Cholera disease

Cholera disease: આ શહેરમાં રોગચાળો ફાટ્યો, બાળકો સહિત 60 લોકો થયા રોગના શિકાર, એક બાળકનુ થયુ મોત

Cholera disease: ગઈકાલે રાત્રીથી કોલેરાનાં દર્દીઓને સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની નોબત આવી છતાં આરોગ્ય તંત્ર હજી પણ ગાઢ નિંદ્રામાં પોઢી ગયું હોવાનો ઘાટ ઘડાયો

કલોલ, 07 માર્ચઃ Cholera disease: ગાંધીનગર જિલ્લાનાં કલોલ રેલવે પૂર્વ વિસ્તારથી 500 મીટર દુર આવેલા તેજાનંદ, સરસ્વતી, પ્રભુનગર અને દીવડાં તળાવ રહેણાંક વસાહતમાં બાળકો સહિત 60 જેટલા લોકો કોલેરાનો શિકાર બનતા આસપાસના વિસ્તારમાં ફરીવાર ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જ્યારે એક બાળકનું મોત થયું છે. ગઈકાલે રાત્રીથી કોલેરાનાં દર્દીઓને સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની નોબત આવી છતાં આરોગ્ય તંત્ર હજી પણ ગાઢ નિંદ્રામાં પોઢી ગયું હોવાનો ઘાટ ઘડાયો છે.

ગાંધીનગરમાં જુલાઈ મહિના દરમિયાન કલોલના પૂર્વ રેલ્વે વિસ્તારમાં કોલેરાએ હાહાકાર મચાવી દેતા જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું હતું. ગટર અને પીવાનું પાણી ભેળસેળ યુકત થઈ જતાં કલોલ પૂર્વમાં કોલેરાનો રોગચાળો ફાટી નીકળતા કલોલ પૂર્વ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી ઘરે ઘરે સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું.


કલોલ પૂર્વના જે.પીની લાટી, ત્રિકમનગર, શ્રેયસના છાપરાં સહિતના વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો ફેલાયો હતો. આ રોગચાળો જીવલેણ સાબિત થયો હતો. અને તેમાં બે બાળકો સહિત ત્રણના મોત નિપજ્યા હતા. ત્યારે આ રોગચાળો કોલેરા હોવાનું સામે આવ્યા બાદ અત્રેના બે કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Honor killing: પ્રેમ કરવાની મળી આવી સજા, પિતાએ ભાઈઓની મદદથી પુત્રીનુ ગળુ કાપી નાખ્યું- વાંચો સંપૂર્ણ વિગત

નવા વિસ્તારોમાંથી એટલે કે, કલોલના મધ્યમાં આવેલી સોસાયટીઓમાંથી પાણણીજન્ય રોગચાળાના દર્દીઓ પણ પ્રકાશમાં આવવા લાગ્યા હતાં . જેના કારણે આ કોલેરાના રોગચાળો વકર્યો હોવાનું નિષ્ણાંતો શંકા વ્યક્ત કરી હતી. ત્યારે કલોલના મધ્યમાં આવેલી મંગળ ગીરધરનગર પ્રેસ વિસ્તારમાં રહેતા પરિવારની નવ વર્ષિય બાળકીનું પણ ઝાડા ઉલ્ટી બાદ મોત નિપજ્યું હતું.


કલોલમા પીવાનું અને ગટરનું પાણી મિશ્રિત થવાથી ઝાડા ઉલટીનાં કેસો વધી જતાં લોકસભા સાંસદ અમિત શાહ દ્વારા પણ ગાંધીનગર આરોગ્ય તંત્રને ખાસ સૂચનાઓ પણ અપાઈ હતી. જો કે કલોલ નગરપાલિકાની બેદરકારીના કારણે પૂર્વ વિસ્તારમાં ફરીવાર કોલેરાએ પગ પેસારો કરીને 60 જેટલાં લોકોને ઝપેટમાં લઈ લીધા છે.આ વખતે નાના બાળકો પણ કોલેરાની ઝપેટમાં આવી જતાં પ્રભુનગર અને દીવડાં તળાવ વિસ્તારના રહેવાસીઓ ફફડી ઉઠ્યા છે. આ અંગે કલોલ વોર્ડ નંબર – 4 વિસ્તારમાં રહેતાં અસરગ્રસ્તોએ જણાવ્યું હતું કે, દૂષિત પાણીની સમસ્યા અંગે વારંવાર નગરપાલિકા તંત્રને રજૂઆત કરી હતી, પરંતુ ભૂતકાળની જેમ આ વખતે પણ કોઈએ ફરિયાદોનાં નિરાકરણ માટે કાર્યવાહી કરાઈ ન હતી. જેનાં કારણે બે ત્રણ દિવસથી નાના નાના બાળકો સહિત 60 જેટલાં લોકો કોલેરાનો શિકાર થયા છે. હાલમાં અત્રેના વિસ્તારમાં ઘરે ઘરે કોલેરાનાં દર્દીઓનાં ખાટલા થઈ ગયા છે.

આ અંગે કલોલ નગરપાલિકાનાં ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, કલોલ પૂર્વ વોર્ડ નંબર – 4 વિસ્તારમાં તેજાનંદ સોસાયટી, સરસ્વતી સોસાયટી, પ્રભુનગર અને દીવડાં તળાવ વિસ્તારમાં 39 દર્દીઓ ઝાડા ઉલ્ટીના મળી આવ્યા છે. જેનાં પગલે સવારથી જ આરોગ્ય ટીમ દ્વારા તમામના લોહીના નમૂના લઈને સર્વેલન્સ શરૂ કરી દેવામાં આવ્યું છે.વધુમાં ચીફ ઓફિસરે ઉમેર્યું હતું કે, માણસા ઓવરબ્રિજ નીચે આવેલી ગટર લાઈનનાં કારણે સમસ્યા સર્જાય છે. દૂષિત પાણીના નિકાલ માટે પંપ મૂકીને નિકાલ કરવામાં આવી રહ્યો છે. એકતરફથી દૂષિત પાણી ભરાઈ રહેવાના કારણે સમસ્યા ઉભી થઈ છે

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.