિમિત્તે ભાવભરી સ્મરણાંજલિ..!!