Purnashakti yojana

Purnashakti yojana: કુપોષણને નાથવામાં મહત્વનું યોગદાન આપતી પૂર્ણા યોજના કિશોરીઓની તંદુરસ્તી માટે વરદાનરૂપ…

Purnashakti yojana: રાજ્ય સરકારની ‘પૂર્ણાશક્તિ યોજના’માં ચોર્યાસી તાલુકાના ગંગાધરાની દીકરી ટ્વિન્કલબેન ઢોડિયા લાભાન્વિત

સુરત, 10 ફેબ્રુઆરી: Purnashakti yojana: રાજ્ય સરકારે કુપોષણમુક્ત ગુજરાતની નેમ સાથે આંગણવાડીના બાળકો, સગર્ભા-ધાત્રી માતા અને કિશોરીઓને પોષણક્ષમ પૂરક આહાર પૂરો પાડવા માટે ગુજરાત રાજ્ય મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સહયોગથી ટેક હોમ રાશન યોજના અમલી બનાવી છે.

આ યોજનામાં બાલશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાશક્તિના નામથી પૂરક પોષક આહાર તૈયાર કરવામાં આવે છે, જેમાં ઘઉં, બેસન, સોયાબીન લોટ, ખાંડ, તેલ, મકાઈ, ચોખા અને વધારાના પોષકતત્વોનો સમાવેશ થાય છે. આ તત્વોમાંથી શીરો, સુખડી, રાબ, લાડુ જેવી ૩૦ પ્રકારની પોષક વાનગીઓ બનાવી શકાય છે.

રાજ્ય સરકાર દ્વારા ‘સુપોષણયુક્ત ગુજરાત’નો સંકલ્પ સિદ્ધ કરવા માટે આઇસીડીએસ (સંકલિત બાળ વિકાસ યોજના) હેઠળ કાર્યરત ‘પૂર્ણાશક્તિ યોજના’ અંતર્ગત કિશોરીઓને ફૂડ પેકેટની સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ ચોર્યાસી તાલુકાના ગંગધરા ગામે રહેતા ટ્વિન્કલબેનને પુરક પોષણયુક્ત આહાર મળી રહ્યો છે.

ગંગાધરા ગામના ટીબલિયા ફળિયામાં રહેતા ૧૮ વર્ષીય ટ્વિન્કલબેન પરેશભાઇ ઢોડિયા ધો.૧૨માં અભ્યાસ કરે છે. તેઓ જણાવે છે કે, હું સામાન્ય પરિવારથી આવું છું, ત્યારે મારા માટે બજારમાં મળતો મોંઘો પોષકઆહાર કે સામગ્રી ખરીદવા શક્ય નથી. એવા સમયે આ વિસ્તારની આંગણવાડી તરફથી સરકારની પૂર્ણાશક્તિ યોજનાની માહિતી મળતા નામ નોંધાવ્યું હતું અને નિયત સમયમાં જ તેનો લાભ પણ મળતો થયો છે. યોજના અંતર્ગત મળતા પૌષ્ટિક લોટની ગુણવત્તા પણ ઉત્તમ કક્ષાની હોય છે, જેના થકી અમે ઘરે શીરો, ઉપમા શાક વગેરે વાનગીઓ બનાવીએ છીએ. આ વાનગીઓમાંથી આયર્ન અને પ્રોટીન મળે છે અને સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.

તેમણે વધુંમાં જણાવ્યું હતું કે, ગંગાધરા કારેલી-૪ આંગણવાડીના કાર્યકર બહેનો દ્વારા દર મંગળવારે અમને પુર્ણા શક્તિના પેકેટમાંથી બનતી વાનગીઓ શીખવવામાં આવે છે, ઉપરાંત આંગણવાડીમાં નિબંધ લેખન, વકતૃત્વ, વાંચન સ્પર્ધા યોજવામાં આવે છે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બહેનોને સેનેટરી પેડસનું વિતરણ કરી તેના ઉપયોગથી થતા લાભો વિશે સમજાવવામાં આવે છે.

ટ્વિન્કલબેન કહે છે કે, સરકારની અન્ય યોજનામાં મારા પરિવારે ઉજ્જવલા યોજનાનો લાભ લીધો છે. તેમજ ઈ-શ્રમ કાર્ડ તથા આયુષ્યમાન કાર્ડ પણ કઢાવ્યા છે. મારા પરિવારજનોમાં કોઈ ગંભીર બીમારીમાં સપડાય અને હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવશે તો આયુષ્યમાન કાર્ડ સંકટ સમયની સાંકળ બનશે. રાજ્ય સરકારે મહિલાલક્ષી અનેકવિધ યોજનાઓ શરૂ કરી છે જે મારા જેવી અનેક દિકરીઓને સહાયરૂપ બની છે. સરકાર દ્વારા પૂર્ણા યોજનામાં મળતા આહાર બદલ હું રાજ્ય સરકારનો હૃદયપૂર્વક અભાર માનું છું એવું તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો: Yagnopavit in ambaji: અંબાજી ખાતે બ્રાહ્મણ સમાજનો 11મોં સમૂહ જનોઈ અને સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો