Ganpati Festival

Ganesh Chaturthi-2024: આપણા સહુનાં લાડલા ગણપતિ બાપ્પા વાજતે ગાજતે પધાર્યા

Ganesh Chaturthi-2024: આજે ભાદરવા સુદ ચોથ એટલે આપણા સહુનાં લાડલા ગણપતિ બાપ્પા વાજતે ગાજતે પધારશે. આ વર્ષે ગણેશ ચતુર્થી ૬ સપ્ટેમ્બરે છે કે ૭ સપ્ટેમ્બરે તેવા મંતમંતાર થઇ રહ્યાં છે. આમ જુવો તો અમારાં સિડનીનાં સમયાનુસાર ભાદરવા સુદ ચોથની તિથિ ગઈકાલે સાંજે ૭ઃ૩૧ મિનિટે પ્રારંભ થઇ અને આજે રાતે ૧૦ઃ૦૭ મિનિટે સમાપ્ત થશે. પંચાંગ અનુસાર ગણેશ ચતુર્થીની સાચી તિથિ માટે ભાદ્રપદનાં શુક્લ પક્ષની ચતુર્થી તિથિ સૂર્યોદયનાં સમયે હોવી જોઈએ માટે ગણેશ ચતુર્થી આજે ૭ સપ્ટેમ્બરે ઉજવવી વધુ યોગ્ય છે.

google news png

મેં હંમેશા જોયું છે કે આપણને બધાને એવું લાગે છે કે મેં ગણપતિ બાપ્પાને બોલાવ્યા પણ ખરી હકીકત તો એ છે કે આપણે કોણ બાપ્પાને બોલાવવા વાળા ? બાપ્પાની મરજી હોય છે એટલે આવે છે. એમની મરજી વગર પાંદડું પણ ક્યાં હલે છે. જીવનમાં આપણને પણ અવારનવાર આવા ઘણા બધા ભ્રમ થતાં હોય છે કે આ વસ્તુ મેં કરી કે આ વસ્તુ મારાં લીધે ચાલે છે વગેરે વગેરે… પણ વિચાર કરવા જેવો છે કે શું ખરેખર કોઈ વાત આપણા પર આધાર રાખે છે ખરાં ?

Banner Vaibhavi Joshi

આપણે ત્યાં જયારે કોઈ મહાપુરુષ પધારવાના હોય ત્યારે સમગ્ર વાતાવરણમાં ઉત્સાહ અને ઉલ્લાસ છવાઈ જાય છે પણ તે વ્યક્તિ જ્યારે વિદાય લે ત્યારે એ ઉત્સાહ અને આનંદનાં બદલે ગ્લાનિ છવાઈ જાય છે. પરંતુ ગણપતિની તો વાત જ ન્યારી છે. તે પધારે ત્યારે સ્વાભાવિક જ છે કે આપણે હર્ષઘેલા થઈ ઝુમી ઉઠીયે છીએ. વાજતે ગાજતે આપણે એમને આપણા ઘરમાં સ્થાપિત કરીયે છીએ, પરંતુ જ્યારે તે વિદાય લે છે ત્યારે પણ એમને વાજતેગાજતે વિસર્જન કરવા લઈ જઈએ છીએ.

વિદાયનાં અશ્રુને બદલે ગણપતિ બાપ્પા મોરિયા, પુઢચ્યા વર્ષી લૌકરયાનાં (આનંદદાયક ગણપતિ બાપા આવતે વર્ષે પાછા જલદી પધારજો) ગગનભેદી નાદથી આવતા વર્ષે પાછા પધારવાનું નિમંત્રણ આપીએ છીએ. તે વખતે મોઢા ઉપર ગ્લાનિ કેમ નથી હોતી ? આંખો અશ્રુથી કેમ છલકાતી નથી ? એ જ તો આપણી સંસ્કૃતિનું વૈશિષ્ટય છે.

ગણપતિની સ્થાપના અને વિસર્જન એ માનવી જીવનનું સત્ય દર્શન છે. જે જન્મે છે, તે વિદાય લે જ છે. સંસારમાં પ્રત્યેકનો વિયોગ નિશ્ચિત જ છે. જો વિયોગ નિશ્ચિત જ હોય અને તે ટાળી શકાવાનો જ ન હોય તો પછી હસતે મુખે વિદાય શા માટે ન આપવી? તેની આસક્તિ શા માટે રાખવી? આપણો દેહ પણ પંચમહાભૂતની કાચી માટીનો છે. તે નષ્ટ થવાનો જ છે, તો પછી તે નષ્ટ થાય ત્યારે તેની આસક્તિ શા માટે રાખવાની?

પંચભૂતનો આ નશ્વર દેહ માટીમાં ભળી જ જવાનો છે ત્યારે આસક્તિ અને મમત્વનાં આંસુ ન સારતાં તેને હોંશેહોંશે વિદાય ન આપવી ? આ વાતનો પ્રત્યક્ષ અનુભવ મને ત્રણ-ચાર વર્ષ અગાઉ અમારાં ઘરે ‘ગણપતિની સ્થાપના’ કરવાથી લઈ ‘ગણપતિ વિસર્જન’ કરતાં વખતે થયો. સૃષ્ટિમાં એવી કોઈ વ્યક્તિ નહીં હોય જેને એક યા બીજા પ્રસંગે વિઘ્નો નહીં નડતાં હોય. ગણપતિનું અને એમના સ્વરૂપનું હાર્દ જાણ્યા પછી અને ખાસ તો એ વિઘ્નહર્તા ભગવાન છે એમ જાણ્યા પછી તેની ઉપાસના કરવાનું કોને મન ન થાય?

આ પણ વાંચો:- Historic decision of CM to start government libraries: ગુજરાતના 21 જિલ્લાઓમાં સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો મુખ્યમંત્રીના ઐતિહાસિક નિર્ણય

હવે તો મોટાં ભાગે આપણે બધા જ આપણી સગવડતાં પ્રમાણે વાર-તહેવારો ઉજવતાં થઈ ગયા છીએ પણ શ્રદ્ધાની સાથેસાથે ભક્તિ પણ જળવાઈ રહે અને પ્રકૃતિને પણ નુકસાન ન પહોંચે એનું પણ સવિશેષ ધ્યાન રાખીયે. આમ તો લગભગ બધા જ હવે ઈકો ફ્રેંડલી મૂર્તિ લાવતાં થઈ ગયા છીએ જેથી પર્યાવરણને નુકસાન પણ ન પહોંચે અને સરળતાથી પાણીમાં વિસર્જિત પણ થઈ જાય. છતાં પણ ઘણી વાર વિસર્જન પછી દરિયાકિનારે બાપ્પાની મૂર્તિનાં જે હાલ થાય છે એ દ્રશ્યો જોઈ હૈયું ભરાઈ આવે છે.

ખબર નહિ કેટકેટલાં વર્ષોથી બાપ્પા આપણા આ અક્ષમ્ય અપરાધને ક્ષમા કરતા આવ્યા છે અને તોય દર વર્ષે આપણા સહુનાં વિઘ્ન હરવા આવે છે. ૩-૪ વર્ષો પહેલાં વૈશ્વિક મહામારીનાં કારણે મોટાં-મોટાં પંડાલ નહિ બાંધવામાં આવ્યા હોય અને છતાંય આપણે બધાએ પોતપોતાના ઘરે એટલા જ ઉત્સાહથી આ ઉત્સવ ઉજવ્યો જ હશે અને એના કારણે કદાચ ખરો શ્રદ્ધાનો માહોલ પણ જામેલો એવું બધાએ અનુભવ્યું હશે.

જો કે છેલ્લાં ૨-૩ વર્ષોથી પરિસ્થિતિ હળવી થતાં ફરીથી બધાએ એટલા જ ઉમંગ અને ઉત્સાહથી મોટાં પાયે અને ભવ્ય રીતે આ તહેવારની ઉજવણી કરવાનું નક્કી કર્યું હશે. ફરીથી મોટાંમોટાં પંડાલો બંધાયા હશે અને દર વખતની જેમ જોરશોરથી એમના આગમનની તડામાર તૈયારીઓ ચાલી રહી હશે. જોકે ઘણી વખત આપણે જોતા હોઈએ છે કે મોટાં-મોટાં પંડાલમાં માત્ર પૈસા પડાવાની જ વાતો હોય છે.

BJ ADS

એનાથી ધ્વનિ પ્રદુષણ પણ એટલું જ થાય છે જે મોટી ઉંમરનાં કે નાના બાળકો માટે ઘણું કપરું સાબિત થતું હોય છે. ઘણી વાર એમાં ભક્તિરસ ન ભળતાં કોઈક અલગ જ આશય ભળી જતો હોય છે. ભગવાન તો ભાવનાં ભુખ્યા છે એમને પ્રેમથી અને ભાવથી જેટલું પણ યથાશક્તિ કરશો એમના આશીર્વાદ એ આપણા પર વરસાવવાનાં જ છે.

ખાસ કરીને જો આપણે પ્રકૃતિની જાળવણી સાથે આ બધા વાર તહેવારોની ઉજવણી કરીશું તો નક્કી જાણજો કે ઈશ્વર એની બનાવેલી સૃષ્ટિનાં જતનથી આપણા પર રાજી જ રહેશે. કદાચ એટલે જ છેલ્લાં થોડાં વર્ષોમાં મંદિર હોય કે મસ્જિદ, દેરાસર હોય કે ઉપાશ્રય કે પછી ચર્ચ કે ગુરુદ્વારા બધે જ તાળા વાગી ગયા હતાં અને એનો સીધો મતલબ ઈશ્વર આપણને સમજાવે છે કે જો હું રિસાઈ જઈશ તો મારાં તમામ દ્વાર બંધ કરી દઈશ.

નવાઈની વાત એ છે કે, અત્યાર સુધી કોઈ પણ કુદરતી આફત કે હોનારત સર્જાઈ હશે ત્યારે આપણે હંમેશા ઈશ્વરને જવાબદાર ઠેરવ્યાં છે પણ હવે આજનાં કળિયુગમાં ઈશ્વરે આપણને ઘણી વાર પરચો આપતા કહ્યું છે કે, હે માનવ ! હવે તું કોને જવાબદાર ઠેરવીશ ? આ તો તારી જ સર્જેલી આફત છે. જ્યાં માણસ જ માણસનો શત્રુ હોય તો હવે દોષનો ટોપલો મારાં માથે કેમ ? મેં આવી સૃષ્ટિની તો કલ્પના પણ નહોતી કરી અને માટે જ આજે સમગ્ર માનવજાત ઈશ્વરની ગુનેગાર છે માટે માફી તો માંગવી જ રહી.

આવો આપણે સહુ આજે ગણપતિ જન્મોત્સવ નિમિત્તે સાથે મળીને બે હાથ જોડીને પ્રાર્થના કરીયે કે, “હે ગણપતિ બાપ્પા ! અમારાં અસંખ્ય અને અક્ષમ્ય અપરાધોને પણ ક્ષમા આપી તમામ માનવસર્જિત સંકટમાંથી મુક્તિ આપો.” 🙏🙏વૈભવી જોશી

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *