ambaji mandir lighting

Bhadravi Poonam: ભાદરવી પૂનમ એટલે શ્રદ્ધાળુઓ માટે મા અંબાને ખોળે રમવાનો અનેરો પ્રસંગ: વૈભવી જોશી

Bhadravi Poonam: ૧૮૪૧માં શરુ થયેલી આ પરંપરાને આજે પોણાં બસ્સો વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. આજે નાનાં-મોટાં ૧૬૦૦ જેટલા સંઘો દર વર્ષે ભાદરવી પૂનમે અંબાજી પહોંચે છે. મા અંબા પ્રત્યે ગજબની શ્રદ્ધા ધરાવતાં અનેક સંઘોમાં ભકતો ઉમંગ અને હોંશથી જોડાય છે. જેમાં દેશભરનાં ખુણે ખુણેથી આવતા સંઘોમાં પદયાત્રીઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે.

Bhadravi Poonam: શ્રાવણ મહિનો પૂરો થતાં જ માતાનાં ભક્તો ભાદરવી પૂનમ માટેની તૈયારીઓ કરવામાં લાગી જાય છે. ગુજરાતમાં તો શ્રાવણ માસ પૂર્ણ થતાં જ આદ્યશક્તિ મા અંબાની આરાધનાનું પર્વ શરૂ થઈ જાય છે. ઉત્તર ગુજરાતની અરવલ્લી પહાડીઓમાં આવેલ શક્તિપીઠ અંબાજી માત્ર ગુજરાત જ નહિ પણ દેશવિદેશનાં શ્રદ્ધાળુઓમાં અનેરું સ્થાન ધરાવે છે અને એમાં પણ ભાદરવી પૂનમ એટલે શ્રદ્ધાળુઓ માટે મા અંબાને ખોળે રમવાનો અનેરો પ્રસંગ.

Bhadravi Poonam, vaibhavi joshi

ભાદરવા સુદ અગિયારસથી પૂનમનાં (Bhadravi Poonam) પવિત્ર દિવસોમાં ગુજરાત જ નહીં આખા ભારતનાં ખૂણેખૂણેથી મા અંબાનાં દર્શનાર્થે પદયાત્રીઓ આવી મા અંબાનાં દરબારમાં માથું ટેકવીને ધન્યતાનો અનુભવ કરે છે. ભાદરવી પૂનમનાં દિવસોમાં અંબાજીનું માહાત્મ્ય એકદમ અલગ જ જોવા મળે છે. આ દિવસોમાં એક જુદા જ પ્રકારનું વાતાવરણ સર્જાય છે. શક્તિ, ભક્તિ અને પ્રકૃતિનાં સમન્વય સમા શક્તિપીઠ અંબાજીમાં દર પૂનમે દર્શન કરવા જનારા લોકોનો તોટો નથી.

જો કે એમાંય દર વર્ષે ભાદરવા મહિનાની પૂનમે (Bhadravi Poonam)તો મહામેળો યોજાય. આવનારાં થોડાંક દિવસોમાં શારદીય નવરાત્રિનો પ્રારંભ થશે. નવરાત્રિ પહેલાં શ્રાદ્ધ પક્ષમાં તો કોઈ ભાવિક માતાજીને પોતાને ત્યાં આવવા માટે નિમંત્રણ પાઠવે નહીં એટલે ભાદરવી પૂનમનાં આ દિવસોમાં દર્શનાર્થીઓ જગદંબાને પોતાને ત્યાં પધારવા માટે ભાવભીનું નિમંત્રણ પાઠવતાં હોય છે. શ્રાદ્ધનાં દિવસો શરુ થાય એ પહેલાં જ આ કામ કરવામાં આવે છે. તો મને થયું કે ચાલો આજે થોડું ભાદરવી પૂનમનાં માહાત્મ્ય વિશે જણાવું.

ઊંચા ડુંગરોમાં બિરાજેલ મા અંબાને નોરતાનું નિમંત્રણ પાઠવવા ગામે-ગામથી અંબાજીનાં ભકતો “અંબાજી દૂર હૈ, જાના જરૂર હૈ…’, “બોલ માડી અંબે જય જય અંબે’નાં જયઘોષ કરતાં અંબાજી મંદિર તરફ પગપાળા કરીને આગળ વધે છે. સાથે… સાથે… મા નો રથ ખેંચતા, ગરબા ગાતાં, છંદ અને માતાજીની સ્તુતિમાં ભાવવિભોર બનીને મા અંબાનાં ભકતો, ડુંગરોની ઘાટીમાં કષ્ટ વેઠીને પણ મા અંબાનાં જયઘોષથી પોતાનો જુસ્સો બુલંદ બનાવે છે અને માતાનાં ધામમાં માથું ટેકવવા અધીરાં બની દોટ મૂકે છે.

