અમદાવાદ પૂર્વમાં પ્રથમ કોવિડ કેર સેન્ટર(covid care centre) કાર્યરત-૧૦૮ કોવિડ બેડની ક્ષમતા ધરાવતું આ સેન્ટર આગામી સમયમાં ૫૦૦ બેડસુધી લઈ જવાશે
- વટવા-રામોલ-વસ્ત્રાલ હાથીજણ વિસ્તારના નગરજનો માટે આ કોવિડ કેર સેન્ટર આશીર્વાદરૂપ બની રહેશે:શ્રી પ્રદિપસિંહ જાડેજા
- આઇસોલેસનની સુવિધા ન હોય તેવા પરિવારો માટે વટવા વિસ્તારમાં કોવિડ કેર સેન્ટર(covid care centre) કાર્યરત કરાયું
અહેવાલ: અમિતસિંહ ચૌહાણ
અમદાવાદ, 01 મેઃ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, સંક્રમણ અટકાવવા કોરોનાની ચેન તોડવી એ આ સમયની માંગ છે ત્યારે રાજ્ય સરકારે આ દિશામાં પરિણામલક્ષી કામગીરી કરી છે. અમદાવાદ પૂર્વ માં અમદાવાદ મહાનગરપાલિકા અને વટવા ઇન્ડસ્ટ્રીઅલ એસોસીએશન સંયુક્ત સહયોગથી વટવા જીઆઈડીસીમાં સી-પેટ સંસ્થા સંચાલિત બોયસ હોસ્ટેલ ખાતે બનાવાયેલ આ કોવિડ કેર સેન્ટર(covid care centre)ની મંત્રીએ આજે મુલાકાત લીધી હતી.

પ્રદિપસિંહ જાડેજાએ પોતાના મતવિસ્તાર વટવા જી.આઇ.ડી.સી.માં સીપેટ હોસ્ટેલ ખાતે શરૂ થયેલ નવીન કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઈ આ કોવિડ કેર સેન્ટર વટવા,રામોલ, હાથીજણ ,અને વસ્ત્રાલમાં રહેતા નગરજનો માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવી લાગણી વ્યકત કરી હતી. હાલ સીપેટ હોસ્ટેલ ખાતેના કોવિડ કેર સેન્ટરમાં ૧૦૮ પથારીની વ્યવસ્થા કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કરવામાં આવી હોવાનું જણાવી આગામી સમયમાં જરૂરિયાત મુજબ ૫૦૦ પથારી સુધીની ક્ષમતા વધારી શકાશે તેમ તેમણે જણાવ્યું હતું.

આ કોવિડ કેર સેન્ટરમાં પુરુષ અને સ્ત્રી માટે સારવાર મેળવવાની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. આ કોવિડ કેર સેન્ટરમાં મેડિકલ, પેરામેડિકલ અને નર્સિંગ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવારમાં તહેનાત રહેશે.અહીં સારવાર અર્થે આવતા દર્દીઓને જીવન જરૂરિયાતની આનુસંગીક વ્યવસ્થાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું. આ નવીન કોવિડ કેર આઇસોલેશન સેન્ટર અમદાવાદ પૂર્વમાં રહેતા નગરજનો કે જેમના ઘરમાં કોરોનાગ્રસ્ત થયા બાદ આઇસોલેટ થવાની વ્યવસ્થા નથી તેમના માટે કારગર નિવડશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

મંત્રીએ કહ્યું કે, કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં ઉધોગપતિ, સેવાભાવી સંસ્થાઓ , સમાજના સુખી સમપન્ન લોકો સરકાર સાથે જોડાઇને કોરોના સામેની લડતમાં જનકલ્યાણના કાર્યો કરી રહ્યા છે તે અનુકરણીય છે. ઘણી સેવાભાવી સંસ્થાઓએ કોરોના મહામારીમાં દર્દીઓના સેવાયજ્ઞમાં જોડાઇને ઉદારતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે જે સમાજ માટે ગૌરવવંતી બાબત છે તેમ તેમણે ઉમેર્યુ હતુ. પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિમાં પ્રજા અને સરકારના સંયુક્ત પ્રયાસોથી જ કોરોના મહામારી પર નિયંત્રણ મેળવી શકાશે. શહેરમાં વિવિધ સ્થળોએ શરૂ થઇ રહેલા કોવિડ કેર સેન્ટર કોરોનાગ્રસ્ત દર્દીઓને પ્રાથમિક સારવાર આપવામાં અસરકારક નિવડશે તેવી આશા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે અમદાવાદ પૂર્વ વિસ્તારના સાંસદ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા, અગ્રણી રમેશભાઈ દેસાઈ, અગ્રણીઓ, કાઉન્સિલર સર્વ મૌલિકભાઈ પટેલ,ભરતભાઈ પરમાર, સુનિતાબેન ચૌહાણ અને ચંદ્રિકાબેન પંચાલ,વટવા ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો…