T B patient

અતિગંભીર ટી.બી.ના દર્દીને નવજીવન મળ્યું

T B patient

૨૧ દિવસ બાયપેપ મશીન પર રાખી દર્દીનો જીવ બચાવવામાં સફળતા મળી

સુરત:બુધવાર: કોરોનાની સારવાર સાથે અન્ય ગંભીર પ્રકારના રોગોમાં પણ દર્દીઓને નવજીવન આપીને સ્મીમેર હોસ્પિટલના તબીબો ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યાં છે. જેનું જીવંત ઉદાહરણ છે ૨૬ વર્ષીય રોહિત ગુજ્જર. જેમને ૪૪ દિવસની સારવાર બાદ તંદુરસ્ત કરવા સ્મીમેરના તબીબોને સફળતા મળી છે.


પુણા ગામની મુક્તિધામ સોસાયટીમાં રહેતાં ટી.બી.ગ્રસ્ત રોહિતભાઈ રાજાભાઈ ગુજ્જરને તા.૦૨ જુલાઈએ સ્મીમેરમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના શરીરના ફેફસામાં ટી.બી. અને ન્યુમોનિયાના કારણે પાણી ભરાઈ ગયુ હતું. ગંભીર હાલતમાં દાખલ કરાયેલા રોહિતભાઈને ૪૪ દિવસની સઘન સારવાર બાદ સ્મીમેરના તબીબોએ સ્વસ્થ કરવામાં સફળતા મેળવી છે. રોહિતને દાખલ કરાયો ત્યારે શ્વાસ લેવામાં ખુબ મુશ્કેલી પડતી હતી. ન્યુમોનિયા હોવાથી અલાયદા કોવિડ વોર્ડમાં કોરોના ગાઈડલાઈન્સ મુજબ જ તેની સારવાર કરવામાં આવી હતી.


  સ્મીમેરમાં મેડિસીન વિભાગના આસિસ્ટન્ટ પ્રોફસર ડો. મોહનીશ પટેલે જણાવ્યું હતું કે, રોહિભાઈને દાખલ કરવામાં આવ્યા ત્યારે તેની હાલત ખુબ કટોકટીભરી હતી. ૨૬ વર્ષની નાની વયે તેમના ફેફસાંમાં ટી.બી. પ્રસરી ગયો હતો. તેમના બંને ફેફસાંમાં ન્યુમોનિયાની ગંભીર અસર હતી. ચેસ્ટ એક્સ રે અને સિટી સ્કેન કરાવતાં જમણી બાજુના ફેફસાંમાં ટી.બી.અને ન્યુમોનિયાના કારણે પાણી ભરાઈ ગયું હતું. જેથી શ્વાસ લેવામાં ખુબ મુશ્કેલી પડતી હતી. સમયસર સારવાર આપવામાં ન આવે તો જાનનું જોખમ સર્જાઈ શકે તેમ હતું. રોહિતભાઈની ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર શરૂ કરી, પહેલાં બાયપેપ પર રાખવામાં આવ્યા હતા.

બાયપેપ પર એવા દર્દીને રાખવામાં આવે છે જેમની શ્વસનક્રિયા ૫૦ ટકા બંધ થઈ ગઈ હોય છે. જેથી બાયપેપ દ્વારા ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે. રોહિતભાઈને સતત ૨૧ દિવસ સુધી બાયપેપ પર રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ બાયપેપની જરૂરિયાત ઓછી કરી ૧૫ લિટર ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા. તેમના ફેફસામાંથી હવા અને પાણી કાઢવા માટે સ્મીમેરના સર્જરી વિભાગના તબીબોની મદદથી નળી નાખવાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, આ નળી કાઢવામાં સર્જરી વિભાગનો સહયોગ મળ્યો હતો એમ જણાવી સર્જરી વિભાગના ડો. નિરવ મહેતાનો આભાર વ્યક્ત કર્યો હતો. 


ડો.મોહનીશ પટેલે કહ્યું કે, સ્મીમેરના રેસિડેન્ટ ડો.હેમંત શાહ, ડો.હિતેષ રાઠોડ, ડો.પિયુષભાઈ પટોળીયાની અમારી તબીબી ટીમ દ્વારા સઘન સારવાર કરતાં ધીરે ધીરે ન્યુમોનિયા ઓછો થયો, ૪૪ દિવસની લાંબી લડત પછી સ્વાસ્થ્યમાં ખુબ સુધારો આવ્યો હતો. આખરે દર્દી સ્વસ્થ થઈ જતાં ૧૫મી ઓગસ્ટના રોજ રજા આપવામાં આવી હતી.


       કોરોનાની આપત્તિમાં નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલની જવાબદારી ખુબ વધી છે, પરંતુ આવા વિકટ સંજોગોમાં પણ ફરજ બજાવતાં અને ફરજને નિષ્ઠાપૂર્વક વળગી રહેતા તબીબો કોરોનાની સાથોસાથ ગંભીર નોન કોવિડ રોગોમાં પણ દર્દીઓને મૃત્યુના મુખમાંથી બચાવી રહ્યાં છે.