Swamiji ni Vani part-20: ઉપનિષદો “વૈશ્વિક યજ્ઞ”નું બહુ સુંદર વર્ણન કરે છે…

ગુજરાતમાં આરાસુરમાં અંબાજીની માન્યતા ઘણી છે. અંબાજીનું સ્થાન આરાસુરનાં ડુંગરમાં અરવલ્લી પર્વતનાં ઘાટથી નૈઋત્ય કોણમાં છે. આબુ રોડ સ્ટેશનથી લગભગ બાર ગાઉ પર આરાસુર નામનું ગામ છે અને આ ગામમાં અંબાજીનું મંદિર છે. આરાસુર ગામમાં મુખ્ય મંદિર, એની આસપાસ ધર્મશાળાઓ, દુકાનો અને મોટે ભાગે જંગલી પહાડી લોકો જેને ભાઉડા કહે છે, તેઓનાં ઝૂંપડાં દેખાય છે. યાત્રાળુઓનું કામકાજ પણ આ ભાઉડા જ કરે છે.

મૂળ આ મંદિર વર્ષો પહેલાં બેઠાં ઘાટનું નાનું હતું પરંતુ જેમ-જેમ સમય પસાર થતો ગયો તેમ-તેમ સુધારા સાથે અત્યારે આ મંદિર તેની સર્વોચ્ચ ઊંચાઈને સર કરે તેવું અને ભવ્યાતિભવ્ય મંદિરનાં ટ્રસ્ટીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે. અત્યારે તો મંદિરની ઉપરનો કળશ અને શિખર સંપૂર્ણ સોનામાંથી બનાવવામાં આવ્યા છે. મંદિરની આગળ મોટો મંડપ છે અને ગર્ભગૃહમાં માતાજીનો ગોખ છે.

ખાસ વાત એ છે કે આટલી મોટી સંખ્યામાં અહીં યાત્રાળુઓ આવે છે, એટલે તેમને કદાચ એ વાતની ખબર હશે કે, માતાજીનાં અસલ સ્થાનકમાં માતાની મૂર્તિ નથી પણ ગોખમાં એવી રીતે વસ્ત્ર અલંકારો તથા આભૂષણો ગોઠવવામાં આવે છે કે જેથી કરીને દર્શન કરનારને સવાર, બપોર ને સાંજે જાણે કે વાઘ ઉપર માતાજી બેઠાં હોય એવા જુદી-જુદી જાતનાં દર્શન થાય છે અને વર્ષોથી તેની પાસે ઘીનાં બે અખંડ દીવા બળે છે.

આરાસુરનું અંબાજીનું મંદિર દંતકથામાં શ્રીકૃષ્ણથીયે જૂના કાળનું મનાય છે. દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણની બાબરી ઉતારવાની વિધિ માટે નંદ અને યશોદા ગબ્બર આવ્યાં હોવાનું અને ત્રણ દિવસ રોકાઈને ભગવાન શિવ તથા અંબાજીની પૂજા-અર્ચના કરી હોવાનું એક કથામાં વર્ણન છે. જો આ દંતકથાઓને છોડીને ઐતિહાસિક પુરાવાઓ તપાસીએ તો મંદિરમાં મહારાણા શ્રી માલદેવનો વિ. સ. ૧૪૧૫ (ઈ.સ. ૧૩૫૯)નો લેખ મળે છે.

અંબાજીનાં મંદિરનાં અંદરનાં મંડપનાં દ્વારમાં એક સં. ૧૬૦૧નો લેખ છે, તેમાં રાવ ભારમલ્લીની રાણીએ માતાને કેટલીક વસ્તુઓ અર્પણ કર્યાનાં લેખો છે, તે ૧૬માં શતકનાં છે. એક બીજા સં. ૧૭૭૯નાં લેખમાં એક ધર્મશાળા બંધાયાની વિગત છે. મતલબ કે. ઈ.સ. ૧૪માં શતકથી તો આરાસુરનાં અંબાજીની માન્યતા સતત ચાલી આવે છે.

આ પગપાળા સંઘોની શરૂઆત ક્યારથી થઈ એ અંગે કોઈ ચોક્કસ માહિતી મળતી નથી, પરંતુ એક માન્યતા મુજબ ભાદરવી પૂનમની આ પદયાત્રાનો ઈતિહાસ ૧૭૦ વર્ષ પુરાણો છે. ઉત્તર ગુજરાતમાં પાટણનાં શિહોરીનાં રાજમાતાનાં કુંવર ભીમસીંગજીને પંચાવન વર્ષ થયા હોવા છતાં પણ સંતાનની ખોટ હોવાથી રાજમાતાએ એક દિવસે રામસીંગ રાયકાજી નામના ભૂવા પાસેથી આ બાબતે સલાહ માંગી ત્યારે તેમને ખબર પડી કે, તેમની કૂળદેવી અંબાજી છે અને એના આશીર્વાદ થકી તેમને ત્યાં પારણું બંધાશે.

Bhadravi Poonam, ambaji shakti dwar

ત્યાર બાદ ભીમસિંગ બાપુને ત્યાં પુત્ર જન્મ્યો. આમ તેમને ત્યાં પારણું બંધાતાં તેઓએ સવા વર્ષ અંબાજી ખાતે યજ્ઞ કરવા અને એકાવન ભૂદેવોને જમાડવા અંબાજી પધારવા કહ્યું. ભુવાજી અને ૫૧ બ્રાહ્મણો ૧૮૪૧ની ભાદરવા સુદ ૧૦ના રોજ એક સંઘ રૂપે અંબાજી જવા નીકળ્યા. આમ પ્રથમવાર ભીમસીંગ બાપુના આમંત્રણથી અંબાજી પહોંચેલા આ બ્રાહ્મણો તેમજ આગામી ૫ વર્ષ સુધી પગપાળા અંબાજી જવાની માનતા લઈ પગપાળા સંઘની સ્થાપના કરી.

૧૮૪૧માં શરુ થયેલી આ પરંપરાને આજે પોણાં બસ્સો વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. આજે નાનાં-મોટાં ૧૬૦૦ જેટલા સંઘો દર વર્ષે ભાદરવી પૂનમે અંબાજી પહોંચે છે. મા અંબા પ્રત્યે ગજબની શ્રદ્ધા ધરાવતાં અનેક સંઘોમાં ભકતો ઉમંગ અને હોંશથી જોડાય છે. જેમાં દેશભરનાં ખુણે ખુણેથી આવતા સંઘોમાં પદયાત્રીઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે.

સંઘોમાં સૌથી લાંબો સંઘ મદ્રાસથી આવે છે. આ સિવાય કરછ-ભૂજ, રાજકોટ, મુંબઇ-નાગપુરથી પણ ઘણાં સંઘો આવે છે. અંબાજી સુધીનાં માર્ગ પર પદયાત્રાળુઓનું દિવસ-રાત અવિરત પ્રયાણ જોવા મળે છે. અમદાવાદ, વડોદરા, સુરત, આણંદ, નડિયાદ સહિત રાજયભરમાંથી કોઈ સંઘ સાથે તો કોઈ ગામનાં સમૂહ સાથે, કોઈ રથ સાથે તો કોઈ હાથમાં ત્રિશૂલધારી ધજા સાથે અંબાજીનાં દર્શને જવા નીકળે છે.

ગુજરાત ઉપરાંત રાજસ્થાનનાં ઉદયપુર, ડુંગરપુર, બાંસવાડા તેમજ મઘ્યપ્રદેશનાં રતલામ, નીમચ, ઝાંબુઆ વિસ્તારમાંથી પણ સંઘો પગપાળા ધજા-પતાકા સાથે અંબાજી પ્રયાણ કરતા હોય છે. ઘણા ખરાં શ્રદ્ધાળુઓ માનતા અને બાધા પૂર્ણ થતાં પગપાળા નીકળે છે. પદયાત્રા દરમિયાન વરસાદ તેમજ અન્ય આપત્તિઓની વચ્ચે પણ ભકતોની શ્રદ્ધામાં જરાય ઓટ આવતી નથી. રીમઝીમ વરસાદ અને ધોવાઈ ગયેલા રસ્તાઓ વચ્ચે પણ ભૂખ અને તરસની પરવા કર્યા વિના યુવાનો, વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત તમામ વર્ગનાં લોકો આગળ વધે છે.

Bhadravi Poonam: મેળાનાં પ્રારંભથી અંબાજી તરફનાં માર્ગો એકદમ ભરચક થઇ જાય છે. ત્યારે જેવી શકિત એવી ભકિત કરતાં પદયાત્રીઓની સેવામાં માર્ગોમાં ઠેર-ઠેર સેવા કેન્દ્રો ઉપર અનેક સુવિધાઓ ઉભી કરાય છે. જયારે પદયાત્રીઓ માતાનાં ધામમાં અનન્ય શ્રદ્ધાથી પહોંચવા અધીરા બન્યા હોય છે, ત્યારે હસતાં-રમતાં તો કયાંક ગરબે ઘૂમતા તો વળી ફૂલ જેવા વહાલસોયા બાળકને બાબા ગાડીમાં કે પારણાંમાં ઝુલાવતાં પતિ-પત્ની ભાવવિભોર બનીને માર્ગ ટૂંકો કરતાં જોવા મળે છે. ત્યારે તેમની અનન્ય ભકિતને જોવી એ પણ એક લહાવો છે.

ભાદરવી પૂનમના મેળામાં શણગારેલી માંડવીઓ, ધજા-પતાકા, રંગબેરંગી ચૂંદડીઓ, ટોપીઓ અને ભપકાદાર રંગોવાળી પટ્ટીઓ ધારણ કરેલા માઇભકતો પણ આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. અંબાજી તરફ જતાં તમામ માર્ગો ઉપર પદયાત્રીઓને તકલીફ ન પડે તે માટે જમવા, મેડિકલ ટ્રીટમેન્ટ તેમજ જીવનોપયોગી તમામ વસ્તુઓનાં અસંખ્ય સેવા કેમ્પો ઉભા કરવામાં આવે છે. જેમાં શીરો, પૂરી, દાળ-ભાત, ખીચડી-કઢી, ચા-કોફી, લીંબુ શરબત, ગરમ પાણી અને નાહવા-ધોવાની તમામ સુવિધાઓ સ્વૈરિછક સંસ્થાઓ અને નવયુવક મંડળો દ્વારા ઉભી કરવામાં આવે છે.

Bhadravi Poonam: માત્ર અમદાવાદથી અંબાજીનાં માર્ગે જ નહીં, ગુજરાતનાં ખૂણે-ખૂણે પદયાત્રીઓની સેવા માટે સેવાકેન્દ્રો ખૂલી જાય છે. અમુક વિસામાં કેન્દ્રોમાં એકાત્મક ભાવનાંની જયોત પ્રગટાવતાં મુસ્લિમો પણ પદયાત્રીઓ માટે ખડેપગે ઉભા રહીને સેવા કરે છે. થોડાં-થોડાં અંતરે ખાણી-પીણી, બૂટ, ચંપલ, કપડાં તથા અન્ય જરૂરી ચીજવસ્તુઓની હાટડીઓ, સ્ટોલ તેમજ લારીઓનો જમાવડો જોવા મળે છે. આ વેપારીઓ માત્ર પદયાત્રીઓ માટે નહીં નફો નહીં નુકસાનનાં ધોરણે ચીજવસ્તુઓનું વેચાણ કરતા હોય છે.

વર્ષાઋતુમાં ભાદરવી પૂનમની (Bhadravi Poonam)પદયાત્રા આનંદદાયક હોય છે. અરવલ્લીની ગિરિમાળાની ચારે તરફ લીલીછમ હરિયાળી અને વહેતાં ઝરણાંથી મન પ્રસન્ન બને છે. પદયાત્રાની સાથે પ્રકૃતિનાં મોહક શણગારનો સમન્વય પણ આ દિવસોમાં નિહાળવાનો અદ્ભુત લહાવો મળે તો આ લ્હાવો રખે ને ચુકી જતાં. આપ સહુને મારાં તરફથી ભાદરવી પૂનમની અઢળક શુભેચ્છાઓ.

જગતજનની મા અંબા આપ સહુની મનોકામના પુરી કરે એ જ પ્રાર્થના..!!

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *