Swami ji ni vani part-44: ક્રોધથી મુક્તિ: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી
Swami ji ni vani part-44: જે વસ્તુમાં પરિવર્તન કરવાની શક્યતા નથી તેને પ્રસન્નતાપૂર્વક સ્વીકારી લેવી જોઈએ.

Swami ji ni vani part-44: ભગવાને ગુણ અને દોષના મિશ્રણમાંથી મનુષ્યને બનાવ્યો છે. જગતમાં એવી એકેય વ્યક્તિ નથી જેનામાં બધા ગુણ હોય કે જેની બધી જ વસ્તુ આપણને અનુકૂળ હોય. મનુષ્યમાં ઘણી બધી મર્યાદાઓ હોય છે જે દૂર કરવાનું સામર્થ્ય કે શક્તિ તેનામાં હોતાં નથી. એનો અર્થ એ કે જે છે તેથી ચલાવી લેવું. જૂના જમાનામાં નાની ઉંમરમાં જ લગ્ન થઈ જતાં. આથી એવું પણ બને કે પતિ પુષ્કળ ભણેલો હોય, મોટી પદવી ધરાવતો હોય જ્યારે તેની પત્નીને લખતાં-વાંચતાં પણ ન આવડતું હોય. બહારથી જોતાં જાણે એમ લાગે કે પતિ-પત્ની વચ્ચે કોઈ જાતનો મેળ નહીં હોય. છતાં તેઓ સુખેથી રહેતાં હતાં. જે વસ્તુમાં પરિવર્તન કરવાની શક્યતા નથી તેને પ્રસન્નતાપૂર્વક સ્વીકારી લેવી જોઈએ.
આપણા બધા સંબંધોમાં – પછી ભલે ને તે પતિ-પત્નીનો હોય, પિતા-પુત્રનો હોય, ગુરુ-શિષ્યનો હોય કે ભાઈ-ભાઈનો હોય – તે દરેકમાં સહનશીલતાની, ક્ષમાની, સ્વીકારની કે વિશાળતાની જરૂર રહે છે, કારણ કે જેની સાથે સંબંધ છે એ વ્યક્તિ સોએ સો ટકા આપણને અનુકૂળ હોય એવું ભગવાને બનાવ્યું જ નથી. પ્રત્યેક મનુષ્યમાં ગુણ અને દોષ સાથે જ રહેલા છે. ભગવાને ગુલાબ બનાવ્યું તેની સાથે કાંટા પણ આપેલા છે. એ ભગવાનની લીલા જ છે. એવી કોઈ વસ્તુ નથી જેમાં માત્ર ગુણો જ હોય અને કોઈ એવી પણ વસ્તુ નથી જેમાં માત્ર દોષો જ હોય. એવી કોઈ વસ્તુ સર્જાય જ નહીં, જેમ શુદ્ધ સોનામાંથી અલંકાર ન બની શકે તેમ.
આ સંજોગોમાં આપણે એવો આગ્રહ રાખીએ કે સામી વ્યક્તિએ બધી રીતે મને અનુકૂળ થવું જ જોઈએ તો તે બનવાનું નથી. હું માનતો હોઉં કે મારી પત્ની મને અનુકૂળ નથી, તો શું હું એને બધી જ રીતે અનુકૂળ છું ? મારામાં પણ એવા દોષો હશે જે પત્નીને ગમતા નહીં હોય; છતાં તે ચલાવી લે છે. પ્રકૃતિએ જ દોષો ઘડ્યા છે તો પછી સામેની વ્યક્તિને પ્રસન્નતાપૂર્વક અપનાવી લેવાની. આનું નામ ક્ષમા. ધારો કે સામેની વ્યક્તિ ક્રોધ કરે છે.
આ પણ વાંચો:- Swami ji ni vani part-43: ક્રોધનો ત્યાગ અતિ કઠિન: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી
જો આપણે તેને બદલી શકતા હોઈએ તો તે માટે પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ બદલી ન શકતા હોઈએ તો જે છે તે સ્વીકારી લેવું. જેમ બીજાનો સ્વભાવ આપણે બદલી શકતા નથી તેમ બીજો આપણો સ્વભાવ પણ ન બદલી શકે. ઘણી વાર મારી ઇચ્છા હોય તો પણ મારો સ્વભાવ હું બદલી શકતો નથી. તે જ રીતે સામેની વ્યક્તિની ઇચ્છા હોવા છતાં તે તેનો સ્વભાવ બદલી ન શકે એવું બને.
આમ, ગુણ અને દોષ, અનુકૂળતા અને પ્રતિકૂળતા જગતમાં સર્વત્ર એક સાથે રહેલાં છે. માટે, જેમ સિક્કાની બન્ને બાજુઓનો સાથે જ સ્વીકાર કરવો પડે છે તેવી જ રીતે દરેક પરિસ્થિતિમાં અનુકૂળતા અને પ્રતિકૂળતા બન્નેનો સાથે જ સ્વીકાર કરવો રહ્યો. એને કહે છે તિતિક્ષા. એનો અર્થ એવો નથી કે પરિસ્થિતિમાં ચૂપચાપ બેસી રહેવું અને મૂંગે મોંએ સહન કરી લેવું. પરિસ્થિતિ સુધારવા જરૂર પ્રયત્ન કરવો. ક્ષમાનો અર્થ એમ નથી કે વસ્તુ જેવી છે તેવી ચલાવી લેવી. એનો અર્થ એટલો જ છે કે ક્રોધ ન કરવો. પરિવર્તનની શક્યતા હોય તો જરૂર પ્રયાસ કરવો પરંતુ તેમાં સફળતા ન મળે અથવા તો પરિવર્તનની કોઈ શક્યતા જ ન હોય તો પરિસ્થિતિ જેવી છે તેવી તેનો સ્વીકાર કરી લેવો. પરિસ્થિતિ સમજવી અને એના ઉપર વિચાર કરવો.
આ પ્રમાણે કરતાં કરતાં કદાચ આપણે પરિસ્થિતિ સાથે સુમેળ સાધી શકીએ. માંકડ, મચ્છર, કૂતરું વગેરે આપણને કરડે તો તેેેેે આપણે ચલાવી લઈએ છીએ, કારણ કે આપણે જાણીએ છીએ કે તે તેમનો સ્વભાવ છે. પરંતુ પત્ની, પુત્ર, મિત્ર થોડા પણ આપણને પ્રતિકૂળ જણાય તો તે આપણે ચલાવી લેવા તૈયાર થતા નથી, કારણ કે આપણે પરિસ્થિતિ સ્વીકારવા તૈયાર નથી. જગતમાં હંમેશ કોઈ ને કોઈ સંબંધો બંધાતા રહે છે. ભાઈ, કાકા, મામા – સૌ સાથે જન્મથી જ બંધાયેલા છીએ. ઑફિસમાં પણ જાતજાતના માણસો સાથે સંબંધ બંધાતા રહે છે. આપણને સંબંધ ન બાંધવાની સ્વતંત્રતા પણ ઘણી વાર નથી હોતી.
ત્યારે, આપણે તે તે માણસોનો સ્વભાવ સમજીને તેમને સ્વીકારી લેવા અને તેમના દોષોને મનમાં માફ કરવા. એમની સામે ક્રોધ ન કરવો, દ્વેષ ન કરવો. આ છે પ્રસાદબુદ્ધિ અને આ જ છે ક્ષમા. ઈશ્વરની જે રચના છે તેને સ્વીકારી લેવી. આમ કરવાથી આપણને મનમાં દુઃખ થશે નહીં, નિરાશ થવાનું રહેશે નહીં. કોઈનો ક્રોધ બહાર દેખાતો હોય છે અને કોઈનો અંદર જ રહેતો હોય છે, પરંતુ ક્ષમાનો ગુણ કેળવવાથી આ ક્રોધ – બાહ્ય તેમ જ આંતરિક – બંનેમાંથી મુક્ત થઈ શકાય છે.