Lumpy virus

Lumpy virus: લમ્પી વાયરસને ફેલાતો અટકાવવા કુલ ૧૪,૫૦૦ પશુધનનું રસીકરણ પૂર્ણ: આરોગ્ય તંત્ર સંક્રમણ ફેલાતું અટકાવવા સતર્ક

Lumpy virus: પશુધનમાં શંકાસ્પદ લક્ષણો જણાય તો હેલ્પલાઇન નં.૧૯૬૨ ઉપર સંપર્ક કરવો: નજીકના પશુ દવાખાનામાં લમ્પી વાયરસની સારવાર ઉપલબ્ધ

સુરત, 25 જુલાઇ: Lumpy virus: રાજ્યના ઘણા જિલ્લાઓમાં ગાય-ભેસ વર્ગના પ્રાણીઓમાં ગાંઠદાર ત્વચા રોગ (લમ્પી સ્કીન ડીસીઝ) જોવા મળ્યો છે, પરંતુ સુરત જિલ્લામાં હાલમાં લમ્પી વાયરસનો એક પણ કેસ નથી. નોંધનીય છે કે, ગત ૧૪ જૂને ભેસ્તાન અને કામરેજ તાલુકામાં લમ્પી વાયરસના નજીવા ચિહ્નો ધરાવતા ૧૦ કેસો નોંધાયા હતા. જે તમામ પશુઓ સ્વસ્થ થયા છે. આ અસરગ્રસ્ત વિસ્તારોમાં લમ્પી વાયરસને ફેલાતો અટકાવવા ૫૦૫૪ સહિત કુલ ૧૪,૫૦૦ પશુધનનું રસીકરણ પૂર્ણ થયું છે. જિલ્લા પશુપાલન તંત્ર લમ્પી વાયરસના સંક્રમણ ફેલાતું અટકાવવા સતર્ક છે.


સુરત જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડો.કિરીટ મોદીએ જણાવ્યું હતું કે, પશુપાલકોએ આ રોગથી ગભરાવાના બદલે તકેદારી રાખવાથી અને સ્થાનિક પશુચિકિત્સા અધિકારીના સુચન અનુસાર બિમાર પશુને સારવાર કરાવવી. આવા પશુને અલગ રાખવાથી અને બિમાર પશુ સાથે રહેલા પશુઓને રસીકરણ કરવાથી આ રોગ સંપૂર્ણપણે નિયંત્રિત થઇ જાય છે. અન્ય જિલ્લામાં લમ્પી વાયરસના ફેલાવો જોતા સુરત જિલ્લાના પશુધનમાં દૈનિક ધોરણે સર્વે કરવામાં આવે છે. તકેદારીના ભાગરૂપે પશુપાલકોને જાગૃત્ત કરવામાં આવી રહ્યા છે. આ રોગ માનવમાં નથી થતો, પણ પશુથી પશુમાં ફેલાઈ શકે છે.

હાલમાં આ રોગના તીવ્ર સંક્રમણને ધ્યાને લેતા અન્ય જિલ્લામાંથી સુરત જિલ્લામાં પશુઓની હેરફેર ન થાય તે માટેની તકેદારી રાખવા તેમણે પશુપાલકોને ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચોઃ Power generation: કેનાલ હેડ પાવર હાઉસના ૦૧ યુનિટ મારફત દરરોજ સરેરાશ રૂા.૧૦ લાખની કિંમતનું ૦.૫ મિલીયન યુનિટનું થઇ રહેલું વિજ ઉત્પાદન
ડો.મોદીએ ઉમેર્યું કે, ગત તા.૧૪મી જૂને સુરતના ભેસ્તાન પાંજરાપોળમાં ૨ કેસ અને કામરેજ તાલુકાના આખાખોલ ગામની પાંજરાપોળમાં ૮ કેસ મળી કુલ ૧૦ કેસ નોંધાયા હતા. તપાસ અને સારવાર દરમિયાન લમ્પી વાયરસના નજીવા ચિહ્નો હોવાનું જણાયું હતું. આ રોગીષ્ટ પશુઓને તાત્કાલિક અલગ કરી સારવાર આપતા તમામ પશુઓ સ્વસ્થ થઈ ગયા છે, જ્યારે એ વિસ્તારના નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે કુલ ૫૦૫૪ પશુધનનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્ય કક્ષાએથી અને વિભાગીય કચેરી કક્ષાએથી સતત મોનિટરીંગ અને દિશાનિર્દેશો અનુસાર સુરત જિલ્લામાં પશુઓમાં આ રોગ ન ફેલાય એ માટે આરોગ્ય તંત્ર સતર્ક છે.


પશુપાલકોને ઢોરના કોઢારમાં સાફસફાઈ, સેનિટેશનની કાળજી લેવા અને લમ્પી સ્કીન ડીસીઝ રોગથી ગભરાવાને બદલે સાવચેતી રાખવા અપીલ કરી તેમણે પશુધનમાં શંકાસ્પદ લક્ષણો જણાય તો નજીકના પશુ દવાખાનાનો અથવા હેલ્પલાઇન નં.૧૯૬૨ ઉપર સંપર્ક કરવા તેમણે જણાવ્યું હતું.

લમ્પી વાયરસ શું છે? તે કેવી રીતે ફેલાય છે?
લમ્પી સ્કીન ડીસીઝ એ એક વાયરસજન્ય રોગ છે, જેનો ફેલાવો મચ્છર, માખી, જૂ, ઇતરડી વગેરે દ્વારા તથા સીધો સંપર્ક, દુષિત ખોરાક અને પાણીથી ફેલાય છે. આ રોગના લક્ષણોમાં મુખ્ય રીતે પશુઓમાં સામાન્ય તાવ, આંખ-નાકમાંથી પ્રવાહી આવે, મોઢામાંથી લાળ પડે, આખા શરીર પર ગાંઠો જેવા નરમ ફોલ્લા પડે, પશુનું દૂધ ઉત્પાદન ઘટે, ખાવાનુ બંધ કરે કે ખાવામાં તકલીફ પડે, ગાભણ પશુ તરવાઇ જાય અને ક્યારેક પશુ મૃત્યુ પામે છે.

લમ્પી રોગનું નિદાન અને સારવાર
મુખ્યત્વે આ રોગના લક્ષણો પરથી તેનું નિદાન થાય છે. પી.સી.આર. અને એલાયસા ટેસ્ટ દ્વારા લેબોરેટરીમાં સચોટ નિદાન થાય છે. સારવારમાં રોગીષ્ટ પશુને સૌ પ્રથમ અલગ કરવુ, અને રોગગ્રસ્ત વિસ્તારમાંથી પશુનું સ્થાળાંતર બંધ કરવું. રહેઠાણના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવી અને યોગ્ય દવાઓ દ્વારા માખી, મચ્છર અને ઇતરડીના ઉપદ્રવનો અટકાવ કરવો. પશુમાં રોગપ્રતિકારક શક્તિ વધે અને ખોરાક જળવાઇ રહે તે માટે પશુચિકિત્સકની સલાહ મુજબ ઘરગથ્થુ માવજત કરવી. અસરગ્રસ્ત/રોગગ્રસ્ત પશુઓમાં રસીકરણ કરવું હિતાવહ નથી. અસરગ્રસ્ત વિસ્તારના નિરોગી પશુઓમાં ફેલાવો અટકાવવા રસીકરણ કરવું જરૂરી છે.

આ પણ વાંચોઃ Small Intestine Organ Donation: ગુજરાતમાં પ્રથમ વખત નાના આંતરડાનું અંગદાન, બજાણીયા પરિવાર કર્યુ આ મહાદાન

Gujarati banner 01