Rishi Panchami

Rishi Panchami: સનાતન ધર્મમાં સપ્તર્ષિઓનું વિશેષ સ્થાન; આજે ઋષિ પંચમી વ્રત-પૂજા

Banner Vaibhavi Joshi

Rishi Panchami: આજે ભાદરવા માસનાં શુક્લ પક્ષની પાંચમી તિથિએ ઋષિ પંચમી વ્રત-પૂજા કરવામાં આવે છે. અમારા સિડનીનાં સમયાનુસાર પાંચમની તિથિનો પ્રારંભ ગઈ કાલે રાત્રે ૧૦ઃ૦૭ મિનિટે થયો જે આવતી કાલે રાત્રે ૧૨ઃ૨૮ મિનિટે સમાપ્ત થશે. આ દિવસે સપ્તર્ષિઓની પૂજા કરવાનો નિયમ છે. ઋષિ કશ્યપ, ઋષિ અત્રિ, ઋષિ ભારદ્વાજ, ઋષિ વિશ્વામિત્ર, ઋષિ ગૌતમ, ઋષિ જમદગ્નિ અને ઋષિ વશિષ્ઠ આ સપ્તર્ષિઓની ઋષિ પંચમીનાં દિવસે પૂજા કરવામાં આવે છે. આ વ્રતમાં સપ્તઋષિઓ સહિત અરૂંધતીનું પૂજન પણ થાય છે.

google news png

ધર્મગ્રંથોમાં ગુરુઓનું સ્થાન ઇશ્વર સમાન બતાવવામાં આવ્યું છે. દરેક વ્યક્તિનાં જીવનમાં કોઈને કોઈ ગુરુ તો હોય જ છે. પુરાતન યુગમાં ઋષિઓને ગુરુ માનવામાં આવતા હતાં. અનુવૈદિક પરંપરાઓમાં કોઇએ સખત તપ અને ઘ્યાન કર્યુ હોય અને જેની પાસે અંતિમ સત્ય અને ઊંડાણવાળું જ્ઞાન છે તેના માટે પૌરાણિક શાસ્ત્રો અને ગ્રંથોમાં ઋષિ શબ્દ પ્રયોજયો છે. ઋષિ એ તો ભારતભૂમિની ધરોહર છે. ‘ઋષિ”- એટલે મંત્રદૃષ્ટા, નવું દર્શન આપનાર, સાધુ પુરુષ, ઉચ્ચ કોટિનાં સંત, શ્રેષ્ઠ તપસ્વી- જેવા ઘણા સાત્વિક અર્થો થાય છે.

ઋષિ એ જ્ઞાની અને પૂર્ણ મનુષ્ય માટે વપરાતો વૈદિક શબ્દ છે. સમગ્ર જગતમાં જો કોઈ સાહિત્યની શરૂઆત થઈ હોય તો તે વેદ છે અને વેદોનું સાંગોપાંગ સર્જન કરનારા આપણા આ મહાન ઋષિઓ છે. આ ઋષિઓએ વેદો-પૂરાણો-ઉપનિષદ-રામાયણ અને મહાભારતની રચના કરી હતી. આ ઋષિઓમાં સપ્તર્ષિને સૌથી ઉપર રાખવામાં આવ્યા હતા. સનાતન ધર્મમાં સપ્તર્ષિઓનું વિશેષ સ્થાન છે.

BJ ADS

વિષ્ણુ પુરાણ અને પદ્મ પુરાણમાં સપ્તર્ષિઓનો મહિમા બતાવવામાં આવ્યો છે. સપ્તર્ષિનો અર્થ થાય છે સાત ઋષિ. મત્સ્ય પુરાણ અનુસાર, બ્રહ્માજીએ સંસારમાં ધર્મની સ્થાપના કરવા અને સનાતન સંસ્કૃતિનું જ્ઞાન જાળવી રાખવા માટે પોતાના માથામાંથી સપ્તર્ષિની ઉત્પત્તિ કરી હતી. ભગવાન શિવે સપ્તર્ષિનાં ગુરુ બનીને તેમને વેદ, ગ્રંથ અને પુરાણોનું શિક્ષણ આપ્યું હતું.

અત્યાર સુધીનાં યુગમાં વશિષ્ઠ, અત્રિ, ગૌતમ, કશ્યપ, જમદગ્નિ, ભારદ્વાજ અને વિશ્વામિત્ર મહાન ઋષિ રહ્યા છે. તેમને સપ્તર્ષિની ઉપમા આપવામાં આવી છે. ઋષિપત્ની ઋષિકાઓ પણ તેઓની વિદ્વતા- સાહસ- સંસ્કાર માટે આજે પણ પૂજનીય છે. જેમાં સતી અનસૂયા, ગાર્ગી, અહલ્યા, સતી વૃંદા, દીતિ, અદિતિ, અંજની, ઇલા, કાત્યાયની, દેવયાની, દેવહુતિ, લોપામુદ્રા, રોમાશા, વિશ્ર્વવારા, વ્યુહુ, વ્યામિ, કદ્રુ, ઇન્દ્રાણી, પૌલોમી અને સાવિત્રીનો અને શતરુપાનો ઉલ્લેખ જોવા મળે છે.

ઋષિ વશિષ્ઠ રાજા દશરથનાં કુળગુરુ હતા. ઋષિ અત્રિનાં આશ્રમમાં ભગવાન શ્રી રામ રોકાયા હતા. ઋષિ ગૌતમે તેમની પત્ની અહિલ્યાને પથ્થર બનવાનો શ્રાપ આપ્યો હતો અને શ્રી રામે તેમને શ્રાપમુક્ત કર્યા હતા. ઋષિ કશ્યપનાં પત્ની અદિતીએ દેવતાઓ અને દિતિએ દૈત્યોને જન્મ આપ્યો હતો. ઋષિ જમદગ્નિ ભગવાન પરશુરામનાં પિતા હતા. ઋષિ ભારદ્વાજે આર્યુર્વેદ જેવા મહાન ગ્રંથની રચના કરી હતી. ઋષિ વિશ્વામિત્ર ભગવાન શ્રી રામ અને લક્ષ્મણનાં ગુરુ હતા. ઋષિ વિશ્વામિત્રએ ગાયત્રી મંત્રની રચના કરી હતી. આ પ્રકારે સપ્તર્ષિઓએ જનકલ્યાણમાં પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું હતુ.

આ પણ વાંચો:- Ambaji Padyatra in World Book of Records: ડૉ. પંકજ નાગરની ૩૬ વર્ષની અવિરત અંબાજી પદયાત્રાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન

આજનાં યુગમાં ધ્રુવ તારાની આસપાસ ફેલાયેલા તારામંડળને સપ્તર્ષિ માનવામાં આવે છે. સપ્તર્ષિ પદ દ્વારા આકાશમાં રહેલ નક્ષત્રમંડળનાં સાત તારાઓનું ઝૂમખું એવો અર્થ પણ સ્વીકારાય છે; તેનું કારણ એ છે કે, પ્રાચીન કાળમાં થઈ ગયેલાં મોટા જ્યોતિષીઓ તથા આર્ય સંસ્કૃતિનાં મૂળ સંરક્ષકોને આપણા પૂર્વજોએ આ રીતે આકાશમાં સ્થાન આપી અમર બનાવ્યા છે.

પુરાણોમાં કુલ ૧૪ મન્વન્તરોની જે કલ્પના છે તે પ્રત્યેક મન્વન્તરનાં સપ્તર્ષિ અલગ-અલગ મનાયા છે. દરેક મનવંતરમાં સાત સાત ઋષિ થયા છે એટલે કુલ ૯૮ ઋષિઓનાં નામ મળે છે.

ઋગ્વેદ સર્વાનુક્રમણીમાં જે સૂક્તદ્રષ્ટા ઋષિઓને સપ્તર્ષિ કહ્યા છે, તે છે ૧. બૃહસ્પતિનાં પુત્ર ભારદ્વાજ, ૨. મરીચિનાં પુત્ર કશ્યપ, ૩. રહુગણનાં પુત્ર ગૌતમ, ૪. ભૂમિપુત્ર અત્રિ, ૫. ગાધિપુત્ર વિશ્વામિત્ર, ૬. ભૃગુપુત્ર જમદગ્નિ અને ૭. મિત્રાવરુણનાં પુત્ર વસિષ્ઠ.

સપ્તર્ષિની કલ્પના ને તેની વિભાવના કાલાન્તરે બદલાતી રહી છે પરંતુ તે સર્વમાં એકરૂપ જણાતી બાબત એ છે કે, સપ્તર્ષિઓ એ એક રીતે જોઈએ તો યુગપુરુષો સમ ગણાતા. તેઓ સમાજની પ્રગતિ તથા ઉત્થાનનાં નિર્વાહક બની રહેતા; એટલું જ નહિ, સમાજનું સાતત્ય પણ તેમના ઉપર અવલંબતું હતું.

કાલગણનામાં જે સૌપ્રથમ સપ્તર્ષિઓ તરીકે નિર્ધારિત કરાયા તે બ્રહ્માનાં દસ માનસપુત્રો પૈકીના સાત હતા; જેઓ પ્રજાપતિ તરીકે પણ ઓળખાયા. મહાભારતમાં પ્રાપ્ત નામાવલિમાં તેમનો નિર્દેશ મળે છે. મહાભારતમાં સપ્તર્ષિઓની નામાવલિ બે પ્રકારની મળે છે. જેમ કે,

૧. કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વસિષ્ઠ.

૨. મરીચિ, અત્રિ, અંગિરસ્, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ અને વસિષ્ઠ.

આમ યુગપરિવર્તન સાથે સપ્તર્ષિઓ પણ બદલાતા. હાલમાં સપ્તર્ષિરૂપ ગણાતા ઋષિઓનાં નામ દ્વિતીય નામાવલિમાં મળે છે. આમ, સપ્તર્ષિ ચાહે તે ઋષિરૂપ હોય કે આકાશમાં સ્થિત તારામંડળ; પણ તેઓ સમગ્ર માનવજાત માટે પ્રેરક, પ્રોત્સાહક, માર્ગદર્શકરૂપ બની રહ્યા છે.

આ વ્રતનો ઉદ્દેશ્ય ઋષિની પૂજા સમાજે કરવી તેવો છે. સ્ત્રી જાતિ ઉપર તો ઋષિનાં આશીર્વાદ હંમેશા રહ્યા છે. આદ્ય જનની સીતાનો જ્યારે રામે ત્યાગ કર્યો ત્યારે મહર્ષિ વાલ્મીકિએ આશ્રમમાં રાખી રક્ષા કરી હતી. ભારત દેશ નામ પડ્યું એવા ભરતની જનની શકુન્તલા પણ ઋષિની છત્રછાયામાં ઉછરી હતી. ભારતની નારી પર સતત ઋષિઓની છત્રછાયા રહે અને તેમના સંતાનોમાં ઋષિ સંસ્કારો આવે તે ‘ઋષિ પંચમી’ નો હેતું છે.

જ્યોતિષ, આરોગ્ય, સ્થાપત્ય, મંત્ર, યોગ, વિજ્ઞાન, ભૂગોળ, સાહિત્ય અને અધ્યાત્મ ક્ષેત્રે આ સર્વ ઋષિ- ઋષિપત્નીઓએ આપેલ યોગદાન માટે આપણે સૌ ઋણી છીએ ત્યારે આવો ઋષિપંચમીએ આ સૌને યાદ કરી સર્વને આદર સહિત પ્રણામ કરી ભાવાંજલિ અર્પણ કરીએ..!!- વૈભવી જોશી

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *