ગરૈયા કોલેજ અને શિવાનંદ હોસ્પિટલ કોવીડ કેર સેન્ટરમાંથી ૩૮૬ લોકો સંપૂર્ણ સ્વસ્થ

corona care centre shivanand 2

અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ

રાજકોટ, ૦૬ ઓક્ટોબર: કોરોના મહામારીમાં રાજ્ય સરકાર દ્વારા હળવા લક્ષણો ધરાવતા લોકોને કોવિડ કેર સેન્ટરમાં સારવાર અને દેખરેખ રાખવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં  કાળીપાટ ખાતે આવેલા ગરૈયા કોલેજ ખાતે આજથી ૩ માસ પૂર્વે ૧૫૦ બેડનું કોવીડ કેર સેન્ટર શરૂ કરાયું હતું. જયારે હાલમાં જ ૨૦ દિવસ પહેલા વીરનગર ખાતે શિવાનંદ મિશન સ્થિત કોવીડ કેર સેન્ટરમાં ૭૦ બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે.

  કોવીડ કેર સેન્ટરમાં આયુષના ડોક્ટર્સની ટીમ, નર્સિંગ,એમ.પી.ડબ્લ્યુ સહિતનો સ્ટાફ દર્દીઓની કાળજી રાખે છે. તેઓને સ્વચ્છ સુઘડ વાતાવરણમાં બે સમય સાત્વિક ભોજન, બે ટાઈમ ચા-પાણી નાસ્તો અને રાત્રે હળદરવાળું દૂધ પીવડાવવામાં આવે છે. આ ઉપરાંત દર્દીઓને રોજ આયુર્વેદિક ઉકાળા અને દવા પણ આપવામાં આવતી હોવાનું નોડલ ઓફિસર ડો. ભાનુભાઇ મેતા અને ડો. કોટડીયાએ જણાવ્યું હતું.  શાંત વાતાવરણમાં પારિવારિક ભાવના સાથે દર્દીઓ અને આરોગ્ય વિભાગની ટીમના તાલમેલથી દર્દીઓ ઝડપભેર સાજા થઈ જતા હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાઠોડ જણાવે છે. અત્યાર સુધીમાં ગરૈયા કોલેજ  સેન્ટર પર ૩૪૩ અને શિવાનંદ મિશન કેર સેન્ટરમાંથી ૪૩ લોકો સહીત કુલ ૩૮૬ લોકોએ સારવાર મેળવી સંપૂર્ણ સ્વસ્થ થઈ કોરોનાને હંમેશને માટે બાય -બાય કરી ઘરે પરત ફર્યા છે.

coronacare centre shivanand 1

કોરોનાનું નિદાન યોગ્ય સમયે કરવામાં આવે અને વહેલાસર તેની સારવાર કરવામાં આવે તો ખુબ ઝડપથી કોરોનાના દર્દીઓ સાજા થઈ જાય છે. અહીં સિવિલ હોસ્પિટલમાંથી સારવાર લીધા બાદ આગળની સારવાર માટે દર્દીઓને રીફર કરવામાં આવતા હોય છે તેમજ જે દર્દીઓને કોરોનાના સામાન્ય લક્ષણો હોઈ તેઓને પણ દાખલ કરવામાં આવે છે. કોવીડ કેર સેન્ટર ખાતે લગભગ દર્દીઓને ઓક્સિજન કે અન્ય કોઈ વિશેષ સારવાર જરૂરી હોતી નથી. આમ છતાં કોઈ દર્દીને તકલીફ થાય તો તેઓને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવે છે. અહીં દાખલ થયેલા દર્દીઓ  લગભગ ૩ થી ૧૦ દિવસમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ જતા હોવાનું ડો. રાઠોડ જણાવે છે. અહીંથી સ્વસ્થ થઈ પરત ફરતા દર્દીઓએ સેન્ટર પરની સુવિધા અને સારવાર માટે આરોગ્ય વિભાગની ટીમ  તેમજ  રાજ્ય સરકારનો ખાસ આભાર માન્યો હતો.

loading…