Swami Viditatmananda Saraswatiji 1

Self-Control: ક્ષમા અને તિતિક્ષાનું મહત્ત્વ: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

Self-Control: આ જગતમાં માનવીને દુઃખી કરતી બે વસ્તુ હોઈ શકે : એક તો બાહ્ય પરિસ્થિતિ અને બીજી આંતરિક પરિસ્થિતિ. આપણે સમજવું જોઈએ કે બાહ્ય પરિસ્થિતિ માનવીને દુઃખી કરતી નથી. દુઃખી કરે છે આંતરિક પરિસ્થિતિ, આપણા મનની વૃત્તિઓ. આપણા મનમાં જે પ્રત્યાઘાતી, જે નિષેધાત્મક વૃત્તિઓ જેવી કે મોહ, લોભ, માત્સર્ય વગેરે ભરાયેલી પડી છે તે જ આપણા દુઃખનું કારણ બનતી હોય છે.

એ પ્રત્યે સજાગ બની તેમાંથી મુક્ત થવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. આ આંતરિક સ્થિતિ ઉપર આપણો કાબૂ હોઈ શકે, હોવો જોઈએ. તેથી અંતરના આવેગો ઉપર કાબૂ મેળવવાનો, પ્રભુત્વ પ્રાપ્ત કરવાનો ર્નિણય આપણે કરવો જોઈએ. એમ જો થાય તો આપણે દુઃખી થતા અટકીએ.

બહારની પરિસ્થિતિ ઉપર આપણો કાબૂ મોટે ભાગે હોતો નથી અને મેળવી શકાતો નથી. અપમાન કરવાનો કોઈનો સ્વભાવ હોય અને તેથી કોઈ જાણી જોઈને આપણું અપમાન કરે ત્યારે શું કરવું ? એવા સંજોગોમાં આપણી પાસે એક ઘણી જ પ્રેરક અને મૂલ્યવાન ભાવના છે અને તે છે ક્ષમા. ઘણી વાર આપણને અન્યાય થઈ રહ્યો હોય, જાણી જોઈને આપણને નીચા પાડવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય, કોઈ વાંક ન હોવા છતાં આપણને સજા થતી હોય, કોઈની આપણા પ્રત્યે યોગ્ય વર્તણૂક ન હોય, યોગ્યતા પ્રમાણેના વળતરથી આપણને વંચિત રાખવામાં આવતા હોય તેવા સંજોગોમાં શું કરવું ? બાહ્ય પરિસ્થિતિ જ્યારે અનુકૂળ ન હોય ત્યારે યોગ્ય તો એ છે કે દ્વેષ, ક્રોધ કે ઈષ્ર્યાના પ્રતિભાવમાંથી મુક્ત રહેવું, કારણ કે ક્રોધ કે દ્વેષના આવેગમાં આપણે જે કાંઈ કરીશું તે કર્મ બરોબર નહીં હોય.

કહેવાય છે કે એક મુસ્લિમ પયગંબર પોતે સંત હોવા છતાં એમને એવાં પરિબળોનો સામનો કરવો પડ્યો કે અંતે યુદ્ધ કરવાની નોબત આવી પડી. યુદ્ધમાં બન્ને મુખ્ય પ્રતિસ્પર્ધીઓ આમનેસામને આવી ગયા. સંતે સામાવાળાને મહાત કર્યો અને તેઓ તેની છાતી પર ચઢી બેસી તેને મારી નાખવાની તૈયારીમાં જ હતા. ત્યાં જ જેને મહાત કરવામાં આવ્યો હતો તે દુશ્મન તેમના ઉપર થૂંક્યો. સંત ઊભા થઈ ગયા અને શત્રુને છોડી દીધો. સંતને પૂછવામાં આવ્યું કે, ‘આમ કેમ કર્યું ?’ ત્યારે સંતે કહ્યું : ‘હું એને મારી શક્યો હોત, પણ પછી જ્યારે તે મારા ઉપર થૂંક્યો ત્યારે મને એકદમ ક્રોધ ચડ્યો. પરંતુ તરત જ મને ભાન થયું કે હું ક્રોધના આવેગમાં આવીને એના પર શસ્ત્ર ઉગામવાનો હતો. ક્રોધના આવેગમાં કાંઈ પણ થાય તે ખોટું થાય. આવેગ ચાલ્યો ગયો અને મેં એને છોડી મૂક્યો.’

આમ, કર્મ આવેગથી નહીં પરંતુ વિવેકથી થવું જોઈએ. રાગ, દ્વેષ, ક્રોધ, ઈષ્ર્યા વગેરેના આવેગમાં જે કર્મ થાય છે તે કર્મ નથી પરંતુ પ્રતિકાર છે, પ્રત્યાઘાત છે. નાટકમાં બે જણને અમુક વેશ ભજવવાનો હતો. એક જણ બીજા પાસે ભીખ માગી રહ્યો છે અને બીજો એના પર ગુસ્સે થઈને એને લાફો મારી દે છે. પેલા ભિખારીએ પ્રતિકાર કર્યા વગર ચૂપચાપ ત્યાંથી ચાલ્યા જવાનું છે. આ રીતે પાઠ ભજવવાનું નક્કી થયેલું છે. પરંતુ નાટક દરમ્યાન રંગમંચ ઉપર જેવો પેલાએ લાફો માર્યો કે ભીખ માગનાર અભિનેતાનો પિત્તો ગયો. એણે સામો જોરદાર લાફો લગાવી દીધો જેના પરિણામે બીજો અભિનેતા ભોંય પર પડી ગયો.

આ પણ વાંચો:- Violence: હિંસાનું પ્રાયશ્ચિત્ત: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

તુરત જ નાટકનો પડદો પાડી દેવા પડ્યો. કેમ ? ભિખારીનો વેશ ભજવનાર અભિનેતાએ ક્રોધના આવેગમાં બીજો સામો લાફો લગાવી દીધો હતો, જે નાટકની સ્ક્રિપ્ટમાં ન હતું. આ તેની ‘એક્ટિંગ’ ન કહેવાય; તે ‘રિએક્ટિંગ’, પ્રત્યાઘાત કહેવાય.
જીવનમાં આવેગોને કારણે આપણે કાંઈ કેટલાયે પ્રત્યાઘાતો આપી બેસતા હોઈએ છીએ, અયોગ્ય કર્મ કરી બેસતા હોઈએ છીએ, આપણો વેશ યોગ્ય રીતે ભજવતા હોતા નથી. પતિને પત્ની સામે, પત્નીને પતિ સામે, મિત્રને મિત્ર સામે, ભાઈને ભાઈ સામે આપણે પ્રત્યાઘાતરૂપી વર્તાવ કરતા જોઈએ છીએ, અયોગ્ય વર્તાવ કરતા જોઈએ છીએ.

ક્રોધ, તિરસ્કાર વગેરે આવેગો અંદર ઊઠતા હોય ત્યારે આપણી ભાવના કેવી હોવી જોઈએ ?
ક્ષમાની.
પ્રતિકાર કરવાનું સામર્થ્ય હોવા છતાં પણ પ્રતિકાર ન કરવો એનું નામ ક્ષમા અને સ્વેચ્છાથી, સ્વસ્થતાથી સહન કરી લેવું એનું નામ તિતિક્ષા.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો