Rojgaar Mela: રાજકોટ રેલવે ડિવિઝનમાં 12 જુલાઈના રોજ રોજગાર મેળાનું આયોજન
Rojgaar Mela: પ્રધાનમંત્રી રોજગાર મેળા અંતર્ગત 12 જુલાઈના રોજ રાજકોટ રેલવે ડિવિઝનમાં રોજગાર મેળાનું આયોજન

રાજકોટ, ૧૧ જુલાઈ: Rojgaar Mela: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 જુલાઈ, 2025 ના રોજ સવારે 11:00 કલાકે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 16મા રોજગાર મેળાનો શુભારંભ કરશે. આ પ્રસંગે માનનીય પ્રધાનમંત્રી 51,000 થી વધુ નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ દરમિયાન, પ્રધાનમંત્રી આ નવનિયુક્ત કર્મચારીઓને સંબોધિત પણ કરશે.
16મા રોજગાર મેળાનું આયોજન ભારતીય રેલવે દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ મેળામાં રેલવે, ગૃહ, ઉચ્ચ શિક્ષણ, પોસ્ટ, વિદ્યુત, શ્રમ સહિત લગભગ 14 મંત્રાલયોમાં નવા પસંદ થયેલા કર્મચારીઓને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવશે. ભારતીય રેલવે દ્વારા 47 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ નિમણૂકો કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં થઈ રહી છે. દેશભરમાંથી પસંદ કરાયેલા નવા કર્મચારીઓ રેલવે મંત્રાલય, ગૃહ મંત્રાલય, પોસ્ટ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નાણાકીય સેવાઓ વિભાગ, શ્રમ અને રોજગાર મંત્રાલય સહિત અન્ય વિભાગો અને મંત્રાલયોમાં જોડાશે.
આ ક્રમમાં, રાજકોટ ડિવિઝનમાં રાજકોટ સ્થિત જગજીવનરામ રેલવે ઇન્સ્ટિટ્યૂટ, કોઠી કમ્પાઉન્ડ ખાતે ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી, ભારત સરકાર નિમુબેન બાંભણિયાની ગરિમામયી ઉપસ્થિતિમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન, સ્થાનિક જનપ્રતિનિધિઓ પણ હાજર રહેશે.
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં આયોજિત રોજગાર મેળામાં લગભગ 95 નવા ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવનાર છે, જેમાં સૌથી વધુ રેલવેના 80 ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પોસ્ટલ વિભાગ, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને એઈમ્સના 15 ઉમેદવારો પણ સામેલ છે.

રોજગાર મેળો એ રોજગાર નિર્માણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક પહેલ છે. રોજગાર મેળો યુવાનોને સશક્ત બનાવવામાં અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભાગીદારી માટે સાર્થક અવસરો પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. દેશભરમાં રોજગાર મેળાઓ દ્વારા અત્યાર સુધીમાં 10 લાખથી વધુ નિમણૂક પત્રો જારી કરવામાં આવ્યા છે.