Mata Kalratri: આજે જાણો; માતા કાળરાત્રિની પૂજાનું મહત્વ
સપ્તમીનાં દિવસે મા દુર્ગાનાં સાતમા સ્વરૂપની આરાધના કરાય છે. આસુરી તત્ત્વો માટે તેઓ સાક્ષાત કાળ હોવાને લીધે તેઓ કાળરાત્રિ તરીકે નામના પામ્યા છે.

Mata Kalratri: ભય અને અભય, આ બંને લાગણીઓ સાથે લગભગ દરેક વ્યક્તિ જીવનમાં પસાર થતી હોય છે. વળી આજનાં સંઘર્ષ અને મહામારીનાં સમયમાં મોટાભાગનાં લોકો વ્યથિત, ત્રસ્ત બની ગયા છે અને ઝંખે છે કે બધું પહેલાંની જેમ ગોઠવાઈ જાય. આ લાગણીની પાછળ ભયમુક્ત થવાની ઝંખના જ છે ને..!!
આ જ રીતે દેવદાનવનાં નિરંતર સંધર્ષમાં દાનવી, પાશવી અને અમાનુષી કાર્યોનો ભોગ બનનાર પરમાત્માની શરણમાં જતા દેવો ઇચ્છે છે કે તેમનું રક્ષણ કરનાર કોઈ શક્તિ હોય. નવરાત્રિનાં સાતમાં નોરતે જેમનું સ્વરુપ દર્શન પ્રથમ દ્રષ્ટિએ ભયંકર લાગે છે પણ જેઓ અભયંકારી છે એવા માતા કાળરાત્રિની પૂજાનું વિશેષ મહત્વ છે આજે.
સપ્તમીનાં દિવસે મા દુર્ગાનાં સાતમા સ્વરૂપની આરાધના કરાય છે. આસુરી તત્ત્વો માટે તેઓ સાક્ષાત કાળ હોવાને લીધે તેઓ કાળરાત્રિ તરીકે નામના પામ્યા છે. માન્યતા છે કે માતા કાળરાત્રિની પૂજા કરવાથી મનુષ્ય સમસ્ત સિદ્ધિઓ પ્રાપ્ત કરી લે છે, માતા કાળરાત્રિ પરાશક્તિઓ (કાળા જાદુ)ની સાધના કરતાં જાતકોની વચ્ચે ખૂબ જ જાણીતા છે.

આજે મા કાળરાત્રિ વિશે જાણીયે. પ્રચલિત પૌરાણિક કથા પ્રમાણે શુંભ, નિશુંભ અને અસુરોનાં રાજા રક્તબીજ નામના મહાકષ્ટકારી અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાળરાત્રિ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ દૈત્યોએ ઇન્દ્રનાં ત્રણ લોક અને યજ્ઞભાગ પડાવી લીધા હતાં. સૂર્ય, ચંદ્ર સહિતનાં તમામ દેવોનાં અધિકારો પણ હણી લીધાં હતાં અને તેમને સ્વર્ગમાંથી જાકારો આપ્યો હતો. ત્યારે તેઓએ હિમાલયનાં ઊંચા શિખરો પરથી માતા મહાદેવીને પ્રાર્થના કરતા દીર્ઘસ્તુતિ કરી હતી.
આ સમયે માતા પાર્વતી ત્યાં ગંગાસ્નાન માટે પધાર્યાં હોય છે. શિવજીની વાત માનીને પાર્વતીજીએ દુર્ગાનું રૂપ ધારણ કર્યું અને શુંભ-નિશુંભનો વધ કર્યો. પરંતુ દુર્ગાજીએ જેવો રક્તબીજને માર્યો એવો જ તેનાં શરીરમાંથી નિકળેલાં રક્તથી લાખો રક્તબીજ ઉત્પન્ન થઈ ગયાં. તેને જોઈને મા દુર્ગાએ પોતાના તેજથી કાળરાત્રિને ઉત્પન્ન કર્યા. ત્યારબાદ મા દુર્ગાએ રક્તબીજને માર્યો અને તેના શરીરથી નિકળતાં રક્તને મા કાળરાત્રિએ પોતાના મુખમાં ભરી દીધું અને બધાનું ગળું કાપતાં-કાપતાં રક્તબીજનો વધ કર્યો.

દેવી ભાગવતમાં આ યુદ્ધની શરુઆતમાં ચંડમુંડનો દેવી દ્વારા કરેલ નાશની કથા પણ આવે છે. દુર્ગા સપ્તસતીથી પરિચિત લોકો પણ ભગવતીનાં એ અપ્રતિમ સાહસ અને શૌર્યની ગાથા જાણે છે અને દેવીએ કેવાં ભયંકર પ્રકોપ અને ક્રોધપૂર્વ શુંભનિશુંભનો નાશ કર્યો તેનું રોચક અને સહૃદયોને શાતા આપનારા કથાનકનું નવરાત્રિનાં આ સાતમાં સ્વરૂપ માતા કાળરાત્રિનાં દિવસે સ્મરણ કરવામાં આવે છે.
एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता। लम्बोष्ठी कर्णिकाकर्णी तैलाभ्यक्त शरीरिणी॥
वामपादोल्लसल्लोह लताकण्टकभूषणा। वर्धन मूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयङ्करी॥
દેવી કાળરાત્રિનું શરીર રાતનાં અંધારા જેવું કાળું છે. તેમના વાળ વિખેરાયેલાં છે અને ગળામાં વિદ્યુતની જેમ ચમકનારી માળા છે. તેમનાં ત્રણ નેત્રો છે. એ ત્રણે નેત્રો બ્રહ્માંડની જેમ ગોળ છે જેમાંથી વીજળી જેવા ચમકારાં થતાં રહે છે. તેમની નાસિકાનાં શ્વાસ-ઉચ્છવાસથી અગ્નિની ભયંકર જવાળાઓ નીકળતી રહે છે. તેમનું વાહન ગર્દભ છે. ઉપર ઉઠેલાં જમણા હાથની વરમુદ્રાથી સર્વેને વર પ્રદાન કરે છે. જમણી બાજુનો નીચેનો હાથ અભયમુદ્રામાં ડાબી બાજુનાં ઉપરવાળા હાથમાં લોખંડનો કાંટો તથા નીચેવાળા હાથમાં ખડ્ગ (કટાર) છે.
મા કાળરાત્રિનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે, પણ એ કાયમ શુભ ફળ જ આપનારાં છે. તેમની પૂજા શુભ ફળદાયી હોવાને લીધે તેમને શુભંકારી પણ કહે છે.
મા કાળરાત્રિની કૃપા આપના અને આપના પરિવાર પર સદાય બની રહે એવી શુભેચ્છાઓ..!!
या देवी सर्वभूतेषु कालरात्रि रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