108 Emergency Service: 108 ઇમરજન્સી સેવા કર્મચારીઓનું પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ
108 Emergency Service: અકસ્માતમાં ઇજાગ્રસ્તના રૂ. 9 લાખના ઘરેણાં સુરક્ષિત રાખી જવાબદારીપૂર્વક પરિવારને પરત આપ્યાં
પ્રામાણિકતા સાથે જીવન બચાવવાનો ૧૦૮ સેવાનો માનવીય અભિગમ ફરી એકવાર ઉજાગર થયો
સુરત, 11 ડિસેમ્બર: 108 Emergency Service: EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ ૧૦૮ ઇમરજન્સી સેવાના કર્મચારીઓએ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત કતારગામના યુવાનના રૂ.૯ લાખના ઘરેણા સુરક્ષિત રાખી પરિવારજનોને પરત આપ્યા હતા. પરિવારજનોને સમયસર સારવાર આપવા સાથે જ્વેલરી પરત આપવાના માનવીય અભિગમ બદલ ૧૦૮ના કર્મચારીઓનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
વાત એમ છે કે, સવારે ૧૦:૩૧ મિનિટે ઇચ્છાપોર મગદલ્લા રોડ ઉપર એક ટુ-વ્હીલર વાહનનો અકસ્માત થયાનો (108 Emergency Service) ઇમરજન્સી કોલ ૧૦૮ એમ્બ્યુલન્સ ICU-ભાઠાને મળ્યો હતો. અકસ્માતની વિગતો જાણીને ડ્યુટી ઉપર હાજર EMT જિજ્ઞેશભાઈ અને પાયલોટ અશોકભાઈ ઘટનાની ગંભીરતાને લઈને ૬ મિનિટમાં ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં બુલેટ સવાર અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું હતું.

બુલેટસવાર ૨૨ વર્ષીય મૌલિકભાઈ રસિકભાઈ વાડોદરીયા (૮૨,ધનરાજનગર સોસાયટી, કતારગામ)ને જમણા હાથમાં અને જમણા ખભા ઉપર ઇજા થઈ હતી. જેથી ૧૦૮ મારફતે જરૂરી ડ્રેસિંગ અને વાઈટલ ચેક કરીને હેડ ઓફિસના ફિઝિશિયન ડો.વંશને ઈજાની ગંભીરતા જણાવી અને ડોક્ટરના માર્ગદર્શન પ્રમાણે ઇન્જેક્શન અને દવાઓ આપી અને નવી સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે દાખલ કર્યા હતા.
આ પણ વાંચો:- Amdavad Shopping Festival: અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ સ્વદેશી હસ્તકળાનું વૈશ્વિક મંચ
આ ઘટનામાં ઈજાગ્રસ્ત મૌલિકભાઈ પાસે રહેલી બેગમાં એક સોનાની ચેઈન, ત્રણ સોનાની વીંટી, એક સોનાની ઘડિયાળ તેમજ બે એન્ડ્રોઈડ મોબાઈલ અને તેમના બુલેટની ચાવી સહિતનો રૂ.૯ લાખનો કિંમતી સામાન સુરક્ષિત રાખી હોસ્પિટલ પહોંચેલા તેમના સંબંધી વાસુભાઈ લાઠીયાને પરત કર્યો હતો. પ્રામાણિકતા સાથે જીવન બચાવવાનો ૧૦૮ સેવાનો માનવીય અભિગમ ફરી એકવાર ઉજાગર થયો હતો.

