Banner Vaibhavi Joshi

Kevda trij Vrat: આજે જાણીએ ભાદરવા સુદ ત્રીજનાં દિવસે કેવડા ત્રીજનું વ્રત વિષે

Kevda trij Vrat: ગણપતિ બાપ્પાનું આગમન પણ જોરશોરથી કરવાની તડામાર તૈયારીઓ ચાલી જ રહી છે.

google news png

Kevda trij Vrat: શ્રાવણ માસમાં તહેવારોની હેલી બરાબર જામી હતી અને ઉત્સવ અને પર્વોની એ વણઝાર ભાદરવા મહિનામાં પણ યથાવત છે. એક બાજુ પર્વાધિરાજ પર્યુષણનું પર્વ પૂર્ણાહૂતિનાં આરે છે તો બીજી બાજુ ગણપતિ બાપ્પાનું આગમન પણ જોરશોરથી કરવાની તડામાર તૈયારીઓ ચાલી જ રહી છે. આજનાં દિવસની વાત કરું તો આપણા સનાતન ધર્મમાં ભાદરવા સુદ ત્રીજનાં દિવસે કેવડા ત્રીજનું વ્રત રાખવાની પરંપરા છે.

આ તિથિ અમારાં સિડનીનાં સમયાનુસાર આજે બપોરે ૪ઃ૫૧ મિનિટે પ્રારંભ થઈ અને આવતી કાલે સાંજનાં ૭ઃ૩૧ મિનિટે સમાપ્ત થશે. જો કે સૂર્યોદયની તિથિ માન્ય ગણાતી હોવાથી કેવડાં ત્રીજ આવતી કાલે ઉજવાશે અને સાથે વરાહ જયંતિ પણ ખરી. એ પછી ગણેશ ચતુર્થી, ઋષિ પંચમી, ધરો આઠમ એટલે કે રાધાષ્ટમી, પરિવર્તિની એકાદશી, વામન દ્વાદશી, અનંત ચતુર્દશી અને શ્રાદ્ધ પક્ષ જેવા પર્વોની વણથંભી વણઝાર તો ખરી જ.

આ એ દિવસ છે કે જ્યારે સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિનાં લાંબા આયુષ્ય માટે વ્રત રાખતી હોય છે અને ગૌરી શંકરની આરાધના કરી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરતી હોય છે. જ્યારે કુંવારિકાઓ પણ મનગમતાં વરની પ્રાપ્તિ માટે કેવડા ત્રીજનું વ્રત કરી મહાદેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. એવું પણ માનવામાં આવે છે કે, આ વ્રતનાં પ્રતાપે જ માતા પાર્વતીને મહાદેવની પતિ તરીકે પ્રાપ્તિ થઈ હતી.

ચાલો થોડું આ વ્રતનાં મહિમા વિશે જાણીયે. રાજસ્થાન અને ઉત્તર ભારતનાં કેટલાંક રાજ્યોમાં કેવડા ત્રીજનો અવસર હરિતાલિકા ત્રીજ તરીકે પણ ઉજવાય છે. કહેવાય છે કે દેવી પાર્વતીને એમના પૂજનમાં મદદ કરનાર એમની સખી હરિતાનાં નામ ઉપરથી આ વ્રત હરિતાલિકા વ્રત તરીકે ઓળખાય છે. જો કે ગુજરાતમાં તો આ વ્રત કેવડા ત્રીજ તરીકે જ પ્રસિદ્ધ છે. આ દિવસે શંકર અને પાર્વતીની શાસ્ત્રમાં બતાવેલ વિધિ મુજબ વિશેષ રૂપે પાર્થિવ પૂજા કરવામાં આવે છે. સ્ત્રીઓ આ દિવસે નિર્જળા ઉપવાસ કરે છે અને સાંજે વિધિપૂર્વક શિવ-પાર્વતીની પૂજા આરતી અને કેવડા ત્રીજ વ્રતની કથા સાંભળે છે.

આ પણ વાંચો:- Tarnetar Mela-2024: ગુજરાતના સૌથી મોટા ‘તરણેતરના મેળા’ 6 સપ્ટેમ્બરથી પ્રારંભ

એક પ્રચલિત કથા અનુસાર કેવડાનાં પુષ્પએ બ્રહ્માજીનાં જૂઠ્ઠાણામાં સાક્ષી પૂરી હતી અને એટલે જ મહાદેવે તેનો પૂજામાં અસ્વીકાર કર્યો હતો. પરંતુ, વર્ષમાં માત્ર આ એક જ દિવસે, એટલે કે ભાદરવા સુદ ત્રીજનાં દિવસે મહાદેવને કેવડાનું પાન અર્પણ કરવામાં આવે છે અને એટલે જ આ તિથિ કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે.

આપણે સહુ જાણીયે છીએ કે મહાદેવને પતિ તરીકે પ્રાપ્ત કરવા દેવી પાર્વતીએ તેમના જીવન દરમિયાન અનેક આકરાં તપ કર્યા છે. પણ એવું માનવામાં આવે છે કે આ તપમાંથી ભાદરવા સુદ ત્રીજનાં રોજ દેવીએ કરેલું એક વ્રત મહાદેવનાં હૃદયને સ્પર્શી ગયું અને તેમણે દેવીનો પત્ની તરીકે સ્વીકાર કર્યો. આ વ્રત એટલે જ કેવડા ત્રીજ. આ વ્રતનું વર્ણન શિવ-પાર્વતીનાં સંવાદનાં રૂપમાં ભવિષ્ય-પુરાણનાં ઉત્તરભાગમાં મળી આવે છે.

