બિનહેતુકીય ખર્ચાના કારણે ગુજરાત સતત દેવાના બોજ નીચે ધકેલાઈ રહ્યું છે: પરેશ ધાનાણી
- ભાજપ સરકારમાં નાણાંકીય પ્રબંધન, નાણાંકીય સ્થિતિના અભાવની સાથે આડેધડ ઉત્સવો, જાહેરાતો અને બિનહેતુકીય ખર્ચાના કારણે ગુજરાત સતત દેવાના બોજ નીચે ધકેલાઈ રહ્યું છે, ભાજપ સરકાર આર્થિક આંકડા છુપાવી રહી છે.
- ભાજપ શાસનમાં સામાન્ય-મધ્યમવર્ગને સૌથી વધુ નુકસાન.
- નોટબંધીનો અવિચારી નિર્ણય અને જીએસટીના અમલીકરણમાં વ્યાપક વિસંગતતાના લીધે દેશ અને ગુજરાત આર્થિક હાલાકીનો સામનો કરી રહ્યા છે: પરેશ ધાનાણી

૧૧ સપ્ટેમ્બર,કેન્દ્ર સરકારના નોટબંધીના અવિચારી નિર્ણય તથા જીએસટીમાં વ્યાપક વિસંગતતા અને અમલીકરણની ખામીના કારણે છેલ્લા ચાર વર્ષથી અર્થતંત્ર પારાવાર મુશ્કેલીમાં ધકેલાઈ ગયેલ છે. વૈશ્વિક મહામારી કોરોના અને આયોજન વિનાના લોકડાઉનના પગલે ભારત દેશ મંદી, મોંઘવારી, બેરોજગારી, આર્થિક પાયમાલીમાં ધકેલાઈ ગયો છે ત્યારે આર્થિક પ્રબંધન, નાણાંકીય ગેરશિસ્ત, આડેધડ ઉત્સવો, જાહેરાતો અને બિનહેતુકીય ખર્ચના કારણે ગુજરાત સતત દેવાના બોજ નીચે ધકેલાઈ રહ્યું છે. ભાજપના શાસનમાં સામાન્ય-મધ્યમવર્ગને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું હોવાની ચિંતા વ્યક્ત કરતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક મહામારી કોરોનાના 90 દિવસમાં ભાજપ શાસનમાં આર્થિક ચિત્ર ખુલ્લું પડી ગયું છે. રાજ્ય સરકારની ટેક્સની આવકમાં ઘટાડો થયો છે. ખુદ નાણામંત્રીશ્રીએ કેન્દ્ર સરકાર સમક્ષ 12 હજાર કરોડની રકમ બાકી જીએસટીની રકમ પેટે માંગ રાખી છે એટલે કે કેન્દ્રની મોદી સરકાર ગુજરાતને જીએસટીના લેણા પેટા 12 હજાર કરોડ ન ચુકવીને અન્યાય કરી રહી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની આવક કોરોનાના પગલે સાવ તળિયે આવી ગઈ છે.
ગુજરાત સરકારે જીએસટીની આવકમાં મોટાપાયે ઘટાડાનો સ્વીકાર કર્યો છે. 2019માં આ સમયગાળા દરમ્યાન 13,700 કરોડની આવક હતી, જેની સામે આ વર્ષે 8,900 કરોડની આવક એટલે કે 5,000 કરોડનો ટેક્સની આવકમાં ઘટાડો…..!
ભાજપ સરકારની મોટા ઉદ્યોગોને અધધ મદદ કરવાની નીતિ અને બીજી બાજુ નાના-મધ્યમકદના ગુજરાતના ઓળખ સમા ઉદ્યોગો પ્રોત્સાહનના અભાવે સતત આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. ગુજરાતમાં નાના-મધ્યમકદના ઉદ્યોગો મૃતઃપ્રાય સ્થિતિમાં ધકેલાઈ રહ્યા છે ત્યારે ભાજપ સરકારની મોટાને ખોળ અને નાનાની અવગણનાને લીધે આર્થિક કટોકટી અંગે ભાજપ સરકાર જવાબદાર હોવાના આકરાં પ્રહાર કરતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, અપ્રતિમ સાહસ, વ્યાપારિક સક્ષમતા ધરાવનાર ગુજરાતમાં ભાજપ સરકારની બિનઆવડત, કુનેહના અભાવે અને આયોજન વિનાના શાસનના કારણે ઈન્ફર્મેશન ટેકનોલોજી અને સર્વિસ ઈન્ડસ્ટ્રીઝ/સેક્ટરનો જોઈએ તેવો વિકાસ થયો નથી.
કેન્દ્રની ભાજપ સરકારની ખોટી આર્થિક નીતિઓ અને પગલાંને કારણે વર્ષ 2018માં દેશની કુલ જીડીપીના 70% દેવું હતું, જે 2020માં વધીને 75% થયું છે અને વર્ષ 2021માં 91% જેટલું પહોંચી જશે. રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ગુજરાતનું દેવું વર્ષ 2002માં રૂ. 47,919 કરોડ હતું, જે વધીને માર્ચ-2019 સુધીનું રૂ. 2,88,910 કરોડ થયું છે. કોરોના મહામારીના સમયે દેશના દરેક વ્યક્તિને સરેરાશ રૂ. 27 હજારનું નુકસાન જ્યારે ગુજરાતમાં વ્યક્તિદીઠ રૂ. 45,018નું નુકસાન થયું છે ત્યારે કેન્દ્ર સરકારે જાહેર કરેલ 20 લાખ કરોડ અને ગુજરાત સરકારે જાહેર કરેલ રૂ. 14,000 કરોડનું આત્મનિર્ભર પેકેજ મૃગજળ સાબિત થઈ રહ્યું છે.
કોરોના મહામારીના પગલે રિટેલ બજારોની સાથોસાથ સર્વિસ સેક્ટર હજી બંધ છે. ઔદ્યોગિક ગતિવિધિ હજુ ઘટી રહી છે. ટેક્સટાઈલ, કેમિકલ અને ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ પારાવાર મુશ્કેલીમાં છે. પ્રવાસન ઉદ્યોગ અને હોસ્પિટાલિટી સદંતર બંધ છે. ધંધો-રોજગાર જ ન હોય તો ટેક્સ ક્યાંથી ભરી શકાય ? ઘણાં બધાં સેક્ટરોએ કર્મચારીઓના પગારકાપની સાથોસાથ કર્મચારીઓમાં ઘટાડો કર્યો છે. રાજ્યમાં વહીવટી ખર્ચ, યોજનાકીય ખર્ચ અને પ્રજાલક્ષી યોજના માટે નાણાં નથી તેમ ખુદ નાણામંત્રીશ્રી કહી રહ્યા છે તેનો અર્થ કે ગુજરાતનું આર્થિક ચિત્ર ડામાડોળ છે ત્યારે ભાજપ સરકાર આર્થિક નીતિ ઘડતર, અમલીકરણ, નાણાંકીય પ્રબંધનમાં સદંતર નિષ્ફળ નીવડી છે, જેનો ભોગ ગુજરાતની સામાન્ય-મધ્યમ વર્ગના નાગરિકો બની રહ્યા છે.
વાયબ્રન્ટ ગુજરાત-2019ના પાર્ટનર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખે પણ અગાઉ સ્વીકારેલ કે, જીએસટી અને નોટબંધી બાદ ગુજરાતના ઉદ્યોગો મંદીની વ્યાપક અસર હેઠળ છે. માત્ર સુરતમાં જ 50,000 યુનિટો બંધ થતા બે લાખથી વધુ લોકોની રોજીરોટી છીનવાઈ છે. એફ.આઈ.એ.ના આંકડાઓ મુજબ સરકારની નિષ્ક્રિયતાના કારણે રાજ્યમાં નાના અને મધ્યમ ઉદ્યોગોની સ્થિતિ કથળી રહી છે અને રાજ્યમાં નાના અને મધ્યમ ઉદ્યોગોની અવગણના થઈ રહી છે. એક ગુજરાતી દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ત્યારે રાજ્યમાં 4 લાખ નાના અને મધ્યમ ઉદ્યોગો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. કોરોનાની પરિસ્થિતિના કારણે આયોજન વગરના આપેલ આકરા લોકડાઉનના કારણે આવા ઉદ્યોગોની સંખ્યા અનેકગણી વધી ગઈ છે, આવા ઉદ્યોગોમાં કામ કરતા લાખો લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે. ભાજપ સરકાર દ્વારા રોજગારી આપવાની તો દૂર પણ રોજગારી છીનવવાનું કામ થઈ રહ્યું છે.
વાયબ્રન્ટ ગુજરાતની વાતો કરનારાઓએ જ્યારથી દેશનું સુકાન સંભાળ્યું છે ત્યારથી પ્રજાને ‘મેઈક ઈન ઈન્ડીયા’, ‘સ્કીલ ઈન્ડીયા’ વગેરે સૂત્રોથી સામાન્ય લોકોને આત્મનિર્ભર બનવાની સલાહ આપીને ભગવાન ભરોસે જીવવા કેમ મજબુર કરી રહ્યા છે. લોકોએ ભાજપ પર મૂકેલો ભરોસો ઠગારો નીવડયો એટલે આત્મનિર્ભર બની ભગવાન ભરોસે જીવવાની સલાહ શું કામ આપી રહ્યા છે ? તેવા વેધક પ્રશ્નો શ્રી ધાનાણીએ કર્યા હતા.
| કેન્દ્ર સરકારની ટેક્સની આવકરૂ. (કરોડમાં) | રાજ્ય સરકારની ટેક્સની આવકરૂ. (કરોડમાં) | ||
| એપ્રિલ-2019 | 1,13,865 | ||
| એપ્રિલ-2020 | 32,172 | એપ્રિલ-2020 | 500 |
| મે-2020 | 62,151 | મે-2020 | 1500 |
| જુન-2020 | 90,917 | જુન-2020 | 2500 |
| જુલાઈ-2020 | 87,422 | જુલાઈ-2020 | 2200 |
