વિદેશથી આવેલા લોકોએ નિયત સમયનું ક્વોરન્ટાઈન પૂર્ણ કર્યા સિવાય બહાર ન નિકળવુ અને નાગરિકોએ પણ તેમને ન મળવા અપીલ:રાજ્યના પોલીસ વડા

img 20200512 wa00093555260982366550803

લૉકડાઉનના ત્રીજા તબક્કામાં
સંક્રમણ ન ફેલાય તે માટે નાગરિકો કાળજી સાથે
વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયોના ચુસ્ત પાલન માટે સક્રીય સહયોગ આપે- રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા
 રેલ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ ટ્રેન માટે ઓનલાઈન કન્ફર્મ ઈ-ટિકિટ દ્વારા જ રેલવે સ્ટેશન પર પ્રવેશ મળશે : રેલવે સ્ટેશન પર બુકિંગની સુવિધા નથી
 વિદેશમાં ફસાયેલા લોકોને ગુજરાતમાં પરત લાવવાની શરૂઆત : વિદેશથી આવેલા લોકોએ આરોગ્ય વિભાગ દ્વારા નિયત કરાયેલા ક્વોરન્ટાઈન થવા સહિતના તમામ નિયમો પાળવાના રહેશે : પોલીસ બંદોબસ્ત સાથે વૉચ રાખશે
 વિદેશથી આવેલા લોકોએ નિયત સમયનું ક્વોરન્ટાઈન પૂર્ણ કર્યા સિવાય બહાર ન નિકળવુ અને નાગરિકોએ પણ તેમને ન મળવા અપીલ
 આવશ્યક ચીજવસ્તુઓની આડમાં પ્રતિબંધિત વસ્તુની હેરાફેરીના ત્રણ ગુના નોંધાયા : સોનગઢ ચેકપોસ્ટ પર ૧.૯૨ લાખનો દારૂ પકડાયો

રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે લૉકડાઉનના ત્રીજા તબક્કામાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે નાગરિકો કાળજી સાથે વહીવટીતંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયોના ચુસ્ત પાલન માટે સક્રિય સહયોગ આપે એ તેમના પોતાના અને સમાજના હિતમાં છે.

ગુજરાતમાં લૉકડાઉનના ત્રીજા તબક્કાના ચુસ્ત અમલ અંગેની વધુ વિગતો આપતા શ્રી ઝાએ ઉમેર્યું કે રેલ મંત્રાલય દ્વારા કેન્દ્રની ગાઈડલાઈન અનુસાર શ્રમિકો માટે વિશેષ ટ્રેન તથા અન્ય ટ્રેન વ્યવહાર આજથી શરૂ કરવામાં આવેલ છે. નાગરિકોને જણાવવાનું કે આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે ઓનલાઇન બુકિંગ ચાલુ છે એટલે ઓનલાઇન કન્ફર્મ ઈ-ટિકિટ હશે તો જ રેલવે સ્ટેશન પર મુસાફરોને પ્રવેશ મળશે રેલવે સ્ટેશન પર ટિકિટ બારીથી ટિકિટ મળશે નહીં અને રેલવે સ્ટેશન પર પણ પ્રવેશ મળશે નહીં એટલે નાગરિકોએ ઓનલાઇન બુકિંગથી કન્ફર્મ થયેલી ટિકિટ સિવાય જવું હિતાવહ નથી. જે લોકો પાસે ઈ-ટિકિટ હશે તેઓએ પણ ફરજિયાત માસ્ક પહેરવાનું તથા યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું તેમજ સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનો રહેશે. આ માટે પોલીસ વિભાગને સૂચનાઓ આપી દેવાય છે.

શ્રી ઝાએ ઉમેર્યું કે વિદેશમાં ફસાયેલા નાગરિકોને ગુજરાત લાવવા માટેની શરૂઆત થઈ ગઈ છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જે નિયમો બનાવાયા છે તેનું લોકોએ ચુસ્ત પાલન કરવાનું રહેશે. વિદેશથી પરત ફરેલા નાગરિકોને ક્વોરન્ટાઈન થવા માટે જે વિકલ્પો આપ્યા છે એ મુજબ તેઓએ ક્વોરન્ટાઈન સમય પૂર્ણ કરવાનો રહેશે. આ સંદર્ભે પોલીસ દ્વારા વોચ રાખી ને પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

આવા લોકો જો ક્વોરન્ટાઈનનો ભંગ કરશે તો તેમની સામે પણ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરાશે. એ જ રીતે વિદેશથી પરત આવેલા લોકોનો પણ ક્વોરન્ટાઈન સમય પૂર્ણ ન થાય ત્યાં સુધી નાગરિકોને પણ તેમને ન મળવા અપીલ કરી છે. વિદેશથી પરત આવેલા નાગરીકોના સંપર્કમાં આવવાથી સંક્રમણનું પ્રમાણ વધવાની શક્યતા રહેલી હોય, નાગરિકો પણ ખાસ તકેદારી રાખે એ જરૂરી છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

લૉકડાઉનના કડક અમલમાં જેના વેચાણ અને હેરાફેરી ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે તેવી ચીજ વસ્તુઓની હેરાફેરીને અટકાવવા પોલીસ વિભાગ દ્વારા સતર્કતા સાથે નજર રાખવામાં આવી રહી છે તેમ જણાવી શ્રી શિવાનંદ ઝાએ કહ્યું કે, અમદાવાદ સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દૂધના પાર્લરની આડમાં પાન-મસાલાનું વેચાણ થતું હોવાની પકડી પાડવામાં આવેલ છે તથા રાજકોટ ખાતે શાકભાજીનું પરિવહન કરતાં વાહનમાં તમાકુની હેરફેર કરનારને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેવી જ રીતે તાપી જિલ્લાના સોનગઢ ચેકપોસ્ટ પરથી પસાર થતા વાહનમાંથી ડુંગળીની બોરીઓની વચ્ચે દારૂની હેરાફેરી થતું હોવાનું જણાતા રૂપિયા 1.92 લાખના દારૂનો મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ અને વાહનને જપ્ત કરવામાં આવેલ છે.

શ્રી ઝાએ વધુમાં જણાવ્યું કે, વિવિધ માધ્યમો દ્વારા જે ગુનાઓ ગત રોજથી દાખલ થયા છે, તેમાં ડ્રોનના સર્વેલન્સથી ૨૦૧ ગુના નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં ૧૨,૪૪૪ ગુના દાખલ કરીને ૨૨,૮૦૩ લોકોની ધરપકડ કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા ૯૮ ગુના નોંધીને ૧૦૦ લોકોની ધરપકડ કરાઈ છે. આ રીતે અત્યાર સુધીમાં CCTVના માધ્યમથી ૩,૧૩૦ ગુના નોંધીને ૪,૨૫૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

શ્રી ઝાએ કહ્યું કે, રહેણાંક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં લગાવવામાં આવેલા ખાનગી CCTV કેમેરાના ફૂટેજના આધારે આજદિન સુધીમાં ૬૭૮ ગુનામાં કુલ ૯૪૪ લોકોની અટકાયત કરવામાં આવી છે.

આ જ રીતે, સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે ગઈકાલથી આજ સુધીમાં ૧૪ ગુનાની સાથે અત્યાર સુધીમાં ૭૬૮ ગુના દાખલ કરીને ૧૫૮૪ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સોશિયલ માધ્યમો પર અફવા ફેલાવતા અત્યાર સુધીમાં ૭૨૬ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે.

પોલીસ દ્વારા વિડિયોગ્રાફી મારફત ગઈકાલના ૧૯૮ ગુના સહિત અત્યાર સુધીમાં કુલ ૩,૭૦૪ ગુના નોંધવામાં આવ્યા છે. ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) દ્વારા ગઈકાલે વધુ ૪૨ ગુના દાખલ કરવામાં આવ્યા છે. કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત ગઇકાલના ૪૦ ગુના દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે આજદિન સુધીમાં ૧,૨૨૧ ગુના દાખલ કરવામાં આવ્યા છે.

ગઈ કાલથી આજ સુધીમાં જાહેરનામા ભંગના ૨,૦૦૮ ગુના, ક્વૉરન્ટાઇન કરેલી વ્યક્તિઓ દ્વારા કાયદાભંગના ૭૫૨ ગુના તથા અન્ય ૪૪૮ ગુના મળી અત્યાર કુલ ૩,૨૦૮ ગુનાઓ દાખલ કરી કુલ ૩,૭૨૮ આરોપીની અટકાયત કરવામાં આવી છે. આ સાથે ૫,૭૯૪ વાહન પણ જપ્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૫૪,૭૨૨ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ગતરોજ ૫,૮૩૯ અને અત્યાર સુધીમાં ૨,૨૩,૨૬૬ ડિટેઇન કરાયેલાં વાહનોને મુક્ત કરવામાં આવ્યા છે.