sharad poonam

Sharad Poonam: પૂનમની પ્યારી પ્યારી રાત, મારી પ્રિતમ સાથે છે મુલાકાત…

Sharad Poonam: હે શરદ પૂનમની રાતડી જી રે અને ચાંદો ઊગ્યો છે આકાશ... અરે ! પણ સરખે સરખી સાહેલડી.. અરે ! વળી રમ્યા એ પૂરી રાત… ઓ.. પૂનમની પ્યારી પ્યારી રાત, મારી પ્રિતમ સાથે છે મુલાકાત આજ તું ના જાતી.. આજે જો સરખી સહિયરોનાં મનમાં આ ગીતો સવારથી ગુંજતા ન હોય તો જ નવાઈ અને કેમ ન હોય ?

પંચાંગ અનુસાર આજે પૂર્ણિમાની તિથિ છે અને આ પૂર્ણિમાની તિથિ એટલે શરદ પૂર્ણિમા. શરદ પૂનમ એટલે મનને પ્રફુલ્લિત કરવાની ઋતુ. કુદરતની કવિતાનું અનુપમ સૌંદર્ય એટલે શરદ પૂનમ અને એમાંય કવિઓની તો મનગમતી ઋતુ. શરદ પૂર્ણિમા (Sharad Poonam)અશ્વિન મહિનાનાં શુક્લ પક્ષની પૂર્ણિમાનાં રોજ ઉજવાય છે. આ તિથિની સાથે ઘણી બધી પૌરાણિક માન્યતાઓ જોડાયેલી છે.

આ દિવસે માતા લક્ષ્મીની વિશેષ પૂજા પણ કરવામાં આવે છે. આ દિવસે વ્રત કરી અને રાત્રે ૧૨ વાગ્યા બાદ ખુલ્લાં આકાશમાં ખીર રાખવાની પરંપરા છે. માન્યતા છે કે આ પૂનમની રાત્રે આકાશમાંથી અમૃત વરસે છે. એટલા માટે બહાર ખીર રાખવામાં આવે છે જેથી તેમાં અમૃત વર્ષા થાય.

Sharad Poonam, Vaibhavi Joshi

શરદ પૂનમને લઇને બીજી અન્ય માન્યતાઓ પણ છે. ચંદ્ર એટલે પૂર્ણતાનું પ્રતિક. શ્રીમદ્ ભાગવતનાં દશમ સ્કંદમાં આવે છે કે શરદ પૂનમની રાત્રે કૃષ્ણ ગોપીઓ સાથે મહારાસ રમ્યાં હતા. આ પૂનમની રાત્રે ભગવાન કૃષ્ણે એવી વાંસળી વગાડી હતી કે તમામ ગોપીઓ તેમની તરફ આકર્ષિત થઇ હતી. શરદ પૂનમની આ રાતને ‘મહારાસ’ અથવા ‘રાસ પૂર્ણિમા’ પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે આ રાત્રે દરેક ગોપી માટે ભગવાન કૃષ્ણે એક-એક કૃષ્ણ બનાવ્યાં અને આખી રાત આ જ કૃષ્ણ અને ગોપીઓ રાસ રમતા રહ્યા, જેને ‘મહારાસ’ કહેવામાં આવે છે.

શરદ પૂનમને લઇને એક અન્ય માન્યતા અનુસાર આ રાત્રીનાં મા લક્ષ્મીએ આકાશમાં વિચરણ કરતાં કહ્યું હતું કે ‘કો જાગ્રતિ’. સંસ્કૃતમાં ‘કો જાગ્રતિ’ નો અર્થ છે ‘કોણ જાગે છે ?’. માનવામાં આવે છે કે જે પણ શરદ પૂનમનાં દિવસે અને રાત્રે જાગતાં રહે છે, માતા લક્ષ્મી તેમના પર પોતાની ખાસ કૃપા વરસાવે છે. આ માન્યતાને કારણે જ શરદ પૂનમને ‘કોજાગર પૂર્ણિમા’ પણ કહેવામાં આવે છે. તો વળી એક માન્યતા મુજબ આ દિવસે લક્ષ્મીજી આખી રાત્રી દરમ્યાન ભ્રમણ કરે છે. આથી લક્ષ્મીજીને વધાવવાનું એક બિંદુ દરિયાની છાપમાં પડે તો મોતી બની જાય છે. માટે આ પૂનમને માણેકઠારી પૂર્ણિમા પણ કહે છે.

હકીકતમાં તો હું જેમ દર વખતે કહું છું એમ દરેક ધાર્મિક પર્વની પાછળ વિજ્ઞાન જ હોય છે. કહેવાય છે કે ચંદ્રમાંની ૧૬ કળાઓ છે અને માટે ચંદ્રને ‘કલાધર’ પણ કહે છે. આજે આ સોળકળાનાં નામ પણ જાણીયે:

૧. અમૃતા ૨. મનાદા ૩. પૂષા ૪. પુષ્ટિ ૫. તુષ્ટિ ૬. રતિ ૭. ધૃતિ ૮. રાશિની ૯. ચંદ્રિકા ૧૦. કાન્તિ ૧૧. જયોત્સ્ના ૧૨. શ્રી. ૧૩. પ્રીતિ ૧૪. અંગદા ૧૫. પૂર્ણા ૧૬. પૂણાર્મૃતા.

આ પૂર્ણિમાની રાત્રે ચંદ્રમાં પોતાની ૧૬ કળાઓથી પરિપૂર્ણ થાય છે અને તેની ચાંદનીમાંથી અમૃત વરસે છે. આ અમૃતનો લાભ મેળવવા માટે ચાંદની રાતમાં ખીર તૈયાર કરવામાં આવે છે અને તેમા ચંદ્રમાંની ચાંદનીનો અમૃત પડવાથી તે પ્રસાદ બની જાય છે.

Bhadravi Poonam: ભાદરવી પૂનમ એટલે શ્રદ્ધાળુઓ માટે મા અંબાને ખોળે રમવાનો અનેરો પ્રસંગ: વૈભવી જોશી

આ રાતે ઔષધીઓ ચંદ્રનાં પ્રકાશ દ્વારા ઝડપથી પોતાનામાં અમૃત ગ્રહણ કરવા લાગે છે, એટલે આ દિવસે ચંદ્રનો પ્રભાવ ધરાવતી વસ્તુઓ એટલે દૂધથી બનેલી ખીર બનાવવામાં આવે છે અને ચાંદીનાં વાસણમાં ચંદ્રનાં પ્રકાશમાં રાખવામાં આવે છે. આવું કરવાથી તેમાં ઔષધીય ગુણ આવી જાય છે. આયુર્વેદ મુજબ ચંદ્રમાની પ્રકૃતિ શીતળ હોય છે. જે શરદ પૂર્ણિમાનાં દિવસે અમૃત વરસાવે છે. આથી આ દિવસે બનાવેલી ખીરનું ઔષધીય મહત્વ વધી જાય છે. ચંદ્રમાની કિરણોથી ભાત અને દૂધનાં મિશ્રણથી એવું પ્રોટીન તૈયાર થાય છે જે શરીરની પ્રતિરોધક ક્ષમતા વધારે છે.

આ દિવસે દૂધ પૌંઆ ખાવાની પણ પરંપરા છે. વરસાદની વિદાય અને શરદનું આગમન એક અનુસંધાન છે. આયુર્વેદનાં શાસ્ત્ર મુજબ શરીરમાં જે પિત્તનો પ્રકોપ થયો હોય તે આ દુધ-પૌંઆ ખાવાથી નાશ પામે છે. દૂધ પિત્તનું દુશ્મન છે. ચંદ્રનાં કિરણો દુધ-પૌઆમાં ભળવાથી દમનાં દર્દીને ફાયદો કરે છે. એવું કહેવાય છે કે એ ખીરને ખાવાથી રોગપ્રતિરોધક ક્ષમતા વધે છે, જેનાથી અનેક પ્રકારની બીમારીઓથી રાહત મળે છે.

આ દિવસે બનાવવામાં આવતી ખીરને રાત્રે ૧૨ વાગ્યા સુધી ખુલ્લાં આકાશમાં રાખ્યા બાદ ખાવાથી ચર્મરોગ, અસ્થમા, હૃદયની બીમારીઓ, ફેફસાંની બીમારીઓ અને આંખોની રોશની સાથે સંકળાયેલ પરેશાનીઓમાં ખુબ ફાયદો થાય છે. શરદ પૂનમની રાત્રે ચંદ્ર સામે જોતાં દોરો પરોવવાની ક્રિયા કરવામાં આવે તો આંખો નિરોગી બને છે અને આંખનું તેજ વધે છે તેવું પણ ઘણા માને છે.

ચંદ્રમાંની આ સોળે કળાનું તેજ આપણા સૌનામાં રોપાય એવી આશા રાખીયે અને સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યની મંગલ કામના સાથે આપને અને આપના પરિવારને મારા તરફથી પણ શરદ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!! વૈભવી જોશી ‘ઝીલ’

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *