Naag panchami

Naag Panchami: આજે વાંચો નાગપંચમીનાં તહેવારની ઉત્ત્પત્તિ અને ઉજવણી સંદર્ભે મહાભારતનો એક રસપ્રદ પ્રસંગ

google news png
Banner Vaibhavi Joshi

આજે શ્રાવણ વદ પાંચમ એટલે નાગપંચમી(Naag Panchami) . કૃષિપ્રધાન ભારતમાં ખેતીવાડીને નુકસાન કરતા ઉંદરોનાં ભક્ષક તરીકે સાપ-નાગનું સદીઓથી વિશેષ મહત્વ છે. ભારતીય જ્યોતિષ તથા ધર્મશાસ્ત્રમાં પાંચમ તિથિનાં અધિપતિ નાગ છે. વર્ષ દરમિયાન લગભગ મોટા ભાગની પાંચમ તિથિ ભારતનાં કોઈને કોઈ પ્રદેશમાં નાગપંચમી તરીકે પૂજાય છે. એવું કહેવાય છે કે આપણી ધરતી શેષનાગનાં ફેણ પર ટકેલી છે અને જ્યારે ધરતી પર પાપ વધી જાય છે ત્યારે શેષનાગ પોતાની ફેણને સમેટી લે છે જેથી ધરતી હલે છે. આવા જ કોઈક વિચારથી પ્રેરાઈને આપણે બધા કદાચ વધુ શ્રધ્ધાવત બનીને નાગની પૂજાને સમર્થન આપતા આવ્યા છીએ.

આપણા દેશમાં દરેક સ્થાન પર કોઈને કોઈ રૂપે શંકર ભગવાનની પૂજા થાય છે. એમના ગળામાં, જટાઓમાં અને બાજુઓમાં નાગની માળા પણ આપણે સ્પષ્ટ જોઈએ છીએ. કદાચ એટલે પણ લોકો નાગની પૂજા કરવામાં વધુ શ્રધ્ધા રાખે છે. લોકો નાગને પિતૃસમાન માની તેનું પૂજન કરે છે. જેથી પોતાનાં પરિવારનાં સભ્યોને જીવજંતુ કે સરિસૃપ વર્ગનું કોઈ પ્રાણી કરડે નહીં અને તેમનાંથી સૌને રક્ષણ મળે.

ભારતનાં કેટલાક વિસ્તારોમાં સુદ પાંચમે તો ગુજરાત સહિત અન્ય વિસ્તારોમાં વદ પાંચમે નાગપંચમી તરીકે મનાવવામાં આવે છે. આ તહેવારને લઈને લોકોમાં અનેક માન્યતાઓ અને લોક વાર્તાઓ પણ પ્રચલિત છે અને એનો શાસ્ત્રોક્ત ઉલ્લેખ પણ મળી આવે છે. ગરૂડ પુરાણ મુજબ, સર્પની ઉત્પત્તિ બ્રહ્માનાં વાળથી થઈ છે. બ્રહ્મા સર્જન કાર્યમાં હતાં ત્યારે બ્રહ્માનાં માથાનાં વાળ માથા પરથી ખરવા લાગ્યા અને નીચે ખરેલાં વાળ પરત માથા પર સરકવા લાગ્યા. આ સર્પણનાં કારણે સર્પ કહેવાયા એવું મનાય છે.

સમગ્ર સંસારનાં ચૌદ લોકમાં નાગલોક પણ એક મહત્વનું પરબ્રહ્મ સર્જીત સ્થાન છે. આ નાગલોકમાં રાજા અને પ્રજા પણ નાગ સ્વરૂપે હોય છે એવી માન્યતા છે. આપણા પુરાણો મુજબ નાગોનાં ઘણા પ્રકાર છે, જેમાં ખાસ કરીને નાગોનાં રાજા વાસુકિ, શેષ નાગ ,પદ્મ નાગ, કદમ નાગ, કાળકોટક નાગ, નાઘેશ્વર નાગ, ધૃતરાષ્ટ નાગ, શંખપાલ નાગ, કાલખ્યાં નાગ, તક્ષક નાગ, પિંગળ નાગ, ઐરાવત નાગ વગેરેનું વર્ણન મળી આવે છે.

નાગપંચમીનાં તહેવારની ઉત્ત્પત્તિ અને ઉજવણી સંદર્ભે મહાભારતમાં આવતો એક રસપ્રદ પ્રસંગ યાદ આવે છે. તો મને થયું આજે એ પ્રસંગ આપ સહુ સાથે વહેંચું. એ પ્રસંગ અનુસાર અભિમન્યુ પુત્ર રાજા પરિક્ષિત જ્યારે આખેટ માટે જંગલમાં જાય છે ત્યારે એક ઋષિને તપસ્યા કરતા જોવે છે. જ્યારે એની પાસે જાય છે અને જોવે છે કે મારાં એટલે કે રાજાનાં આવવા છતાં પણ એમણે આંખો નથી ખોલી ત્યારે પરિક્ષિતને ક્રોધ આવે છે અને ક્રોધાવેશમાં ઋષિની તપસ્યા ભંગ કરવા માટે તેમની પાસે પડેલાં એક મરેલા સાપને એમના ગળામાં નાખી દે છે અને ત્યાંથી ચાલ્યો જાય છે.

આ પણ વાંચો:- Dreams: ખ્વાબ તૂટે સાથ છૂટે દર્દમાં ડૂબવાની જરૂર નથી…

થોડીવાર પછી શમિક ઋષિનાં પુત્ર શ્રુંગી ત્યાં આવે છે અને જ્યારે તપસ્યા કરી રહેલાં પોતાના પિતાનાં ગળામાં મરેલો સાપ જોવે છે ત્યારે ક્રોધમાં આવી શ્રાપ આપે છે કે જે કોઈએ આ સાપ મારા પિતાનાં ગળામાં નાખ્યો છે એને સાત દિવસ પછી તક્ષક નાગ ડસી લેશે અને એનું મૃત્યુ થઈ જશે. તક્ષક એટલે પાતાળનાં મુખ્ય આઠ ધુરંધર સર્પરાજમાંનો એક, મહર્ષિ કશ્યપ અને એમના પત્ની કદ્રુનો પુત્ર અને વાસુકિનો ભાઈ. શ્રુંગી ઋષિનાં શ્રાપને કારણે નાગરાજ તક્ષકે બ્રાહ્મણનાં વેશમાં આવી ડંખ મારેલો અને કુરુવંશના આ રાજાનું મૃત્યુ થયેલું.

એ પછી પરિક્ષિતનો પુત્ર જન્મેજય પ્રતિશોધ લેવા સમસ્ત નાગજાતીને નષ્ટ કરી દેવાનો સંકલ્પ કરે છે અને એ માટે કહેવાતો નાગસત્ર કે સર્પમૃત્યુ યજ્ઞ આરંભ કરે છે. અત્યંત મોટા પાયે આરંભ કરેલા આ યજ્ઞની જો પુર્ણાહુતી થાય તો સમસ્ત નાગવંશનો સર્વનાશ નિશ્ચિત હતો. આ વાતથી સમસ્ત નાગજાતી ભયભીત હતી અને પોતાનાં અસ્તિત્વને ટકાવી રાખવા માટે વ્યર્થ પ્રયત્નો કરવા લાગી.

Naag Panchami; આ વાત નાગરાજ વાસુકિ પાસે પહોંચે છે. વાસુકિ એટલે સમસ્ત નાગપ્રજાતિનો ચક્રવર્તી સમ્રાટ અને મહર્ષિ કશ્યપ અને દક્ષરાજાની પુત્રી કદ્રુનો પુત્ર. દેવો અને દાનવો વચ્ચે થયેલા સમુદ્રમંથન વખતે મંદરાચલ કે મેરુ પર્વતનો ઉપયોગ વલોણાં તરીકે થયેલો અને આ કાર્ય માટે નાગરાજ વાસુકિ એ પોતાનો ઉપયોગ વલોણાંને ફેરવતી રસ્સી એટલે કે નોંઝણા તરીકે થવા દીધેલો. વાસુકિ એટલે પરમ શિવભક્ત. એમની પ્રબળ શિવભક્તિને કારણે જ તેઓ શિવજીનાં ગળામાં સ્થાન પામ્યાં.

એ સમયે નાગરાજ વાસુકિ સમસ્ત નાગજાતિને બચાવવા માટે ખૂબ જ ચિંતિત થઈ ગયા હતા. જો કે આ વાત સાથે એક ઔર પૌરાણિક કથા જોડાયેલી છે. એક પ્રસંગ અનુસાર માતા કદ્રુએ સર્પયજ્ઞમાં ભસ્મ થવાનો સાપોને શ્રાપ આપ્યો હતો. ત્યારે એલાપત્ર નામના નાગે વાસુકિને કહ્યું હતું કે તમારી બહેન, જકારર્તાને જન્મેલો પુત્ર જ સાપની બલિને રોકી શકશે. એ વાતનાં સંદર્ભે નાગરાજ વાસુકીએ એમની બહેન જર્તારુનાં લગ્ન ઋષિ જરત્કારુ સાથે કરેલા જેનાથી આસ્તિક નામનાં વિદ્વાન ઋષિ પુત્ર રૂપે અવતર્યા હતાં. આ હતી આ યજ્ઞ પાછળની પૂર્વભૂમિકા અને હવે પાછા આવીયે જન્મેજયનાં યજ્ઞમાં.

વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આ યજ્ઞ ચાલી રહ્યો હતો. આ મહર્ષિ આસ્તિક જન્મેજયનાં યજ્ઞમાં પધારે છે અને પોતાની મધુર વાણીથી જન્મેજય પર પોતાની ગાઢ અસર પ્રસ્થાપિત કરે છે. યજ્ઞમાં એક પછી એક બધા જ સર્પ અને નાગની આહુતિ આપવમાં આવી રહી હતી અને છેલ્લે વારો આવ્યો તક્ષક નાગનો. મંત્રોચ્ચાર છતાં એ ન આવ્યો ત્યારે જન્મેજય ક્રોધિત થાય છે અને એને ખબર પડે છે કે તક્ષક ભાગીને ઇન્દ્રની શરણમાં છે. ક્રોધમાં આવેલા જન્મેજયે બંનેની ભેગી આહુતિ આપવાનું આહ્વન કર્યું. ‘ઇન્દ્રાય તક્ષકાય સ્વાહા..’ નાં મંત્રો ગુંજી ઉઠ્યા.

આ બાજુ નાગરાજ તક્ષક આ યજ્ઞથી ભયભીત થઈને દેવરાજ ઇન્દ્રની શરણમાં હતાં, પરંતુ બ્રાહ્મણોનાં મંત્રોની શક્તિ એટલી સાત્વિક અને તીવ્ર હતી કે આ યજ્ઞમાં ઈન્દ્રાસન સહિત અન્ય સાપો પણ યજ્ઞ કુંડમાં પડીને ભસ્મી ભૂત થવા લાગ્યા. જયારે તક્ષકનો વારો આવે છે ત્યારે જન્મેજય પોતાનો યજ્ઞ પુર્ણાહુતીનાં આરે છે એમ સમજીને આસ્તિક ઋષિને કઈંક માંગવાનું જણાવે છે. અને ત્યારે આસ્તિક ઋષિ તક્ષકની આહુતિ ન આપવાનું માંગી લે છે અને વચનમાં બંધાયેલો જન્મેજય ખિન્ન મને સ્વીકારી લે છે.

આમ આસ્તિક ઋષિ દયા ભાવથી તક્ષકને યજ્ઞ કુંડની અગ્નિમાં પડતાં બચાવી લે છે. એટલું જ નહિ જન્મેજયને સમજાવી આ યજ્ઞ પણ અટકાવી દે છે. આ દિવસે નાગજાતિને જીવતદાન મળ્યું હતું અને આ દિવસ શ્રાવણ માસની વદ પંચમી (કૃષ્ણપક્ષ) તથા ભારતનાં અન્ય કૅલૅન્ડેરો મુજબ શ્રાવણ માસની સુદ પંચમી હોઈ આ દિવસે નાગપાંચમનો તહેવાર મનાવવામાં આવે છે.

આપણા શાસ્ત્ર અને પુરાણોમાં નાગોનું વિસ્તૃત વર્ણન મળી આવે છે. ખાસ તો વાસુકિ, તક્ષક અને શેષનાગ વિશે ઘણા ઉલ્લેખો મળી આવે છે. તક્ષક નાગ વાસુકિની જેમ જ ભગવાન શિવની ગ્રીવા અને જટામાં બિરાજમાન છે એવું મનાય છે. કદ્રુનાં પુત્રોમાં શેષનાગ સૌથી શક્તિશાળી હતા. બ્રહ્માએ શેષનાગને કહેલું કે આ પૃથ્વી સતત ગતિશીલ રહે છે, તેથી તમે પૃથ્વીને તમારી ફેણ પર એવી રીતે ધારણ કરો કે તે સ્થિર થાય અને ત્યારથી શેષનાગે પૃથ્વીને પોતાની ફેણ પર ધરી છે એવું મનાય છે.

ક્ષીર સાગરમાં, ભગવાન વિષ્ણુ શેષનાગની શૈય્યા પર બિરાજમાન છે. ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન રામ અને કૃષ્ણનાં ભાઈ લક્ષ્મણ અને બલરામ પણ આ શેષનાગનો જ અવતાર છે એ વાત આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. પુરાણો અનુસાર નાગરાજ વાસુકિની મુખ્ય ભૂમિકા અગાઉ જણાવ્યા મુજબ સમુદ્રમંથન સમયે અને ત્રિપુર ધ્વંશદાહ સમયે થઈ હતી જેમાં વાસુકિ શિવજીનાં ધનુષની પ્રત્યંચા બન્યા હતા.

સમુદ્રમંથન અને નાગવંશનાં સર્વનાશને રોકવાનાં કાર્યને લીધે વાસુકિનાગનાં માનમાં આજે પણ નાગપંચમી ઉજવી એમને યાદ કરાય છે. આપ સહુને નાગપંચમીની મારાં તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!! વૈભવી જોશી

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *