કોરોનાનાં ભયને દૂર કરી માતા-પુત્રીને કોરોના મુક્ત કરતાં મોવિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્યકર્મીઓ

Corona care

કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતાં લોકો તબીબોના માર્ગદર્શન હેઠળ હોમ આઈસોલેશનમાં રહીને કોરોનામુક્ત થઈ રહયાં છે

અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ

રાજકોટ, ૦૬ ઓક્ટોબર: રાજકોટ જિલ્લામાં કોરોના મહામારીના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્રના સહયોગમાં રહીને મોવિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. 

જ્યારે મોવિયા ગામમાં આરોગ્ય કેન્દ્રની ટીમ દ્રારા ડોર ટુ ડોર સર્વેલન્સ કામગીરી ચાલુ હતી. એ સમય દરમિયાન સંતોષી માતાજીના મંદિર પાસે આવેલ વિસ્તારમાં માતા-પુત્રી રંજનબેન અને ધ્રુવીબેન જાદવને સામાન્ય તાવ, શરદી અને ઉધરસના લક્ષણો જોવા મળ્યા અને છેલ્લા એક અઠવાડિયાથી સામાન્ય બીમારી જણાતા, પી.એચ.સી.ના મેડિકલ ઓફીસર ડો. જ્યોતિબેન પટેલ દ્વારા તેમના ટેસ્ટ કરવાનું કહ્યું પરંતુ પરિવાર ટેસ્ટથી ડરતો હતો માટે આરોગ્યકર્મીઓ દ્વારા તેમના મનમાંથી કોરોનાના ભયને નાબૂદ કરવામાં આવ્યો અને સાથોસાથ એ પણ જણાવ્યું કે, “જો કોરોનાના સામાન્ય લક્ષણો જણાશે તો તમે ઘરે જ સારવાર લઈ કોરોનામુક્ત થઈ શકશો પણ જો ટેસ્ટ નહીં કરાવો તો શક્ય છે કે રોગનું સંક્રમણ વધી જશે” તેમની આ તર્કબદ્ધ સમજાવટથી આખો પરિવાર ટેસ્ટ કરાવવા માટે સહમત થયો અને સમગ્ર પરિવારનો એન્ટીજન ટેસ્ટ કરતાં માતા-પુત્રી બન્નેનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો. પરંતુ કોરોનાનાં સામાન્ય લક્ષણો હોવાથી તેમને મેડીકલ ઓફીસર ડો. જ્યોતિબેન પટેલ દ્વારા જરૂરી દવા આપી હોમ આઈસોલેટ કરવામાં આવ્યા.

Advt Banner Header

આરોગ્ય કેન્દ્રના એમ.પી.એચ. ડબલ્યુ. દાફડાભાઈ અને સ્થાનિક આશા બહેન અલ્માશબેન ભટ્ટી દ્વારા આઇસોલેશનના સમયગાળા દરમિયાન દરરોજ બંનેનું SPO2 અને ટેમ્પ્રેચર ચેક કરીને જરૂરી નિદાન કરી આપવામાં આવતું હતું. પી.એચ.સી.ની આ સઘન સારવારના પરિણામે માતા-પુત્રી કોરોનામુક્ત બન્યા.

કોરોનામુક્ત બનેલ માતા-પુત્રી પૈકી રંજનબેન પોતાની સારવારના અનુભવને વર્ણવતા જણાવે છે કે,”આરોગ્ય કેન્દ્ર ની ટીમ દ્વારા મળેલ સમયસર નિદાનથી અમોને કોરોના સામે જંગ જીતવાની પ્રેરણા મળી હતી. આ સમગ્ર સારવાર દરમિયાન અમને સમજાયું કે કોરોના કરતા કોરોનાનો ભય વધુ નુકશાન કરેં છે. કોરોના વાયરસથી બચવા માટે લોકો એ જાગૃત બની સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબની સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ આરોગ્ય કેન્દ્રની ટીમ રાત-દિવસ આપણા જીવનને બચાવવા પ્રયત્નશીલ છે ત્યારે લોકોએ તેમને સાથ સહકાર આપવો જોઈએ.”

આમ, કોરોનાના કપરા સમયમાં આરોગ્યલક્ષી આયોજનબધ્ધ કામગીરી થકી મોવિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા દર્દીઓને કોરોના મુક્ત કરવા સઘન કામગીરી કરવામાં આવી રહી છે