PM Modi talk with Trump: પ્રધાનમંત્રી અને યુએસ રાષ્ટ્રપતિ વચ્ચેની ટેલિફોન વાતચીત અંગે વિદેશ સચિવનું નિવેદન
PM Modi talk with Trump: પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ G-7 સમિટ દરમિયાન મળવાના હતા. પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પને વહેલા અમેરિકા પરત ફરવું પડ્યું, જેના કારણે આ મુલાકાત થઈ શકી નહીં.
- આ પછી, રાષ્ટ્રપતિ ટ્રમ્પની વિનંતી પર બંને નેતાઓએ આજે ફોન પર વાત કરી હતી. આ વાતચીત લગભગ 35 મિનિટ ચાલી હતી.

નવી દિલ્હી, 18 જૂન: PM Modi talk with Trump: રાષ્ટ્રપતિ ટ્રમ્પે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પ્રધાનમંત્રી મોદી સાથે ફોન પર વાત કરીને શોક વ્યક્ત કર્યો હતો. તેમણે આતંકવાદ સામે પોતાનો ટેકો પણ જાહેર કર્યો હતો. આ પછી બંને નેતાઓ વચ્ચે આ પહેલી વાતચીત હતી.
તેથી, પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ઓપરેશન સિંદૂર વિશે વિગતવાર વાત કરી હતી.
આ પણ વાંચો:- Veraval-Gandhinagar train time table: વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેન હવે રાબેતા મુજબ દોડશે
પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે 22 એપ્રિલ પછી, ભારતે સમગ્ર વિશ્વને આતંકવાદ સામે કાર્યવાહી કરવાનો પોતાનો સંકલ્પ જણાવી દીધો છે. પ્રધાનનમંત્રી મોદીએ કહ્યું હતું કે 6-7 મેની રાત્રે, ભારતે ફક્ત પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી કેમ્પ અને ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ભારતની કાર્યવાહી યોગ્ય માપદંડવાળી, સચોટ અને બિન-આક્રમક હતી. ભારતે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે પાકિસ્તાન તરફથી કોઈપણ પ્રકારની આક્રમકતાનો સખત જવાબ આપવામાં આવશે.
9 મેની રાત્રે, ઉપરાષ્ટ્રપતિ વાન્સે પ્રધાનમંત્રી મોદીને ફોન કર્યો હતો. ઉપરાષ્ટ્રપતિ વાન્સે જણાવ્યું હતું કે પાકિસ્તાન ભારત પર મોટો હુમલો કરી શકે છે. પ્રધાનમંત્રી મોદીએ તેમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો આવી કોઈ કાર્યવાહી થશે, તો ભારત વધુ મજબૂત જવાબ આપશે.
9-10 મેની રાત્રે, ભારતે પાકિસ્તાનના હુમલાનો મજબૂત અને નિર્ણાયક જવાબ આપ્યો, જેના કારણે પાકિસ્તાની સેનાને ઘણું નુકસાન થયું હતું. તેમના લશ્કરી એરબેઝ નિષ્ક્રિય થઈ ગયા. ભારતની કડક કાર્યવાહીને કારણે, પાકિસ્તાનને લશ્કરી કાર્યવાહી બંધ કરવાની વિનંતી કરવી પડી હતી.
Foreign Secretary Vikram Misri announced that Prime Minister @narendramodi had a telephonic conversation with US President #DonaldTrump, which lasted approximately 35 minutes. During the discussion, PM Modi briefed President Trump about Operation Sindoor. @PMOIndia@MEAIndia pic.twitter.com/FlOerZFzd9
— SansadTV (@sansad_tv) June 18, 2025
પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન કોઈપણ સ્તરે ભારત-અમેરિકા વેપાર કરાર અથવા ભારત અને પાકિસ્તાન વચ્ચે અમેરિકા દ્વારા મધ્યસ્થી માટેના કોઈ પ્રસ્તાવ પર કોઈ ચર્ચા થઈ નથી. લશ્કરી કાર્યવાહી અટકાવવાની ચર્ચા બંને સશસ્ત્ર દળો વચ્ચેના વર્તમાન સંદેશાવ્યવહાર માધ્યમો દ્વારા સીધી ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ હતી અને પાકિસ્તાનની વિનંતી પર શરૂ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભારત મધ્યસ્થી સ્વીકારતું નથી અને ક્યારેય સ્વીકારશે નહીં. આ બાબતે ભારતમાં સંપૂર્ણ રાજકીય સર્વસંમતિ છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે પ્રધાનમંત્રી દ્વારા રજૂ કરાયેલા મુદ્દાઓને ધ્યાનથી સાંભળ્યા અને આતંકવાદ સામે ભારતની લડાઈને ટેકો વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ એમ પણ કહ્યું કે ભારત હવે આતંકવાદને પ્રોક્સી યુદ્ધ તરીકે નહીં પરંતુ યુદ્ધ તરીકે જુએ છે અને ભારતનું ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પૂછ્યું કે શું પ્રધાનમંત્રી મોદી કેનેડાથી પાછા ફરતી વખતે અમેરિકામાં રોકાઈ શકે છે. અગાઉથી પૂર્વ-નિર્ધારિત સમયપત્રકને કારણે, પ્રધાનમંત્રી મોદીએ તેમ કરવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી. બંને નેતાઓ નજીકના ભવિષ્યમાં મળવાના પ્રયાસો કરવા સંમત થયા હતા.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી મોદીએ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અંગે પણ ચર્ચા કરી હતી. બંને નેતાઓ સંમત થયા કે રશિયા-યુક્રેન સંઘર્ષમાં શાંતિ માટે બંને પક્ષો વચ્ચે સીધી વાતચીત જરૂરી છે અને તેને સરળ બનાવવા માટે સતત પ્રયાસો કરવા જોઈએ.
ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના સંદર્ભમાં, બંને નેતાઓએ તેમના દ્રષ્ટિકોણ શેર કર્યા અને આ ક્ષેત્રમાં ક્વાડની મહત્વપૂર્ણ ભૂમિકા માટે પોતાનો ટેકો વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને આગામી ક્વાડ સમિટ માટે ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આમંત્રણ સ્વીકાર્યું અને કહ્યું હતું કે તેઓ ભારતની મુલાકાત લેવા આતુર છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો