Gujarat Highcourt PIL: ગુજરાતીને હાઇકોર્ટની વધારાની ભાષા બનાવવા હાઇકોર્ટમાં PIL
Gujarat Highcourt PIL: હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે બુધવારે આ કેસની પ્રાથમિક સુનાવણી કર્યા બાદ વધુ સુનાવણી ૧લી ડિસેમ્બરના રોજ મુકરર કરી છે.

અમદાવાદ, 21 ફેબ્રુઆરીઃ PIL in HC: Gujarat Highcourt PIL: ગુજરાત હાઇકોર્ટની કાર્યવાહીમાં ગુજરાતીને વધારાની ભાષા તરીકે ઉપયોગમાં લેવાની મંજૂરી આપવાની દાદ માંગતી જાહેરહિતની અરજી હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી છે. જેમાં એડવોકેટ તરફથી એવી માગ કરવામાં આવી છે કે, રાજ્યના રાજ્યપાલ દ્વારા ગુજરાતી ભાષાના ઉપયોગ અંગે ઓથોરાઇઝેશન આપી દીધું છે અને આ ઓથોરાઇઝેશનને અમલમાં મૂકવા માટે રાજ્ય સરકારને આદેશ કરવામાં આવે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે બુધવારે આ કેસની પ્રાથમિક સુનાવણી કર્યા બાદ વધુ સુનાવણી ૧લી ડિસેમ્બરના રોજ મુકરર કરી છે.
આ જાહેરહિતની અરજીમાં સિનિયર એડવોકેટ અસીમ પંડ્યા તરફથી એવી રજૂઆત કરાઇ હતી કે, ‘વર્ષ ૨૦૧૨માં રાજ્યની વિધાનસભાએ સર્વાનુમતે બંધારણના અનુચ્છેદ ૩૪૮ અન્વયે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવા અંગે ભલામણ કરી હતી. જે ભલામણને મંત્રીમંડળ સમક્ષ મૂકવામાં આવી હતી અને મંત્રીમંડળે આ ભલામણને રાજ્યપાલ સમક્ષ મૂકી હતી. જેમાં રાજ્યપાલ દ્વારા ગુજરાતી ભાષાના ઉપયોગ અંગે ઓથોરાઇઝેશન આપ્યું હતું.
આ પણ વાંચો:- Mahashivratri in Somnath: મહાશિવરાત્રી પર્વે સોમનાથ ટ્રસ્ટ હજારો ભકતોને કરાવશે પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન
ભારત એક લોકશાહી દેશ છે અને એમાં જ્યારે રાજ્યપાલ બંધારણની મર્યાદામાં રહીને કોઇ ઓથોરાઇઝેશન આપતા હોય ત્યારે એ મામલે દેશની સુપ્રીમ કોર્ટ કે રાજ્યની હાઇકોર્ટની કોઇ ભૂમિકા રહી જતી નથી.
વધુમાં એવી રજૂઆત કરી હતી કે,‘મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ, રવીન્દ્રનાથ ટાગોર જેવી મહાન વિભૂતિઓએ માતૃભાષાના મહત્ત્વ પર નોંધનીય નિવેદનો આપ્યા છે અને વ્યક્તિના સર્વાંગી વિકાસમાં માતૃભાષા મહત્ત્વપૂર્ણ હોવાનું તમામે જણાવ્યું છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન વગેરેએ પણ ક્ષેત્રીય ભાષાના ઉપયોગ ઉપર ભાર મૂક્યો છે. પૂર્વ ચીફ જસ્ટિસ એન.વી.રમનાએ તો એટલે સુધી કહ્યું છે કે હાઇકોર્ટમાં ક્ષેત્રીય ભાષાને વૈકલ્પિક ભાષા તરીકે ઉમેરવાનો સમય પાકી ગયો છે.
સુનાવણીમાં એવી દલીલ પણ કરાઇ હતી કે,‘અરજદાર ગુજરાતી ભાષાના જ ઉપયોગનો આગ્રહ કરતા નથી પરંતુ એક વધારાની ભાષા તરીકે કોર્ટની કાર્યવાહીમાં તેને સામેલ કરવાની રજૂઆત છે. કેસની કાર્યવાહી ગુજરાતી ભાષામાં થઇ શકે પરંતુ આદેશ કે ચુકાદા અંગ્રેજીમાં રાખી શકાય. કોઇ પણ વ્યક્તિ માતૃભાષામાં વધુ અસરકારક રીતે પોતાને અભિવ્યક્ત કરી શકતી હોય છે.

હાઇકોર્ટની ખંડપીઠે કર્ણાટક હાઇકોર્ટના એક કેસને ટાંકતા કહ્યું હતું કે, કર્ણાટક હાઇકોર્ટે એક ચુકાદામાં ધો-૧થી ઉચ્ચ માધ્યમિક સુધીની શાળા કન્નડમાં કરવાના સરકારના આદેશને રદ કર્યો હતો. આ આદેશને સુપ્રીમ કોર્ટે પણ બહાલી આપી હતી.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો