Bhashar silk mill

Bhaskar Silk Mill raid: પલસાણાના તાતીથૈયા ગામ પાસે આવેલી ભાસ્કર સિલ્ક મિલમાં કૃષિ વિભાગ અધિકારીઓના દરોડા

Bhaskar Silk Mill raid: નીમ કોટેડ યુરીયાની રૂ.૩૬,૫૧૦ ની ૧૩૭ થેલીઓનો જથ્થો ઝડપાયો

કૃષિ વપરાશ માટેના ખાતરનું ઔદ્યોગિક વપરાશ કરવા બદલ મિલ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી

અહેવાલ: પરેશ ટાપણીયા
સુરત, ૨૯ જાન્યુઆરીઃ
Bhaskar Silk Mill raid: પલસાણા તાલુકાના તાતીથૈયા ગામ ખાતે આવેલી ભાસ્કર સિલ્ક મિલ પ્રા.લિ. પર સુરતના ખેતી વિસ્તરણ અને ગુણવત્તા નિયંત્રણ વિભાગના અધિકારીઓએ દરોડા પાડતાં મિલમાંથી નીમ કોટેડ યુરીયા (એન-૪૬ %)ની ક્રિભકો હજીરા દ્વારા ખેત વપરાશ માટે ઉત્પાદિત ૧૨૨ થેલીઓ અને જી.એન.એફ.સી.-ભરૂચ દ્વારા ઉત્પાદિત ૧૫ થેલીઓ મળી કુલ રૂ.૩૬,૫૧૦ ની કિંમતની ૧૩૭ થેલીઓ ઝડપાઈ છે. કૃષિ વપરાશ માટેના ખાતરનું ઔદ્યોગિક વપરાશ કરવા બદલ મિલ વિરુદ્ધ કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં વિભાગના અધિકારીએ ફરિયાદ નોંધાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દરોડા દરમિયાન ભાસ્કર સિલ્ક મિલના (Bhaskar Silk Mill raid) ડાયરેકટર સૌરવ તિબ્રેવાલની પૂછપરછ કરવામાં આવતાં તેમણે આ યુરીયાના જથ્થાનો ઉપયોગ મિલમાં કોટન કાપડના ડાઈંગ માટે કરવામાં આવતો હોવાનું અને આ જથ્થો મિલના સ્ટાફ વિભાગમાં કામ કરતાં વિરેન્દ્ર કાલકા રાજપૂત દ્વારા મંગાવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી આ યુરીયા ક્યાંથી, કોની પાસેથી લાવવામાં આવ્યુ એ વિષે વિરેન્દ્રની પૂછપરછ કરતાં તે કોઈ સંતોષકારક ઉત્તર આપી શક્યો ન હતો, તેમજ ખરીદીનું બિલ પણ રજૂ કરી શક્યો ન હતો.

જેથી અધિકારીઓએ ખેત ઉપયોગ માટે લેવાતા નીમ કોટેડ રાસાયણિક ખાતરનો ઔદ્યોગિક વપરાશ કરવાં બદલ ખાતર નિયંત્રણ હુકમ, આવશ્યક ચીજવસ્તુ ધારા સહિતની કાયદાકીય કલમોનો ભંગ કરવા બદલ મિલ કંપની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ યુરીયા ખાતરનું સેમ્પલ લઈને ચકાસણી અર્થે રાસાયણિક ખાતર લેબોરેટરી,બારડોલી ખાતે મોકલી આપ્યાં હતાં.

ઝડપાયેલા ખાતરની પ્રત્યેક બેગમાં ૪૫ કિલોની ભરતી છે, જેનું ઉત્પાદન મે-૨૦૨૧ માં થયું છે. અધિકારીઓએ ખાતરના જથ્થાને સીઝ કર્યો છે.

આ પણ વાંચો…સિને જગતનાં ઝળહળતાં સિતારા અરવિંદ જોશીને એમની પ્રથમ પુણ્યતિથિએ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ..!!

Gujarati banner 01