પૌરાણિક કથાઓ અનુસાર એક વખત ભગવાન શિવ અને પાર્વતી વાતો કરી રહ્યાં હતાં. ત્યારે વાતવાતમાં દેવી પાર્વતીએ પુછ્યું કે, “હે ભોળાનાથ દક્ષ પ્રજાપતિનાં યજ્ઞમાં મારા દેહની આહુતિ આપ્યાં પછી જ્યારે મેં ફરીથી અવતાર ધારણ કર્યો ત્યારે તમને પામવા માટે મે કયું વ્રત કર્યું હતું તેની તમને જાણ છે?

ત્યારે ભોળાનાથે કહ્યું, “હે દેવી ! તો સાંભળો… બીજો અવતાર ધારણ કર્યો પછી તમે નાનપણથી જ મારું રટણ કરતાં હતાં. એક વખતે નારદમુનિએ તમારા પિતા હિમાલયની આગળ મારી ખૂબ જ પ્રશંસા કરી ત્યારે તમે મનોમન ખૂબ જ ખુશ થયાં હતાં. પરંતુ નારદજીએ તમારાં લગ્ન વિષ્ણું ભગવાન સાથે કરવા કહ્યું હતું ત્યારે તમે નારદ પર ખૂબ જ ગુસ્સે થયાં હતાં.

તમારાં પિતા જ્યારે તમારા વિવાહ વિષ્ણુ સાથે કરવાનો વિચાર કરી રહ્યાં હતાં ત્યારે તમે મનોમન ખૂબ જ મુંઝાયા અને તે મુંઝવણ દૂર કરવા માટે તમે તમારી સખી સાથે વનમાં ચાલ્યાં ગયાં હતાં. વનમાં તમે એક માટીનો ઢગલો જોયો અને બાળકની જેમ તમે તે માટીનાં ઢગલાં સાથે રમવા લાગ્યાં હતાં. તમારું રોમે રોમ મારું રટણ કરતું હોવાથી તમે બેધ્યાનપણે મારું શિવલીંગ બનાવી દીધું હતું અને ત્યાર બાદ તમે વનમાંથી કેવડો અને બીજા વનફૂલો તેમજ અન્ય વનસ્પતિ લાવીને મને ખૂબ જ ભાવપૂર્વક ચડાવ્યાં હતાં.

તે દિવસે ભાદરવા માસની અજવાળી ત્રીજ હતી. વળી તે દિવસે તમે આખો દિવસ કાંઇ પણ ખાધા પીધા વિના નકોરડો ઉપવાસ કર્યો હતો. પાણી પણ પીધું નહોતુ. આમ તો મને કેવડો નથી ચડતો પરંતુ તમે ખૂબ જ ભાવમાં આવીને મને તે દિવસે કેવડો ચડાવ્યો હતો. તેથી હું તમારાં પર પ્રસન્ન થયો હતો અને તમને વરદાન માંગવા કહ્યું હતું. ત્યારે તમે કહ્યું હતું કે, હે ભોળાનાથ ! જો મેં ખરાં ભાવથી તમારી ભક્તિ કરી હોય અને રોમેરોમથી તમારું જ રટણ કર્યું હોય તો તમે જ મારા પતિ બનો અને મેં તમને તથાસ્તું કહી દીધું હતું.

BJ ADS

તમે આખી રાત જાગવાને કારણે અને ભુખને કારણે ખૂબ જ થાક્યા હોવાથી સુઈ ગયાં હતાં. જ્યારે તમારાં પિતા તમને શોધતાં-શોધતાં તમારી પાસે આવ્યાં ત્યારે તમને જંગલમાં સુતાં જોઈને તેઓ ખુશ થયાં હતાં અને તમને પોતાની સાથે આવવા માટે કહ્યું ત્યારે તમે વિના સંકોચે તેઓને કહી દીધું હતું કે તમે શુધ્ધ મનથી મને વરી ચુક્યાં છો.

હે દેવી ! તમે અજાણતાથી કેવડાં વડે મારી પૂજા કરી હતી અને આખો દિવસ ઉપવાસ કર્યો હતો. તે વ્રતનાં પ્રભાવથી તમારાં પિતા માની ગયાં હતાં અને તમારાં લગ્ન મારી સાથે કરાવી આપ્યાં હતાં. હે દેવી ! આમ તો મારી પૂજા બિલિપત્રથી જ થાય છે પરંતુ જે દિવસથી તમે કેવડો ચડાવ્યો ત્યારથી કેવડો પણ મને પ્રિય છે અને ભાદરવા માસની અજવાળી ત્રીજે જે કોઇ ભુખ્યાં પેટે અને પ્રસન્ન ચિત્તથી કેવડાં વડે મારી પૂજા કરશે તેના બધા જ મનોરથ પુર્ણ થશે.”

આ કેવડાં ત્રીજનું વ્રત જેવું દેવી પાર્વતીને ફળ્યું એવું સહુને ફળે એવી આશા સહ કેવડાં ત્રીજની મારાં તરફથી અઢળક શુભેચ્છાઓ..!!- વૈભવી જોશી

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો