Atmanirbhar gram yatra: શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ કરાવ્યો
Atmanirbhar gram yatra: પાલનપુર ટાઉનહોલ ખાતેથી શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. મંત્રીએ આત્મનિર્ભર ગ્રામ યાત્રાના રથને લીલીઝંડી આપી
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૮ નવેમ્બર: Atmanirbhar gram yatra: આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજયમાં તા. ૧૮ થી ૨૦ નવેમ્બર દરમ્યાન ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ની ભવ્ય ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ટાઉનહોલ ખાતેથી શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. મંત્રીએ આત્મનિર્ભર ગ્રામ યાત્રાના રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો (Atmanirbhar gram yatra) પ્રારંભ કરાવતા મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, આપણો દેશ વિશ્વગુરૂ બને તે દિશામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કામ થઇ રહ્યું છે

ત્યારે આત્મનિર્ભર ભારત અભિયાનથી દેશના લોકોને સુખી, સમૃધ્ધ બનાવી ભારતને વિશ્વગુરૂ બનાવીએ. મંત્રીએ કહ્યું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે, ભારત ગામડાઓમાં વસે છે. ભારતનો આત્મા ગામડું છે ત્યારે ગામડાઓમાં પણ શહેરોના જેવી શિક્ષણ, રસ્તા, પાણી, આરોગ્ય સહિતની સુવિધા ઓ વિકસાવી સાચા અર્થમાં ગામડાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં સરકારે અભિયાન આદર્યુ છે.
તેમણે ઉમેર્યુ કે, તા. ૧૮ થી ૨૦ નવેમ્બર દરમ્યાન જિલ્લા પંચાયતની તમામ સીટો પર આત્મનિર્ભર ગ્રામ યાત્રા પરિભ્રમણ કરી લોકોને સરકારી યોજનાઓથી માહિતગાર કરશે. બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયતની ૬૬ સીટો પર આત્મનિર્ભર ગ્રામ યાત્રા પરિભ્રમણ કરશે. મંત્રીએ કહ્યું કે, આત્મનિર્ભર ગ્રામ થકી આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરીએ.
આ પ્રસંગે મંત્રીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રતિકાત્મક ચાવી આપી ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. મંત્રીના હસ્તે બનાસકાંઠા જિલ્લાના કુલ રૂ. ૯૩.૨૦ કરોડના વિકાસ કામોનું ખાતમૂર્હત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા લાભાર્થીઓને સહાય વિતરણ, માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓના કામોનું ખાતમૂર્હત, સિંચાઇ દ્વારા ડીસીલ્ટીંગ અને વૃક્ષ કટીંગના કામોનું ખાતમૂર્હત, પશુપાલન દ્વારા દૂધ ઘર અને ગોડાઉનના કામોનું ખાતમૂર્હત, પાણી પુરવઠા અને વાસ્મો દ્વારા નલ સે જલ યોજના હેઠળ આંતરીક પીવાના પાણીની માળખાકીય સુવિધાના કામોનું લોકાર્પણ/ ખાતમૂર્હત, ખેતીવાડી ખાતાના લાભાર્થીઓને ટ્રેક્ટર સહાય, મનરેગા યોજનાના કામોનું લોકાર્પણ અને ખાતમૂર્હતનો સમાવેશ થાય છે. કુંવરબાઇનું મામેરૂ યોજનાના લાભાર્થીઓને ચેક અને મંજુરીના હુકમો પણ આપવામાં આવ્યા હતાં.