Shree Radha Ashtami: આજે ભાદરવા સુદ આઠમનો દિવસ દરેક કૃષ્ણપ્રેમીઓ માટે વિશેષ દિવસ; જાણો કેમ?
Shree Radha Ashtami: આજે ભાદરવા સુદ આઠમનો દિવસ દરેક કૃષ્ણપ્રેમીઓ માટે વિશેષ દિવસ મનાય છે. ભાદરવા સુદ આઠમનાં દિવસે મથુરા પાસેનાં બરસાનામાં મહારાજ વૃષભાનુ અને માતા કીર્તિને ત્યાં શ્રી કૃષ્ણપ્રિયા ભગવતી રાધાનો જન્મ થયો હતો. તેમણે નિસ્વાર્થ પ્રેમ અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે સમર્પણનું શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું. કેટલાંક લોકો માટે રાધાજી એ સદા સર્વદા કાલ્પનિક પાત્ર છે તો કેટલાક ગ્રંથો અને પુરાણોમાં એમનો ઉલ્લેખ પણ મળી આવે છે.
વૈષ્ણવ માન્યતા, ભાગવતમ્ અને પદ્મ પુરાણનાં કેટલાક વિશિષ્ટ અનુવાદો અનુસાર તેમને ભગવાન પરા બ્રહ્મનાં વ્યક્તિત્વ રૂપ એટલે કે શ્રી કૃષ્ણની સર્વોચ્ચ શક્તિ માનવામાં આવે છે. રાધાજી શ્રી કૃષ્ણની પ્રથમ, મુખ્ય અને શાશ્વત જીવનસાથી મનાય છે. તે શ્રી કૃષ્ણની શુદ્ધ ભક્તિ સેવા (ભક્તિ દેવી)નો અવતાર છે. તેમનો જન્મદિવસ રાધાષ્ટમી તરીકે ઊજવાય છે.
પદ્મપુરાણ મુજબ એવું પણ મનાય છે કે, જ્યારે રાજા યજ્ઞ માટે જમીન સાફ કરી રહ્યા હતા, ત્યારે તેમને ભૂમિમાંથી છોકરીનાં રૂપમાં રાધાજી મળ્યા હતા. રાજાએ આ છોકરીને તેની પુત્રી માની અને એમનો ઉછેર કર્યો હતો. હકીકતમાં રાધાજી વિશે એવું માનવામાં આવે છે કે તેઓ અયોનિજા હતા એટલે કે તેમનો જન્મ માતાનાં ગર્ભમાંથી નહોતો થયો પણ તેઓ સ્વયં પ્રગટ થયાં હતાં.
આ પણ વાંચો:- Lakhpati Didi: ‘અત્યુત્તમમ્’ સખી મંડળની બહેનો બની ‘લખપતિ દીદી’
એમની માતા ગર્ભવતી તો હતાં પણ તેમના ઉદરમાં યોગમાયાનાં ચમત્કારને લીધે માત્ર વાયુ જ હતો જેથી સામાન્ય મનુષ્યોની વચ્ચે આદિશક્તિનો જન્મ સહજ દેખાડી શકાય. તો વળી કેટલાક લોકો દ્વારા રાધારાણીને માનવ આત્માનાં રૂપક તરીકે માનવામાં આવે છે. તેમનો પ્રેમ અને પ્રભુ શ્રી કૃષ્ણ પ્રત્યેની ઝંખનાને આધ્યાત્મિક રીતે આત્મિક વિકાસ અને પરમાત્મા સાથેનાં જોડાણ માટેની માનવ શોધનાં પ્રતિકાત્મકરૂપે માનવામાં આવે છે.
શ્રીમદ્ ભાગવતમાં રાધાજીનો કોઇ ઉલ્લેખ નથી. પણ બ્રહ્મવૈવર્ત પુરાણ, દેવી ભાગવત, ગર્ગ સંહિતા વગેરેમાં રાધાજીનું વર્ણન મળી આવ્યું છે. આ પુરાણોમાં (Shree Radha Ashtami) રાધાજીનો જન્મ અને એમના જીવન સંબંધમાં જુદી જુદી કથાઓ આપેલી છે. હિંદુ ધર્મમાં સૌથી વધુ ભગવાન વિષ્ણુને પૂજવામાં આવે છે અને તેમના કૃષ્ણાવતાર વિશે તો દરેક જાણે જ છે. એ જ રીતે રાધાજી શ્રી લક્ષ્મીનું રૂપ મનાય છે.
કૃષ્ણનો નટખટ અંદાઝ અને તેમની પ્રેમ લીલાઓથી તો આખી દુનિયા પરિચિત છે. જયારે પણ કૃષ્ણનું નામ લેવામાં આવે છે ત્યારે સાથે-સાથે રાધાકૃષ્ણ લોકો બોલી જ દે છે. રાધાષ્ટમીનું પર્વ કૃષ્ણ જન્માષ્ટમીનાં પંદર દિવસ પછી આવે છે. શાસ્ત્રોમાં રાધા અષ્ટમીનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે રાધા અષ્ટમીનાં ઉપવાસ કર્યા વિના જન્માષ્ટમી વ્રતનું ફળ પ્રાપ્ત થતું નથી.
દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુજીનો અવતાર કૃષ્ણ અને લક્ષ્મીજીનો અવતાર રાધાજી હતા, પરંતુ છતાં પણ એક ન થઇ શક્યા તે પ્રશ્ન દરેક ભક્તનાં મગજમાં થાય જ છે. એનું કારણ છે કે કૃષ્ણએ રુક્મણિ સહીત ૮ રાણીઓ સાથે લગ્ન કર્યા હતા અને રાધાજી એ અયન કે રાયણ નામનાં યુવક સાથે લગ્ન કર્યા હતા. રાધાજીનાં પતિનું વર્ણન બ્રહ્મવૈવર્ત પુરાણમાં કરવામાં આવ્યું છે અને તે વૈદ્વ્યાસ દ્વારા રચિત ૧૮ પુરાણોમાંનું એક છે.
એક પ્રાચીન કથા મુજબ રાધાજીનાં પતિ રાયાણ કે અયન બરસાનાનાં મહાપંડિત ઉગ્રપતનાં પુત્ર હતા અને ઉગ્રપત રાધાનાં પિતા વૃષભાનુનાં સારા મિત્ર હતા. કોઈ યજ્ઞમાં વૃષભાનુને મદદ કરવાને કારણે ઉગ્રપતને તે વરદાન પ્રાપ્ત થયું હતું કે તે જીવનમાં એક વખત વૃષભાનુ પાસે જે પણ માગશે એ તેને મળી જશે. પોતાના આ વરદાનનો ઉપયોગ કરવા મહાપંડિત ઉગ્રપતે રાજા વૃષભાનુ પાસેથી રાધાનો હાથ પોતાના પુત્ર માટે માગી લીધો હતો.
બ્રહ્મવૈવર્ત પુરાણમાં ઉલ્લેખ છે કે શ્રીહરિ વિષ્ણુ રૂપ શ્રી કૃષ્ણ અને દેવી લક્ષ્મી રૂપ શ્રી રાધાજીનાં વિવાહ સ્વયં બ્રહ્માએ પોતે પુરોહિતની ભૂમિકા ભજવી સંપન્ન કરાવ્યાં હતા. રાધાજીનાં લગ્ન રાયાણ કે અયન નામનાં યુવક સાથે થયાં હતાં એ વાત સાચી માનીયે તો પણ એમનાં વિવાહ અસલી રાધાજી સાથે નહિ પણ એમની છાયા સાથે થયાં હતાં.
અસલી રાધાજી તો રાયાણ સાથેનાં લગ્ન પહેલાં જ વૈકુંઠ પહોંચી ચુક્યા હતા. તેમણે પોતાની છાયાને માતાપિતા પાસે છોડી દીધી હતી. તેમના માતાપિતાનાં કારણે તેઓ પોતાની સામાજિક જવાબદારીઓ નિભાવવા માટે પોતાની છાયા માતાપિતા પાસે છોડી વૈકુંઠ પાછા ચાલ્યા જાય છે. શ્રી કૃષ્ણ સાથે વિવાહનાં બંધનમાં બંધાયા પછી રાધાજી પોતાનાં લોક વૈકુંઠ સિધાવે છે કેમકે એમનું જન્મ લેવાનું તાત્પર્ય પૂર્ણ થઇ ચૂક્યું હતું. એની પાછળ નારદમુનિનો શ્રાપ હતો જેથી તેમને ધરતી પર અવતાર લેવો પડ્યો હતો.
જ્યાં રાધા છે ત્યાં કૃષ્ણ છે અને જ્યાં કૃષ્ણ છે ત્યાં રાધા છે. રાધા અને કૃષ્ણને તમે ભિન્ન ન કરી શકો. જેમ સિક્કાને બે બાજુ હોય છે એમ શ્રીકૃષ્ણ અને રાધાજી એકબીજામાં એવી રીતે સમાયેલાં છે. રાધાભાવ કોઈ પણ પ્રેમથી સર્વોચ્ચ છે. રાધાભાવ એ એવી સ્થિતિ છે જ્યાં એ જાણવું મુશ્કેલ છે કે કોણ રાધા છે અને કોણ શ્રીકૃષ્ણ છે?
તો રાધાષ્ટમી પર માણીયે મારાં ગમતા કવિઓમાંનાં એક મુકેશ જોશીની Mukesh Joshi મારી અત્યંત પ્રિય રચના.
કૈંક ચોમાસાં અને વરસાદ રાધા,
એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા.
ને, ઝુરાપાનું સુદર્શન આંગળીએ,
રોજ છેદી નાખતો જે સાદ રાધા.
એટલે તો જિંદગીભર શંખ ફુંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.
કૃષ્ણને બહેલાવવાને આજ પણ,
ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા.
કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા..!!
આપ સહુને મારાં તરફથી રાધાષ્ટમીની અઢળક શુભેચ્છાઓ..!! – વૈભવી જોશી