Fake News Control: ફેક ન્યૂઝ રોકવા સરકારનો મોટો પગલું – મલ્ટિ-ટાયર મિકેનિઝમ લાગુ
Fake News Control: સરકારે ફેક ન્યૂઝને રોકવા માટે મલ્ટિ-ટાયર મિકેનિઝમ તૈનાત કર્યું; FCU, IT નિયમો અને મીડિયા રેગ્યુલેશન્સનો હેતુ માહિતીની વિશ્વસનીયતામાં સુધારો કરવાનો
PIB નું ફેક્ટ ચેક યુનિટ (FCU) સમયસર અને સચોટ જાહેર સંચાર સુનિશ્ચિત કરે છે
અમદાવાદ, 02 એપ્રિલ: Fake News Control: માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો હેઠળ એક ફેક્ટ ચેક યુનિટ (FCU) કાર્ય કરે છે. FCU કેન્દ્ર સરકારને લગતી ખોટી માહિતી (misinformation) અને ફેક ન્યૂઝની ઓળખ કરે છે. અધિકૃત સ્ત્રોતો પાસેથી સમાચારની સત્યતાની ચકાસણી કર્યા પછી, FCU સરહદી જિલ્લાઓ સહિત વ્યાપક પ્રસાર માટે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સાચી માહિતી પ્રકાશિત કરે છે.
ઓપરેશન સિંદૂર દરમિયાન, FCU એ ઓનલાઈન ફરતી ખોટી માહિતી અને ફેક ન્યૂઝની (Fake News Control) સક્રિયપણે ઓળખ કરી હતી. તેણે તાત્કાલિક ખોટા દાવાઓનું ફેક્ટ-ચેક કર્યું, અધિકૃત માહિતી પૂરી પાડી અને સચોટ જાહેર સંચાર સુનિશ્ચિત કર્યો. મંત્રાલયે ઓપરેશન સિંદૂર દરમિયાન ડિજિટલ મીડિયા પર 1,400 થી વધુ URLs ને બ્લોક કરવા માટેના નિર્દેશો પણ જારી કર્યા હતા. આ URLs ના કન્ટેન્ટમાં મુખ્યત્વે પાકિસ્તાન સ્થિત સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી ખોટા, ભ્રામક, ભારત વિરોધી સમાચાર કન્ટેન્ટ, કોમવાદી રીતે સંવેદનશીલ કન્ટેન્ટ અને ભારતીય સશસ્ત્ર દળો વિરુદ્ધ ઉશ્કેરણીજનક કન્ટેન્ટનો સમાવેશ થતો હતો.
Fake News Control: ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000 ની કલમ 69A હેઠળ, સરકાર ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા, ભારતનું સંરક્ષણ, રાજ્યની સુરક્ષા અને જાહેર વ્યવસ્થાના હિતમાં વેબસાઇટ્સ, સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને પોસ્ટ્સને બ્લોક કરવા માટે જરૂરી આદેશો જારી કરે છે.
આ પણ વાંચો:- Custom Duty Exemption: પેટ્રોકેમિકલ્સ પર કસ્ટમ ડ્યુટી મુક્તિ – સરકારનો મોટો નિર્ણય
ઉપરોક્ત સિવાય, સરકાર વિવિધ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ વૈધાનિક અને સંસ્થાગત પદ્ધતિઓ સાથે ફેક ન્યૂઝને રોકવા માટે તમામ સંભવિત પગલાં લે છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- પ્રિન્ટ મીડિયા: અખબારોએ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (PCI) દ્વારા લાવવામાં આવેલા “પત્રકારત્વના આચરણના ધોરણો” (Norms of Journalistic Conduct) નું પાલન કરવું પડે છે. આ ધોરણો, અન્ય બાબતોની સાથે, ખોટા/બદનક્ષીભર્યા/ભ્રામક સમાચારોના પ્રકાશનને રોકે છે. કાઉન્સિલ PCI એક્ટની કલમ 14 મુજબ, ધોરણોના કથિત ઉલ્લંઘનની તપાસ કરે છે અને કેસ મુજબ અખબાર, સંપાદકો, પત્રકારો વગેરેને ચેતવણી આપી શકે છે, ઠપકો આપી શકે છે અથવા નિંદા (censure) કરી શકે છે.
- ટેલિવિઝન: ટીવી ચેનલોએ કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ (રેગ્યુલેશન) એક્ટ, 1995 હેઠળના પ્રોગ્રામ કોડનું પાલન કરવું જરૂરી છે, જે અન્ય બાબતોની સાથે એવી જોગવાઈ કરે છે કે જેમાં અશ્લીલ, બદનક્ષીભર્યા, જાણીજોઈને ખોટા અને સૂચક કટાક્ષો (suggestive innuendos) અને અર્ધસત્ય હોય તેવું કન્ટેન્ટ પ્રસારિત ન થાય. કેબલ ટેલિવિઝન નેટવર્ક (એમેન્ડમેન્ટ) રૂલ્સ 2021, ટીવી ચેનલો દ્વારા કોડના ઉલ્લંઘન સંબંધિત ફરિયાદો જોવા માટે થ્રી-ટાયર ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમ પ્રદાન કરે છે. જ્યાં પ્રોગ્રામ કોડનું ઉલ્લંઘન જણાય ત્યાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે.
- ડિજિટલ મીડિયા: ડિજિટલ મીડિયા પર સમાચાર અને વર્તમાન બાબતોના પ્રકાશકો અને ઓનલાઈન ક્યુરેટેડ કન્ટેન્ટના પ્રકાશકો માટે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી (ઇન્ટરમીડિયરી ગાઇડલાઇન્સ એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) રૂલ્સ, 2021 (IT રૂલ્સ, 2021) આવા પ્રકાશકો દ્વારા આચારસંહિતા (Code of Ethics) ના ઉલ્લંઘન સંબંધિત ફરિયાદોના નિવારણ માટે ત્રણ સ્તરીય સંસ્થાગત પદ્ધતિ સાથે આચારસંહિતા પ્રદાન કરે છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલય કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ (રેગ્યુલેશન) એક્ટ, 1995 હેઠળ પ્રોગ્રામ કોડ અને એડવર્ટાઇઝિંગ કોડના પાલન માટે ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલોને સમયાંતરે એડવાઇઝરી પણ જારી કરે છે.
કમ્યુનિટી રેડિયો સ્ટેશનો (CRSs) સરહદી જિલ્લાઓ સહિત અધિકૃત, સમયસર અને સ્થાનિક રીતે સંબંધિત માહિતીના પ્રસારમાં મહત્વની ભૂમિકા ભજવે છે. કાર્યક્રમો સ્થાનિક સમુદાય માટે તાત્કાલિક સુસંગત હોવા જોઈએ જેનાથી સ્થાનિક ચિંતાઓનું નિરાકરણ આવે અને ખોટી માહિતીનો અસરકારક રીતે સામનો કરી શકાય. CRSs એ સ્થાનિક સમુદાયના સભ્યોની બનેલી એડવાઇઝરી અને કન્ટેન્ટ કમિટીની રચના કરવી જરૂરી છે, જેથી કમ્યુનિટી રેડિયો પર પ્રસારિત થતા કન્ટેન્ટ અંગે નિર્ણય લઈ શકાય. લક્ષિત પ્રેક્ષકોમાં બહેતર પહોંચ અને સમજણ સુનિશ્ચિત કરવા માટે કાર્યક્રમો પ્રાધાન્યમાં સ્થાનિક ભાષાઓ અને બોલીઓમાં પ્રસારિત કરવામાં આવે છે.
આ માહિતી આજે લોકસભામાં ઉમેદા રામ બેનીવાલ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન દ્વારા લેખિત જવાબમાં રજુ કરવામાં આવી હતી.
